Ganesh Chaturthi 2026 : ગણેશજીને કેમ નથી ચઢાવાતી તુલસી? એક શ્રાપ સાથે જોડાયેલી છે માન્યતા

ગણપતિ બાપ્પાની પૂજામાં મોદક, દુર્વા અને લાલ ફૂલનું વિશેષ મહત્વ છે, પરંતુ તુલસી કેમ નથી ચઢાવાતી? ભગવાન ગણેશ અને તુલસી સાથે જોડાયેલી આ પૌરાણિક કથા જાણીને તમે પણ ચોંકી જશો. જાણો શ્રાપથી શરૂ થયેલી આ પરંપરા પાછળનું રહસ્ય.

Ganesh Chaturthi 2026 : ગણેશજીને કેમ નથી ચઢાવાતી તુલસી? એક શ્રાપ સાથે જોડાયેલી છે માન્યતા
Image Credit source: Thumbnail Designed by Raj Singh Sisodiya
| Updated on: Sep 15, 2026 | 2:54 PM

ગણપતિ બાપ્પાની પૂજામાં મોદક, લાડુ, દુર્વા અને લાલ ફૂલનું વિશેષ મહત્વ છે. ભક્તો આ વસ્તુઓ અર્પણ કરીને ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પવિત્ર માનવામાં આવતી તુલસી ગણેશજીને કેમ ચઢાવવામાં આવતી નથી? આ પરંપરા પાછળ એક રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે.

ગણેશોત્સવ દરમિયાન કેમ નથી ચઢાવાતી તુલસી?

ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે ગણેશોત્સવ 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી મનાવવામાં આવી રહ્યો છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો વિધિ-વિધાનપૂર્વક ગણપતિની આરાધના કરે છે. પૂજામાં મોદક, લાડુ, દુર્વા અને લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે.

જોકે, ગણેશજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવતો નથી. ધાર્મિક માન્યતા અનુસાર, આ પરંપરા ભગવાન ગણેશ અને તુલસી સાથે જોડાયેલી એક પૌરાણિક ઘટના પરથી શરૂ થઈ હતી. આવો, જાણીએ આ કથા શું કહે છે.

ગણેશજી અને તુલસીની પૌરાણિક કથા

પૌરાણિક કથા અનુસાર, એક વખત ભગવાન ગણેશ ગંગા નદીના કિનારે તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે તુલસી દેવી ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમની નજર તપસ્યામાં લીન ગણેશજી પર પડી. કથામાં વર્ણન મળે છે કે ભગવાન ગણેશ દિવ્ય સ્વરૂપમાં સિંહાસન પર બિરાજમાન હતા. તેમના શરીર પર ચંદન લગાવેલું હતું અને તેઓ અત્યંત તેજસ્વી દેખાઈ રહ્યા હતા. તેમના આ સ્વરૂપથી પ્રભાવિત થઈને તુલસી દેવીના મનમાં ગણેશજી સાથે લગ્ન કરવાની ઇચ્છા જાગી.આ ઇચ્છાને કારણે તેમણે ગણેશજીની તપસ્યામાં વિક્ષેપ પાડ્યો. તપસ્યા પૂર્ણ કર્યા બાદ ગણેશજીએ તુલસીને સમજાવ્યું કે કોઈની સાધનામાં અડચણ ઊભી કરવી યોગ્ય નથી. તેમણે પોતાને બ્રહ્મચારી ગણાવીને તુલસી દેવીના લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો.

તુલસીના શ્રાપથી શરૂ થઈ માન્યતા

ગણેશજીના ઇનકારથી તુલસી દેવી ક્રોધિત થઈ ગયાં. તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના બે લગ્ન થશે. આ શ્રાપથી ભગવાન ગણેશ પણ નારાજ થયા અને તેમણે તુલસીને શ્રાપ આપ્યો કે તેમનું લગ્ન એક અસુર સાથે થશે અને તેમને રાક્ષસની પત્ની બનવું પડશે. પોતાના શબ્દોનું ભાન થતાં તુલસી દેવીને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ગણેશજી પાસે ક્ષમા માંગી. ત્યારે ગણેશજીએ કહ્યું કે તેઓ પોતાનો શ્રાપ પાછો લઈ શકતા નથી, પરંતુ તુલસીને વરદાન આપ્યું કે ભવિષ્યમાં તેઓ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય બનશે અને ભગવાન વિષ્ણુ દ્વારા તેમનું ઉદ્ધાર થશે.

આ સાથે ગણેશજીએ સ્પષ્ટ કર્યું કે તેમની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ધાર્મિક માન્યતા અનુસાર, ત્યારથી જ ગણપતિની પૂજામાં તુલસી ન ચઢાવવાની પરંપરા ચાલી આવે છે.

ગણપતિને પ્રિય છે દુર્વા

ગણેશજીની પૂજામાં તુલસીના પાન અથવા તુલસીમાંથી બનેલી વસ્તુઓનો ભોગ ધરાવવામાં આવતો નથી. તેના બદલે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા છે, કારણ કે દુર્વા તેમને અત્યંત પ્રિય માનવામાં આવે છે.
આ ઉપરાંત ગણપતિ બાપ્પાને મોદક, લાડુ, જાંબુ, ગોળ અને ચણાનો પ્રસાદ પણ અર્પણ કરી શકાય છે. કેળું, નાળિયેર અને શ્રીફળ જેવા ફળો પણ ગણેશજીને ચઢાવવાનું શુભ માનવામાં આવે છે.

ગણેશજીને કયા ફળ સૌથી પ્રિય? જવાબ તેમના મંત્રમાં જ છુપાયેલો છે

Follow Us
Loading...
Unable to load recommendations.