લગ્ન એક પવિત્ર બંધન છે, જો કે ક્યારેક પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે જેના કારણે પત્ની ઘણીવાર ગુસ્સામાં પોતાના માતા-પિતાના ઘરે એટલે કે પિયર જતી રહે છે. ત્યારે એક સવાલ થાય છે કે શું પતિ તેની પત્નીને તેના પિયરથી પરત લેવા માટે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે ? ભારતીય કાયદામાં લગ્નને એક કરાર ગણવામાં આવે છે જેમાં બંને પક્ષોને અધિકારો અને જવાબદારીઓ હોય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, જો પતિ તેની પત્નીને પરત લાવવા માંગે છે તો તેના માટે શું કાયદો છે.
જો પત્ની કોઈ કારણ વગર ઘર છોડી દે તો પતિ હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 હેઠળ જિલ્લા કોર્ટમાં અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ પત્નીને ઘરે પરત ફરવાનો આદેશ આપી શકે છે. જો પત્નીને બળજબરીથી પિયરમાં રાખવામાં આવી હોય અને તે આવવા માંગતી હોય તો પતિ હાઈકોર્ટમાં રિટ અરજી કરી શકે છે. આ સિવાય જો પત્ની અને પતિ વચ્ચે કોઈ નાની-મોટી તકરાર થાય તો પતિ પોતાની પત્નીને પરત લાવવા માટે ફેમિલી કોર્ટ અથવા જિલ્લા કોર્ટમાં અરજી કરી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ પત્નીને બોલાવીને કારણ જાણી શકે છે.
જો ફેમિલી કોર્ટને લાગે છે કે પત્ની પાસે તેના પતિથી અલગ રહેવા માટે કોઈ નક્કર કારણ નથી, તો કલમ 9 હેઠળ તે મહિલાને તેના પતિ સાથે રહેવાનો આદેશ આપી શકે છે.
ભારતમાં લગ્ન એક બંધારણીય અને સામાજિક વ્યવસ્થા છે, જેમાં પતિ-પત્ની બંનેને ચોક્કસ અધિકારો અને ફરજો મળે છે. ભારતીય હિંદુ મેરેજ એક્ટ, સ્પેશિયલ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટ આ સિસ્ટમ હેઠળ આવે છે. આ કાયદાઓમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોની ગરિમા જાળવી રાખવા અને બંનેને સમાન અધિકાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે સમાન સન્માનનો અધિકાર અને પારિવારિક જીવન અંગે બંનેની ફરજો પણ નિશ્ચિત છે.