Banaskantha : ઠંડી ન પડતા ચિંતામાં મુકાયા ખેડૂતો, ઘઉંના પાકને નુકસાનની ભીતિ
આ વખતે ઠંડીનું (Cold) પ્રમાણ ઓછું છે. જોઇએ તેટલી ઠંડી હજુ શરૂ થઇ નથી. જેથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. બનાસકાંઠા જિલ્લામાં 69 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. એક તરફ શિયાળો શરુ થઇ ગયો હોવાથી ખેડૂતો ઘઉંના પાકનું વાવેતર કરી દીધુ હતુ. જો કે બીજી તરફ બેવડી ઋતુનો અનુભવ અને આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની શક્યતા નહીં હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઠંડી નહીં પડવાને કારણે ખેડૂતોને ઘઉંના પાકમાં નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે.
આ વખતે ઠંડીનું પ્રમાણ ઓછું છે. જોઇએ તેટલી ઠંડી હજુ શરૂ થઇ નથી. જેથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. બનાસકાંઠા જિલ્લામાં 69 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. પરંતુ ઘઉંના પાક માટે જેટલી ઠંડી જોઇએ તેટલી ઠંડી હજુ પડી નથી. જેથી પાક બગડે નહીં તેવી ચિંતા ખેડૂતોને થઇ રહી છે. મહત્વનું છે કે, આ વર્ષે વરસાદ સારો થયો. તેથી ખેડૂતોને આશા હતી કે, આ વખતે ઘઉંના પાકને કોઇ અડચણ નહીં ઉભી થાય. પરંતુ હવે ઠંડી ઓછી થતા ખેડૂતોની આશા પર પાણી ન ફરી જાય તેવી ચિંતા વર્તાઇ રહી છે.
ઠંડી ઓછી, ખેડૂતોની ચિંતા વધી !
કારતક માસમાં ઘઉંનું વાવેતર થતું હોય છે અને માગશર માસ સુધી ઘઉંના છોડનો વિકાસ થતો હોય છે. માગશર માસમાં પૂરતા પ્રમાણમાં ઠંડી પડે છે, એટલે ઘઉંના પાકને ઠંડી અને પાણી મળી રહે એટલે એનો વિકાસ થાય છે, પરંતુ આ વર્ષે હજુ પણ ઠંડીનું પ્રમાણ નહીવત હોવાથી ઘઉંના પાકને નુકસાન થવાની દહેશત છે અને જો ઘઉંનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને પણ નુકસાન થાય.
ઠંડી નહીં વધવાની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની કોઈ આગાહી નથી. હવામાન વિભાગ પ્રમાણે, આગામી પાંચ દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. તેમ છતાં બેવડી ઋતુનો અહેસાસ થશે. કારણ કે હાલમાં સામાન્ય કરતા 5 ડિગ્રી જેટલું વધુ તાપમાન છે. હવામાન વિભાગ પ્રમાણે, ચાલુ મહિનામાં આકરી ઠંડી નહીં પડે. કારણ કે ઠંડા પવનો ફૂંકાવાની કોઈ આગાહી નથી. ચાલુ મહિને સામાન્ય કે તેથી વધારે તાપમાન રહી શકે છે. જોકે જાન્યુઆરીની શરૂઆતથી આકરી ઠંડીની શરૂઆત થશે.