ખેડૂતોને પડ્યા પર પાટુ ! માવઠાનો માર અને હવે શાકભાજીના ભાવ પણ તળિયે પહોંચતા જગતના તાતની વધી ચિંતા
શાકભાજીના ભાવની વાત કરીએ તો એક મહિના પહેલા જે ટામેટા પ્રતિકિલો 15 રૂપિયે વેચાતા હતા તેના ભાવ ઘટીને પાંચ રૂપિયા થઇ ગયા છે. તો કોબી 10થી ઘટી 2 રૂપિયે કિલો વેચાઇ રહી છે.
શાકભાજીના ભાવ સિઝનમાં સૌથી તળિયે જતાં ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેડૂતોને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલ બન્યો છે, અત્યારે રાજકોટ માર્કેટમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચી રહ્યાં છે. માત્ર એક મહિનામાં જ શાકભાજીના ભાવ અડધા થઇ ગયા છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો એક મહિના પહેલા જે ટામેટા પ્રતિકિલો 15 રૂપિયે વેચાતા હતા તેના ભાવ ઘટીને પાંચ રૂપિયા થઇ ગયા છે. તો કોબી 10 થી ઘટી 2 રૂપિયે કિલો વેચાઇ રહી છે. જ્યારે દૂધી 3, રીંગણ 3, ભીંડા 10, ફ્લાવર 2, વાલ 15, ચોળી 15, મરચાં 10, વટાણા 10 અને કાકડી 5 રૂપિયે કિલોએ વેચાઇ રહી છે. જેને લઇ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે શાકભાજીના ભાવ ઘટવાને કારણે તેમને ભાડાના પૈસા પણ નથી નીકળતા.
માવઠાના કારણે ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા
દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. બદલાયેલા વાતાવરણને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદના સમુદ્રકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. તેમજ જાફરાબાદ પીપાવાવના દરિયાકરાંઠે 24 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગીર સોમનાથ અને વેરાવળના દરિયાકાંઠે પણ 1 નંબરનું સિગ્નનલ લગાડવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.