ભારતમાં ફાંસીની સજા માત્ર સૂર્યોદય પહેલા જ શા માટે કરવામાં આવે છે. આ પ્રશ્ન ક્યારેક તમારા મનમાં પણ આવ્યો હશે. અંગ્રેજોના જમાનામાં પણ સવારના સૂર્યના પ્રથમ કિરણો પહેલા જેલમાં ફાંસીની સજા આપવામાં આવતી હતી. અત્યારે પણ આ જ રીતે ફાંસી આપવામાં આવી રહી છે.
માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં જ્યાં પણ ફાંસીનો રિવાજ છે, ત્યાં વહેલી સવારે ફાંસી આપવામાં આવે છે. જો કે, ભારતના જેલ મેન્યુઅલમાં ફાંસી આપવાના સમય અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા છે. જેલ મેન્યુઅલ કહે છે કે ફાંસી વહેલી સવારે, હંમેશા સૂર્યના પ્રથમ કિરણો પહેલા જ આપવી જોઈએ.
જો કે દરેક ઋતુ પ્રમાણે સવારે ફાંસીનો સમય બદલાય છે, પરંતુ આ સમય નક્કી કરવાનું કામ પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો કરે છે. વહેલી સવારે ફાંસી આપવાના ત્રણ કારણો છે, જે વહીવટી, પ્રેક્ટિકલ અને સામાજિક કારણો સાથે સંબંધિત છે.
સામાન્ય રીતે ફાંસી એક ખાસ ઘટના છે. જો દિવસે ફાંસી આપવામાં આવે તો જેલનું આખું ધ્યાન તેના પર રહેશે. જેના કારણે જેલની અન્ય રોજિંદી પ્રવૃત્તિઓને અસર થશે. ફાંસી આપ્યા બાદ મેડિકલ તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ અનેક પ્રકારના પેપરવર્ક કરવામાં આવે છે. આ બધામાં પણ સમય લાગે છે. બધી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહે તે માટે વહેલી સવારે ફાંસી આપવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને ફાંસી આપવામાં આવે છે તેનું મન વહેલી સવારે વધુ શાંત રહે છે. ઊંઘમાંથી જાગ્યા પછી જો તેને ફાંસી આપવામાં આવે તો તે વધારે શારીરિક તાણ અને દબાણનો શિકાર બનતો નથી. જો ફાંસી દિવસ દરમિયાન આપવામાં આવે છે, તો આરોપીની તણાવ અને માનસિક સ્થિતિ બગડી શકે છે.
જે વ્યક્તિને ફાંસી આપવામાં આવી રહી છે તેને સવારે 3 વાગે ઉઠવું પડે છે, જેથી તે ફાંસી આપતા પહેલા તેની રોજીંદી ક્રિયાઓ કરી શકે, જેમાં પ્રાર્થના કરવી અને થોડો સમય એકલા પોતાના વિશે વિચારવું પણ સામેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે ફાંસી આપ્યા બાદ મૃતદેહને પરિવારના સભ્યોને સોંપવો પડે છે, તેથી તે દિવસ દરમિયાન અંતિમ સંસ્કાર કરી શકે.
ફાંસી વહેલી સવારે એટલા માટે પણ આપવામાં આવે છે, કારણ કે ફાંસીના દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે, જેના કારણે કોઈ હોબાળો થવાની શક્યતાઓ રહે છે. તેથી લોકો જાગે ત્યાં સુધીમાં ફાંસી થઈ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.