
દેશમાં સમયાંતરે ભાષાને લઈને વિવાદો ઉભા થતા રહે છે. આશ્ચર્યની વાત એ છે કે આઝાદી પછી જ્યારે રાજ્યોના પુનર્ગઠનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે ભાષાના આધારે વિભાજનની માંગણીએ જોર પકડ્યું હતું. 1956માં રાજ્ય પુનર્ગઠન આયોગે સૌપ્રથમ ભાષાના આધારે 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરી, બાદમાં પણ સમયાંતરે ભાષાના આધારે રાજ્યો વિભાજિત કરવાની માંગ થતી રહી. જેના કારણે હવે આ રાજ્યો 14થી વધીને 28 થઈ ગયા છે. તો કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે આ લેખમાં ભારતના આ તમામ રાજ્યોની રચના કેવી રીતે અને ક્યારે થઈ તેના વિશે જાણીશું. આઝાદી પહેલા ભારત 565 રજવાડાઓમાં વહેંચાયેલું હતું. આ રજવાડાઓ સ્વતંત્ર શાસનમાં માનતા હતા, જે મજબૂત ભારતના નિર્માણમાં સૌથી મોટો અવરોધ પણ હતો. તે સમયે ભારતમાં ત્રણ પ્રકારના રાજ્યો હતા. જેમાં ટેરીટરી ઓફ બ્રિટિશ ઈન્ડિયા, પ્રિન્સલી સ્ટેટ્સ અને ફ્રાન્સ અને પોર્ટુગલના વસાહતી વિસ્તારોનો સમાવેશ થાય છે. ભારતની આઝાદી બાદ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાયના 562 રજવાડાઓ ભારતીય સંઘમાં જોડાવા માટે સંમત થયા....