IRCTC: Rail Neerની એક બોટલ પાછળ કેટલો ખર્ચ? પ્લાન્ટથી કમાણી સુધીનું આખું ગણિત જાણો

ટ્રેનમાં મળતી ₹14ની Rail Neer બોટલ ક્યાં બને છે? દેશમાં કુલ 19 Rail Neer પ્લાન્ટ ક્યાં આવેલા છે, એક પ્લાન્ટ પાછળ કેટલો ખર્ચ થાય છે અને IRCTCની કમાણીનું મોડલ શું છે? જાણો સંપૂર્ણ માહિતી.

IRCTC: Rail Neerની એક બોટલ પાછળ કેટલો ખર્ચ? પ્લાન્ટથી કમાણી સુધીનું આખું ગણિત જાણો
Image Credit source: Thumbnail Design : Rajsingh Sisodiya
| Updated on: Aug 08, 2026 | 11:33 AM

ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમે દેશના કોઈપણ ખૂણે જાઓ, રેલવે સ્ટેશન કે ટ્રેનમાં તમને રેલ નીરની બોટલ સરળતાથી મળી જાય છે. IRCTC દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતું આ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર મુસાફરોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં એક લીટર રેલ નીરની બોટલની કિંમત ₹14 છે.

પરંતુ શું તમને ખબર છે કે દેશના કયા-કયા શહેરોમાં રેલ નીરના પ્લાન્ટ આવેલા છે? એક પ્લાન્ટમાં કેટલું પાણી અને બોટલો તૈયાર થાય છે? તેને સ્થાપવા પાછળ કેટલો ખર્ચ થાય છે અને આ વ્યવસાયમાં કમાણીનું મોડલ શું છે? ચાલો જાણીએ…

દેશમાં રેલ નીરના કુલ 19 પ્લાન્ટ

સરકારને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે હાલમાં દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 19 રેલ નીર પ્લાન્ટ કાર્યરત છે.

મુસાફરોની સંખ્યા અને પાણીની માંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સ્થળોએ પ્લાન્ટ સ્થાપવાની જવાબદારી IRCTCને આપવામાં આવી છે. આ પ્લાન્ટમાંથી રેલવેની ટ્રેનો અને મોટા સ્ટેશનો સુધી રેલ નીરની બોટલો પહોંચાડવામાં આવે છે.

ક્યાં-ક્યાં આવેલા છે રેલ નીરના પ્લાન્ટ?

એક પ્લાન્ટમાં દરરોજ કેટલી બોટલો બને છે?

એક રેલ નીર પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા આશરે 1 લાખ બોટલ સુધીની હોય છે. આ પ્લાન્ટ્સમાં આધુનિક ટેક્નોલોજીની મદદથી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેની બોટલિંગ પ્રક્રિયા થાય છે.

રેલ નીરના અનેક પ્લાન્ટ Public-Private Partnership (PPP) મોડલ હેઠળ ચલાવવામાં આવે છે. તેમાં ખાનગી કંપની અથવા કોન્ટ્રાક્ટર ઉત્પાદન અને બોટલિંગની કામગીરી સંભાળે છે, જ્યારે IRCTC સાથે નક્કી થયેલા કરાર મુજબ દરેક બોટલ માટે ચુકવણી કરવામાં આવે છે.

રેલ નીર પ્લાન્ટ ઊભો કરવામાં કેટલો ખર્ચ થાય?

રેલવેના જણાવ્યા અનુસાર દરરોજ આશરે 1 લાખ બોટલ બનાવવાની ક્ષમતા ધરાવતો એક પ્લાન્ટ સ્થાપવામાં આશરે ₹10 કરોડ સુધીનો ખર્ચ થઈ શકે છે. આ રકમમાં પ્લાન્ટ માટેનું શેડ, આધુનિક મશીનરી અને જરૂરી સાધનો જેવા ખર્ચનો સમાવેશ થાય છે. જોકે, જમીનની કિંમત આ અંદાજમાં સામેલ નથી.

₹14ની બોટલમાંથી IRCTC કેટલી કમાણી કરે છે?

