અમિત શાહે કહ્યું પીએમ મોદીએ તેમના કાર્યકાળના 20 વર્ષ દરમિયાન કોઈ રજા લીધી નથી
Amit Shah in Pansar : ગૃહપ્રધાન શાહે કહ્યું આખી દુનિયામાં કોઈ એવો નેતા નથી જેણે 20 વર્ષ સુધી એકધારી ચૂંટણીઓ જીતી હોય અને 20 વર્ષ સુધી એકધારા લોકોની સેવા કરી હોય.
GANDHINAGAR : ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલનું ઉદ્ઘાટન અને સઈજમાં સ્વામીનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કુલના ઉદ્ઘાટન અને ઓક્સીજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ તેઓ પાનસર પહીચ્યા હતા. પાનસરમાં અમિત શાહે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું અને સરકારની વિવિધ યોજનાઓના ખાતમુહુર્ત અને લોકાર્પણ અંગે જાહેર કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું જેમાં તેમણે વડાપ્રદાન મોદીના સાર્વજનિક જીવનના 20 વર્ષ પૂર્ણ થવા અંગે વાત કરી હતી અને વડાપ્રધાનની પ્રસંશા કરી હતી.
ગૃહપ્રધાન શાહે કહ્યું કે ગઈકાલે 7 ઓકટોબરના રોજ વડાપ્રધાન મોદીના સાર્વજનિક જીવનના 20 વર્ષ પૂર્ણ થયા. તેમણે કહ્યું આખી દુનિયામાં કોઈ એવો નેતા નથી જેણે 20 વર્ષ સુધી એકધારી ચૂંટણીઓ જીતી હોય અને 20 વર્ષ સુધી એકધારા લોકોની સેવા કરી હોય. તેમણે કહ્યું જ્યાં લોકતંત્ર નથી ત્યાં નેતા બદલવાનો છૂટકો જ નથી, પણ જ્યાં નેતા બદલવાની વ્યવસ્થા છે, ત્યાં એક પણ એવો દેશ નથી જ્યાં 20 વર્ષ સુધી કોઈ નેતાએ આવી લાંબી સેવા કરી હોય.
તેમણે કહ્યું નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે સત્તામાં બેઠા હતા અને 7 ઓકટોબર 2021 ના આજે વડાપ્રધાન છે અને 2024માં પણ વડાપ્રધાન તરીકે ફરી ચૂંટણી જીતીને આવશે. આનું કારણ જણાવતા ગૃહપ્રધાન શાહે કહ્યું મનમાં સતત લોકસેવા નો ભેખ લઈને નીકળેલા વડાપ્રધાન મોદીને 20 વર્ષમાં કોઈ દિવસ રજા લીધી નથી. તેમણે કહ્યું જે કામ રહી ગયું હોય એની ચિંતા જ એમના મનમાં હોય છે.