
ઓપરેશન સિંદૂરના નામે ભારતે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા બાદ, પાકિસ્તાને ભારત પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બન્ને દેશોએ એકબીજા ઉપર ડ્રોન અને મિસાઈલનો મારો ચલાવ્યો હતો. આખરે બન્ને દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયું છે. ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેની વાતચીત પછી આ યુદ્ધ વિરામ શક્ય બન્યું છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે DGMO કોણ છે અને તેમનું કાર્ય શું હોય છે.
DGMO એટલે કે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ. એ સેનામાં એક મહત્વપૂર્ણ અને જવાબદાર પદ હોય છે. હાલમાં, ભારતના DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ છે. તમામ લશ્કરી કામગીરીની જવાબદારી DGMO ની હોય છે. કોઈપણ લશ્કરી કામગીરીની જવાબદારી, તેનું માર્ગદર્શન કરવું, સૂચનાઓ આપવી અને અન્ય તમામ કામકાજ કરાવવાનું અને જરૂર મુજબ કામ લેવાનું DGMO ની જવાબદારીમાં હોય છે.
યુદ્ધ કે સંઘર્ષ દરમિયાન, લશ્કરી કામગીરી સંબંધિત દરેક નિર્ણય DGMO દ્વારા લેવામાં આવે છે. DGMO નું કામ યુદ્ધ કે આતંકવાદ વિરોધી કામગીરી અને શાંતિ સ્થાપના માટે ચાલુ મિશન માટે રણનીતિ ઘડવાનુ, રણનીતિ તૈયાર કરવાનું અને એ રણનીતિને આધારે તમામ ઓપરેશનને પાર પાડવાનું હોય છે. આ ઉપરાંત ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ, સેનાની ત્રણેય પાંખ અને સૈન્ય તેમજ અર્ધ લશ્કરી દળ સહિતની વિવિધ એજન્સીઓ વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવે છે.
યુદ્ધ કે લશ્કરી કામગીરી સંબંધિત દરેક માહિતી, DGMO ને મોકલવામાં આવે છે. DGMO તે મુજબ રણનીતિ ઘડે છે અને ઘડેલી રણનીતિ મુજબ કામગીરી કરે છે. આ જ કારણે, તેમણે ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન કરવું પડે છે અને એજન્સીઓને સૈન્ય માટે આનુસાંગિક કામગીરી બજાવી શકાય તે માટે તેમને જરૂરી બધી માહિતી મોકલવી ફરજિયાત હોય છે.
ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ, સરહદ સંબંધિત મુદ્દાઓ, લશ્કરી કામગીરી અને અન્ય સમસ્યાઓનું સંચાલન કરે છે. તેથી, તેઓ યુદ્ધની શરૂઆતથી યુદ્ધવિરામ અને સંઘર્ષને વિસ્તૃત કરવા અને ઘટાડવા સુધીના યુદ્ધ સંબંધિત તમામ નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમયે, એ બાબત પણ પ્રકાશમાં આવી રહ્યું છે કે યુદ્ધવિરામના મુદ્દા પર બંને દેશોના DGMO વચ્ચે પ્રથમ સંપર્ક સ્થાપિત થયો છે. બન્ને વચ્ચે થયેલ વાતચીત મુજબ સરહદ ઉપર ખડકાયેલ સૈન્ય ધીમી ધીમી અથવા તો નક્કી કરેલ સંખ્યામાં, નક્કી કરેલા દિવસોમાં પાછુ બેરેકમાં ફરે છે.