
આજના યુગમાં સ્માર્ટફોન વગર એક મિનિટ પણ પસાર કરવી મુશ્કેલ છે. વિચારો કે તમારે કોઈને ઇમરજન્સીમાં પેમેન્ટ કરવાનું હોય કે મહત્વનો મેસેજ મોકલવાનો હોય અને બરાબર એ જ સમયે તમારો ફોન હેંગ થઈ જાય! મોટાભાગના લોકો માને છે કે ફોન જૂનો થઈ ગયો હોવાથી સ્લો ચાલે છે, પરંતુ હકીકતમાં સમસ્યા ફોનના સોફ્ટવેર પર વધી ગયેલા ‘બોજ’માં હોય છે. જો તમે તમારા ફોનમાં આ 4 સેટિંગ્સ સુધારી લો, તો મોંઘા ખર્ચ વગર તમારો મોબાઈલ નવા જેવો થઈ શકે છે.
જેમ ઘરમાં બિનજરૂરી સામાન જમા થાય તો જગ્યા ઓછી પડે, તેમ મોબાઈલમાં એપ્સ વાપરતી વખતે ‘કેશ ડેટા’ જમા થાય છે. આ એવી ફાલતુ ફાઈલો છે જે મેમરી રોકે છે. સેટિંગ્સમાં ‘Apps’ પર જઈ વધુ વપરાતી એપ્સનો ‘Clear Cache’ કરો. ધ્યાન રાખજો કે ‘Clear Data’ ન કરો, નહીં તો તમારે ફરીથી લોગિન કરવું પડશે.
ઘણીવાર આપણને લાગે છે કે એપ બંધ કરી દીધી છે, પણ તે પાછળથી પ્રોસેસર અને રેમ (RAM) વાપરતી હોય છે. આનાથી બેટરી પણ જલ્દી ઉતરે છે અને ફોન ગરમ થાય છે. બેટરી સેટિંગ્સમાં જઈ બિનજરૂરી એપ્સને ‘Force Stop’ કરો. આનાથી પ્રોસેસર પરનો ભાર ઘટશે અને ફોન સ્મૂધ ચાલશે.
જો તમારા ફોનની મેમરી 80 ટકાથી વધુ ભરાઈ જાય, તો સિસ્ટમને શ્વાસ લેવાની જગ્યા નથી મળતી. વોટ્સએપ પર આવતા ગુડ મોર્નિંગના વીડિયો અને ડુપ્લિકેટ ફોટા ફોનના સૌથી મોટા દુશ્મન છે. અઠવાડિયે એકવાર ફાલતુ વીડિયો અને ફોટા ડિલીટ કરો. જે એપ તમે મહિનાથી વાપરી નથી, તેને તરત જ અનઇન્સ્ટોલ કરી દો.
પ્લે-સ્ટોરમાં ઘણીવાર ઓટો-અપડેટ ચાલુ હોય છે, જે વાઈ-ફાઈ મળતા જ પોતાની જાતે એપ્સ અપડેટ કરવા લાગે છે. આના કારણે ચાલુ ફોન અચાનક સ્લો થઈ જાય છે. Google Play Store ના સેટિંગ્સમાં જઈ ઓટો-અપડેટ બંધ કરો. જ્યારે જરૂર હોય ત્યારે જ મેન્યુઅલી અપડેટ કરો જેથી પ્રોસેસર ફ્રી રહે.
આ સાદા ફેરફારો તમારા ફોનને હેંગ થતા બચાવશે અને યુઝર એક્સપિરિયન્સને બમણો કરી દેશે. હવે નવો ફોન લેતા પહેલા આ સેટિંગ્સ ચોક્કસ તપાસી લેજો!