10 રૂપિયાની Carry Bag વેચવી 8,000 માં પડી, ગ્રાહક આયોગે ફટકાર્યો મસમોટો દંડ !

ગ્રાહક આયોગે જાણીતી શૂઝ બ્રાન્ડના શોરૂમ પર ગ્રાહક પાસેથી ગેરકાયદેસર રીતે કેરી બેગના 10 રૂપિયા વસૂલવા બદલ 8,000 રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે.

10 રૂપિયાની Carry Bag વેચવી 8,000 માં પડી, ગ્રાહક આયોગે ફટકાર્યો મસમોટો દંડ !
| Updated on: Jun 22, 2026 | 9:25 PM

ઘણીવાર મોટી મોટી કંપનીઓ ગ્રાહકો પાસેથી કોઈને કોઈ બહાને મનસ્વી રીતે વધારાના પૈસા વસૂલતી હોય છે. મોટાભાગના ગ્રાહકો કાનૂની માથાકૂટથી બચવા માટે ચૂપચાપ આ પૈસા ચૂકવી દેતા હોય છે. પરંતુ જો કોઈ જાગૃત ગ્રાહક યોગ્ય પુરાવા સાથે આ બાબતે અવાજ ઉઠાવે, તો કંપનીઓને લેવાના દેવા પડી શકે છે. આવો જ એક કિસ્સો જાણીતી ફૂટવેર બ્રાન્ડ ‘રેડ ટેપ’ (Red Tape) સાથે બન્યો છે. હરિયાણાના રોહતકમાં આવેલી ગ્રાહક સુરક્ષા અદાલતે (કન્ઝ્યુમર ફોરમ) કંપનીની મનમાની પર લાલ આંખ કરીને 10 રૂપિયાના બદલામાં 8,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આયોગે આ પ્રકારની વસૂલાતને ગેરકાયદેસર વેપાર ગણાવ્યો છે.

શું હતો આખો મામલો?

આ મામલો 1 અપ્રિલ, 2023નો છે. એક ગ્રાહકે રોહતકના રેડ ટેપ આઉટલેટમાંથી 2,069.70 રૂપિયાની કિંમતના બ્લેક શૂઝ ખરીદ્યા હતા. બિલ બનાવતી વખતે સ્ટોરના કર્મચારીઓએ જૂતાં રાખવા માટેની કેરી બેગના અલગથી 10 રૂપિયા વસૂલ્યા હતા. ગ્રાહકે ત્યારે જ તેનો વિરોધ કર્યો અને મફતમાં બેગ આપવા વિનંતી કરી. પરંતુ કર્મચારીઓએ એવું કહીને ના પાડી દીધી કે બેગના પૈસા લેવા એ કંપનીની પોલિસી છે. ગ્રાહકે દલીલ કરી કે આ કાયદાની વિરુદ્ધ છે અને તેમણે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નોંધાવી દીધી.

કંપનીએ બચાવમાં શું દલીલ કરી?

રેડ ટેપ કંપનીએ કોર્ટમાં પોતાનો બચાવ કરતા કહ્યું કે, તેઓ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વધારવા અને પ્લાસ્ટિક/કેરી બેગના દુરુપયોગને રોકવા માટે પૈસા લે છે. સ્ટોરના એન્ટ્રી ગેટ પર બોર્ડ પણ લગાવેલું છે કે ગ્રાહકોએ પોતાની બેગ સાથે લાવવી. કંપનીએ એમ પણ કહ્યું કે બેગ ખરીદવી ફરજિયાત નહોતી અને તેના પર કોઈ બ્રાન્ડનો લોગો કે પ્રમોશનલ મટીરિયલ નહોતું.

કોર્ટમાં કંપનીનો દાવ ઊંધો પડ્યો

આયોગના અધ્યક્ષ નાગેન્દ્ર સિંહ કાદિયાન અને સભ્યો તૃપ્તિ પન્નૂ તથા વિજેન્દ્ર સિંહની બેન્ચે જ્યારે પુરાવા અને બિલની તપાસ કરી, તો બિલમાં 10 રૂપિયા અલગથી વસૂલાયા હોવાનું સ્પષ્ટ દેખાયું. આશ્ચર્યની વાત એ છે કે, કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા પોતાના જ સોગંદનામામાં (Affidavit) અજાણતા સ્વીકારી લીધું હતું કે કંપનીએ બિનજરૂરી રીતે ગ્રાહક પાસેથી 10 રૂપિયા લીધા છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. પોતાના જ આ નિવેદનથી કંપનીનો બચાવ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયો.

આયોગે સંભળાવ્યો કડક ચુકાદો

ગ્રાહક આયોગે માન્યું કે કેરી બેગ માટે અલગથી ચાર્જ લેવો એ સેવામાં ખામી અને ગ્રાહકો સાથે અન્યાય છે. આથી કોર્ટે કંપનીને નીચે મુજબનો આદેશ આપ્યો છે: ગ્રાહક પાસેથી લીધેલા 10 રૂપિયા તાત્કાલિક પાછા આપવા. માનસિક સતામણીના વળતર પેટે 4,000 રૂપિયા ચૂકવવા. કાનૂની લડતના ખર્ચ પેટે 4,000 રૂપિયા આપવા. આમ, કંપનીએ ગ્રાહકને કુલ 8,010 રૂપિયા ચૂકવવા પડશે.

કંપનીને આ આદેશનું પાલન કરવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કંપની 30 દિવસમાં આ રકમ નહીં ચૂકવે, તો રકમ ચૂકવાઈ ન જાય ત્યાં સુધી દર અઠવાડિયે 50 રૂપિયાનો વધારાનો દંડ પણ કંપનીએ ભોગવવો પડશે.

Breaking News: આખરે અમેરિકા નમ્યું ! ઈરાનને ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો વેચવાની આપી સત્તાવાર મંજૂરી

Follow Us
Loading...
Unable to load recommendations.