રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આવનારા વર્ષમાં પોલીસ વિભાગમાં 12થી 13 હજાર જગ્યા ઉપર ભરતી કરવા માટેની તજવીજ હાથ ધરવાની અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ માટે ગૃહ વિભાગ નવા નિયમો બનાવવા માટે પણ પ્રક્રિયા હાથ ધરશે. આ પ્રક્રિયા માટે નવા નિયમો બનાવવા કમિટીની રચના કરવાનો આદેશ ગૃહવિભાગે આપી દીધો છે. આ કમિટી આગામી બેથી ત્રણ મહિનામાં ગૃહ વિભાગને રિપોર્ટ સોંપશે. ત્યારબાદ પોલીસ વિભાગ ભરતી પ્રક્રિયા હાથ ધરશે. રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી તમામ સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ- મંજૂર મહેકમને સમયબદ્ધ આયોજન દ્વારા વહેલી તકે ભરવાનો નિર્ણય સરકારે લીધો છે.
ગઈકાલે ગાંધીનગર ખાતે ગૃહવિભાગની અધ્યક્ષતામાં ભરતી બોર્ડની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભરતી બોર્ડના અધ્યક્ષ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોક રક્ષક ભરતી, PSI અને PIની ભરતી મામલે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલગ અલગ ભરતીને લઈને થયેલી રજૂઆતો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.