Gandhinagar : હવે કાયદેસર થશે મકાનો ! વિધાનસભાના પ્રથમ સત્રમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવા વિધેયક રજૂ કરાશે
વિધાનસભા ગૃહમાં આ વિધેયક કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ રજૂ કરશે. 30 સપ્ટેમ્બર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામોને આ વિધેયક લાગુ પડશે.
આજે વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યુ છે. જેમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલ રજૂ કરશે. 30 સપ્ટેમ્બર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામોને આ વિધેયક લાગુ પડશે. આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત થઈ શકશે.
લાખો મકાન હજુ પણ કાયદેસર થવાના બાકી
અધિનિયમ કલમ 5 હેઠળ અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટે માલિક અથવા કબજો ધરાવનાર વ્યક્તિ અરજી કરી શકશે. બીજી તરફ અરજી માન્ય રાખવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર, વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા કોઈ સત્તાધિકારી અરજી માન્ય રાખી શકશે. કબજો ધરાવનાર એટલે જે જમીન-મકાનના સંબંધમાં ભાડું ચૂકવતા હોય કે પછી ચૂકવવાપાત્ર હોય તેના માલિક અરજી કરી શકશે. પોતાની જમીન અથવા મકાનમાં રહેતા હોય અથવા ઉપયોગ કરતા હોય અથવા કોઈપણ જમીન અથવા મકાનનો કબજો ધરાવતો પરવાનેદારનો સમાવેશ થાય છે.