રેલ નીર બ્રાન્ડનું માલિકી હક અને તેનું વિતરણ IRCTC પાસે છે. કંપનીના કમાણીના મોડલમાં રોયલ્ટી અને ઓપરેટિંગ /EBIT માર્જિનનો મહત્વનો ભાગ છે. IRCTCના નાણાકીય પરિણામોના આધારે રેલ નીર સેગમેન્ટનું ઓપરેટિંગ/EBIT પ્રોફિટ માર્જિન આશરે 8થી 9 ટકાની આસપાસ રહે છે. જો એક લીટર રેલ નીરની બોટલ ₹14માં વેચાય, તો આ માર્જિનના આધારે IRCTCના નફાનો અંદાજ આશરે ₹1.10થી ₹1.30 પ્રતિ બોટલ જેટલો થઈ શકે છે. જોકે, વાસ્તવિક નફો વિવિધ ખર્ચ અને સમયગાળા પ્રમાણે બદલાઈ શકે છે.

પાણી અને બોટલ બનાવવાનો ખર્ચ કેટલો?

મોટા ઓટોમેટિક પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ, જેમ કે (RO/UV )પ્રક્રિયા, તેમજ PET બોટલનું ઉત્પાદન કરવામાં આશરે ₹3થી ₹4.50 પ્રતિ બોટલ ખર્ચ થઈ શકે છે. તેમાં લેબલ, કેપ, કાર્ટન પેકિંગ અને અન્ય ચાર્જ ઉમેર્યા બાદ પ્લાન્ટ ગેટ સુધીનો અંદાજિત ખર્ચ ₹5થી ₹6.50 પ્રતિ બોટલ સુધી પહોંચી શકે છે. આ આંકડા માત્ર અંદાજિત છે. ત્યારબાદ પ્લાન્ટથી રેલવે સ્ટેશન સુધીનું ટ્રાન્સપોર્ટેશન, લોડિંગ-અનલોડિંગ અને અધિકૃત વેન્ડરનું કમિશન જેવા ખર્ચ ઉમેરાય છે. આ સમગ્ર સપ્લાય ચેઇન બાદ બોટલ મુસાફરો સુધી ₹14માં પહોંચે છે.

શું તમે પણ રેલ નીરનો પ્લાન્ટ શરૂ કરી શકો?

જો તમને પણ આ પ્રકારનો બિઝનેસ શરૂ કરવામાં રસ હોય તો એક મહત્વની વાત સમજવી જરૂરી છે રેલ નીર બ્રાન્ડ હેઠળ સીધો પ્લાન્ટ શરૂ કરવો સામાન્ય બોટલ્ડ વોટર બિઝનેસ જેવો નથી. તેના માટે IRCTCની અધિકૃત પ્રક્રિયા અને મંજૂરી જરૂરી છે. ઉપલબ્ધ માહિતી મુજબ આવા પ્લાન્ટ માટે આશરે 2,000થી 4,000 ચોરસ મીટર જમીન, યોગ્ય પાણીનો સ્ત્રોત અને આશરે ₹4થી ₹8 કરોડ સુધીના રોકાણની જરૂર પડી શકે છે.

જોકે, વાસ્તવિક રોકાણ પ્લાન્ટની ક્ષમતા, ટેક્નોલોજી, જમીન અને અન્ય પરિબળો પ્રમાણે અલગ હોઈ શકે છે.સાથે જ (BIS) સર્ટિફિકેશન, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી અને (FSSAI) લાઇસન્સ સહિત જરૂરી નિયમનકારી મંજૂરીઓ મેળવવી પડે છે. જો તમે રેલ નીર સાથે જોડાયેલ પ્લાન્ટ અથવા બોટલિંગ યુનિટ શરૂ કરવા માંગતા હોવ તો અરજી, ટેન્ડર અને અધિકૃત શરતો અંગેની સૌથી તાજી માહિતી માત્ર IRCTCની અધિકૃત વેબસાઇટ અને સંબંધિત ટેન્ડર નોટિસમાંથી જ તપાસવી જરૂરી છે.

 નોંધ:પ્લાન્ટનો ખર્ચ, પ્રતિ બોટલ ઉત્પાદન ખર્ચ અને નફાના આંકડા અંદાજિત છે. વાસ્તવિક આંકડા પ્લાન્ટની ક્ષમતા, કોન્ટ્રાક્ટ, કાચા માલ, પરિવહન અને અન્ય ખર્ચ પ્રમાણે બદલાઈ શકે છે.

 

 

 

 

 

સીટ અડધી, પણ સુવિધા પૂરી ! RAC યાત્રીઓ માટે બદલાયો નિયમ, હવે 2 યાત્રીઓને 1 જ ધાબળો નહીં મળે

Follow Us
Loading...
Unable to load recommendations.