
ગ્રામ્ય વિસ્તારો અને નાના નગર કે શહેરોમાં લોકોને ઘણીવાર આર્થિક કટોકટી, સામાજીક પ્રસંગો, વ્યવસાયિક અથવા ખેતી વિષયક બાબતોને લઈને અચાનક નાણાકીય જરૂરિયાતો ઊભી થાય છે. જો કે, સિબિલ (CIBIL) સ્કોર, ક્રેડિટ હિસ્ટ્રી કે ક્રેડિટ કાર્ડના અભાવે ઘણા લોકો બેંક લોન લેતા અચકાય છે અને વ્યાજખોરો તથા ઊંચા વ્યાજવાળા દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે. સદભાગ્યે, નાના ગામડાં, નગર કે શહેરમાં રહેતા લોકો માટે પણ સસ્તી લોનના વિકલ્પો ઉપલબ્ધ છે. ક્રેડિટ હિસ્ટ્રી વિના પણ, તમે ઓછા વ્યાજ દરે લોન મેળવવા માટે બેંકિંગ સિસ્ટમનો લાભ લઈ શકો છો. ગામડાં અને નાના શહેરોમાં સસ્તી લોન મેળવવાના ઘણા સરળ રસ્તાઓ છે.
જો તમે ખેતી કે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવ, તો કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) એ સૌથી સસ્તો અને અનુકૂળ વિકલ્પ છે. KCC પર સામાન્ય વ્યાજ દર 7 % હોય છે, પરંતુ સમયસર ચુકવણી કરવા પર સરકાર 3% સબસિડી આપે છે. જેનાથી અસરકારક વ્યાજ દર ઘટીને માત્ર 4 % થઈ જાય છે. પાક ઉત્પાદન ઉપરાંત ડેરી ફાર્મિંગ, નાના દૂધાળા પશુ ઉછેર અને મત્સ્યપાલન જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ માટે પણ KCC યોજના હેઠળ રાહત દરે લોન ઉપલબ્ધ છે.
ગ્રામીણ વિસ્તારોમાં, સોનું એ માત્ર સંપત્તિ નથી પરંતુ મુશ્કેલીના સમયમાં એક મહત્વપૂર્ણ નાણાકીય સ્ત્રોત છે. ગોલ્ડ લોન એ સુરક્ષિત લોન હોવાથી, તેને મંજૂર કરવા માટે બેંકોને સિબિલ (CIBIL) સ્કોરની જરૂર પડતી નથી. અસુરક્ષિત પર્સનલ લોનની સરખામણીમાં ગોલ્ડ લોન પર વ્યાજ દર નોંધપાત્ર રીતે ઓછા હોય છે. તમે બેંક અથવા NBFC પાસે તમારા સોનાના ઘરેણાં ગીરો મૂકીને થોડા કલાકોમાં લોન મેળવી શકો છો.
જો તમારી પાસે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અથવા રિકરિંગ ડિપોઝિટ (RD) હોય, તો તેને સમય પહેલાં બંધ કરવાની જરૂર નથી. તમે જમા કરાવેલી રકમના 80% થી 90% સુધીની લોન મેળવી શકો છો. આ લોન પરનો વ્યાજ દર તમારી થાપણ પર મળતા વ્યાજ કરતાં માત્ર 1% થી 2% જેટલો જ વધારે હોય છે, જેના કારણે તે સામાન્ય લોન કરતાં ઘણી સસ્તી પડે છે.
જો તમારી પાસે ક્રેડિટ સ્કોર ન હોય, તો તમે નિયમિત આવક ધરાવતા પરિવારના સભ્ય, જેમ કે તમારા પિતા, ભાઈ અથવા જીવનસાથીને સહ-અરજદાર (co-applicant) તરીકે સામેલ કરી શકો છો. અથવા તો, તમે સારા ક્રેડિટ સ્કોર ધરાવનાર વ્યક્તિને જામીનદાર બનાવીને પણ અરજી કરી શકો છો. આનાથી બેંકનું જોખમ ઘટે છે અને લોન મંજૂર થવામાં સરળતા રહે છે.