
મહારાષ્ટ્રમાં આકાશમાંથી વરસતું પાણી હવે આશીર્વાદ નહીં પણ આફત બની ગયું છે. મેઘરાજાએ એવો રોદ્ર અવતાર ધારણ કર્યો છે કે રાજ્યના અનેક ભાગોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, વસાહતો ટાપુઓમાં પરિવર્તિત થઈ ગઈ છે, અને જીવ બચાવવા માટે બચાવ દળોને મેદાને ઉતરવું પડ્યું છે. નાશિકથી લઈને પુણે, વસઈથી ભિવંડી સુધી વરસાદે ભારે અસર પહોંચાડી છે.
નાશિકમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્રંબકેશ્વર, ઈગતપુરી અને નાશિક જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કર્યા છે. ઘણા માર્ગો બંધ થઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જોકે, તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નાશિકના ત્રંબકેશ્વર વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. મેદગઢ કિલ્લા વિસ્તારમાં જોખમ વધતાં ત્યાંથી સૌથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને ત્રંબકેશ્વર મંદિર પણ આગામી સૂચના સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પુણે શહેરમાં પણ ધોધમાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. વાઘોલી અને લોહેગાંવ માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસ પાણીમાં ફસાઈ જતાં ફાયરબ્રિગેડે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ છ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનાએ શહેરમાં વરસાદની તીવ્રતા દર્શાવી હતી.
મહારાષ્ટ્રના વસઈ અને ભિવંડી વિસ્તારમાં પણ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. વસઈના મોરી ગામમાં પૂરનું પાણી ઘૂસી જતાં અનેક લોકો ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડે સતત પ્રયાસો કરીને પૂરના પાણીમાંથી અંદાજે 65 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી તંત્ર સતત નજર રાખી રહ્યું છે. વસઈ-વિરારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તા બંધ થઈ ગયા અને લોકો ઘરમાં જ ફસાઈ ગયા હતા.
મુંબઈથી અડીને આવેલા પાલઘર જિલ્લામાં પણ ધમધોકાર વરસાદ પડ્યો છે. પાલઘરના વાડા, મોખાડા, બોઈસર, પાલઘર શહેર, વસઈ, વિરાર અને નાલાસોપારામાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રેલવે સ્ટેશનોથી માંડીને બજારો સુધી બધે જ પાણીમાં લોકો ઘેરાયા છે. જોકે, તંત્રે લોકોને જરૂરી મદદ પહોંચાડી છે અને સાવચેત રહેવા સૂચના આપી છે.
મુંબઈમાં વરસાદની શરૂઆત હોવા છતાં અત્યાર સુધીમાં 830 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે, જેમાંથી 300થી વધુ વૃક્ષો સાર્વજનિક સ્થળો પર પડ્યા છે. આના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે. આ તરફ મુંબઈના દરિયા કિનારે હાઈટાઈડની ચેતવણી હોવા છતાં કેટલાક લોકો પરિવાર સાથે દરિયા કિનારે બેદરકારીપૂર્વક ફરતા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી તમામ જિલ્લા તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. રાજ્યના પ્રધાન ગિરીશ મહાજને પણ મધ્યરાત્રિએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં વરસાદ હજુ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. આગામી કલાકો વધુ કસોટી ભર્યા બની શકે છે, તેથી તંત્રની સાથે સાથે સામાન્ય લોકોએ પણ સંપૂર્ણ સાવચેતી રાખવી પડશે.
ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ જતી-આવતી અનેક ટ્રેનો સતત બીજા દિવસે પણ કરાઈ રદ, જાણો
Published On - 10:23 pm, Tue, 7 July 26