
ટ્રેનમાં આગ લાગવાની ઘટના વળતરના નિયમો : ગઈકાલ 17મી મે અને રવિવારના રોજ મધ્યપ્રદેશના રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં અચાનક આગ લાગી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. સદનસીબે, કોઈ મોટી દુર્ઘટના બની નહોતી. તો આજે 18મી મેને સોમવારના રોજ, બિહારના સાસારામ સ્ટેશને પેસેન્જર ટ્રેનનો ડબ્બો પણ ભડભડ સળગી ઉઠયો હતો. જો કે બન્ને ઘટનામા રેલવે કર્મચારીઓની સમયસુચકતાને પગલે, કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ જ્યારે પણ આવી કોઈ ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે, મનમાં એવો સવાલ જરૂર થાય કે, ટ્રેન અકસ્માતમાં ભોગ બનનારના પરિવારજનોને કેટલું આર્થિક વળતર આપવામાં આવતું હશે. ભોગ બનનાર મુસાફરોને કેટલું વળતર મળવા પાત્ર છે ? આના માટેના નિયમો શું છે? ચાલો જાણીએ
ટ્રેનના મુસાફરોને મોટાભાગે, વીમા યોજના હેઠળ નાણાકીય વળતર આપવામાં આવે છે, જેના માટે મુસાફરે તેમની ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે, આશરે 35 પૈસાનુ વધારાનુ પ્રીમિયમ ચૂકવવુ પડે છે. જો મુસાફરે ટિકિટ બુક કરાવતા સમયે ઈન્સ્યોરન્સ પ્રીમિયમની રકમ ચૂકવી ના હોય, એટલે કે જો મુસાફરે વીમા કવરેજ પસંદ ના કર્યું હોય તો મુસાફર વળતર મેળવવા માટે પાત્ર નથી. સિવાય કે સરકાર જાહેરાત કરે અને તે મળવાપાત્ર રહે.
જો મુસાફર પાસે કન્ફર્મ ટ્રેન ટિકિટ હોય તો તે ઈન્સ્યોરન્સ અંતર્ગત વીમો મેળવવા પાત્ર છે. જો મુસાફર પાસે RAC (રદ કરવા સામે આરક્ષણ) ટિકિટ હોય તો તે પણ વળતર મેળવવા માટે પાત્ર ગણાય છે.
ટ્રેન વીમા યોજના હેઠળ, જો કોઈ ટ્રેનને અકસ્માત નડે છે અને કોઈ મુસાફર તેનો જીવ ગુમાવે છે, તો રૂપિયા 10 લાખ સુધીનું વળતર વીમા યોજના હેઠળ આપવામાં આવે છે.
જો કોઈ મુસાફરને, ટ્રેન અકસ્માતમાં કાયમી આંશિક અપંગતા આવે છે, તો તેમને રૂપિયા 7.5 લાખ સુધીનું વળતર મળી શકે છે. ઘાયલ મુસાફરોને તબીબી સારવાર માટે રૂપિયા 2 લાખ સુધી જેમા હોસ્પિટલના ખર્ચને પણ આવરી લેવા માટે મળે છે, ઉપરાંત પરિવહન ખર્ચને આવરી લેવા રૂપિયા 10,000 પણ મળે છે.
ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે વીમાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. એ પછી, તમને વીમા કંપની તરફથી એક ઇમેઇલ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ, તમારે વીમા કંપનીની વેબસાઇટની મુલાકાત લેવી અને નોમિનીનું કોણ છે તે ભરવું જરૂરી છે. જો, કોઈપણ કારણોસર, નોમિની નિયુક્ત કરવામાં ના આવે, તો આ પ્રકારના અકસ્માતની ઘટનામાં, મુસાફરના કાનૂની વારસદારને વળતર ચૂકવવામાં આવે છે. જો કે આ હેતુ માટે મુસાફરે દાવો દાખલ કરવો પડે છે.