
શ્રી અમરનાથ યાત્રાને સંપૂર્ણપણે સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે આ વર્ષે વ્યાપક કચરા વ્યવસ્થાપન (વેસ્ટ મેનેજમેન્ટ) અને પર્યાવરણીય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હિમાલયની સુંદર ચોટીઓ અને યાત્રાના ટ્રેક પર કચરો ન ફેલાય તે માટે વહીવટીતંત્ર દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રા દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને કચરો ઘટાડવા માટે શ્રદ્ધાળુઓને કાપડની થેલીઓ આપવામાં આવી રહી છે.
સૌથી મહત્વની વાત એ છે કે, યાત્રાના માર્ગ પર ચાલતા ખચ્ચરોના છાણને ખાસ મશીનો દ્વારા એકત્રિત કરીને બાયોગેસ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યા છે. આનાથી બાયો-ઇંધણ (ગ્રીન ફ્યુઅલ) ઉત્પન્ન થશે અને યાત્રા માર્ગ એકદમ સ્વચ્છ રહેશે. આ કચરા વ્યવસ્થાપનની જવાબદારી ઇન્દોરની સંસ્થા ‘સ્વાહા રિસોર્સ મેનેજમેન્ટ’ને સોંપવામાં આવી છે.
પવિત્ર ગુફા સુધી જતા બંને રસ્તાઓ પર મોટી સંખ્યામાં ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે. ઘન અને પ્રવાહી બંને પ્રકારના કચરાને એકત્ર કરવા માટે હજારો સફાઈ કર્મચારીઓ તૈનાત છે. કંપનીના સીઈઓ ડૉ. સમીર શર્માએ જણાવ્યું હતું કે, યાત્રા પૂર્ણ થયા બાદ પણ પર્યાવરણ વીરો સમગ્ર ટ્રેકને સંપૂર્ણપણે સાફ કરીને જ ત્યાંથી પરત ફરશે.
શ્રદ્ધાળુઓમાં પર્યાવરણ પ્રત્યે ચેતના જગાડવા માટે યાત્રા માર્ગ પર આવેલા ભંડારા (લંગર) નજીક શેરી નાટકો અને કઠપૂતળીના શો યોજવામાં આવી રહ્યા છે. યાત્રીઓને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાની સાથે સ્ટીલની થાળી, વાટકી અને ચમચી જેવા વાસણો રાખે જેથી ડિસ્પોઝેબલ કચરો ઓછો થાય. શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા જણાવાયું છે અને અત્યાર સુધીમાં આશરે 1.5 લાખ કાપડની થેલીઓ મફત વહેંચવામાં આવી છે.
આ વર્ષે અમરનાથ યાત્રામાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની આશા છે. અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ લોકો દર્શન કરી ચૂક્યા છે. અધિકારીઓના મતે યાત્રા દરમિયાન બંને માર્ગો પરથી લગભગ 400 ટન કચરો નીકળી શકે છે, અને જો શ્રદ્ધાળુઓની સંખ્યા 6 લાખ સુધી પહોંચશે તો આ કચરો વધી પણ શકે છે, જેના નિકાલ માટે પહેલેથી જ પ્લાનિંગ કરી લેવાયું છે.
પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે યાત્રાના રૂટ પર 8 વૉટર એટીએમ (Water ATM) લગાવવામાં આવ્યા છે. દરેક એટીએમ દર 12 કલાકમાં 6000 લીટર પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. આના કારણે શ્રદ્ધાળુઓને બોટલબંધ પાણી ખરીદવાની જરૂર પડતી નથી. આ પ્રયોગથી દરરોજ લગભગ 50 હજાર અને આખી યાત્રા દરમિયાન અંદાજે 30 લાખ પ્લાસ્ટિકની બોટલોનો કચરો ઓછો થશે.
યાત્રાના માર્ગ પર ચાલતા 25 થી 30 હજાર ખચ્ચરો દરરોજ ભારે માત્રામાં છાણ (લીદ) કરે છે. આ પડકારને પહોંચી વળવા માટે દેશમાં પહેલીવાર છાણ એકત્ર કરવાનું મશીન અને તેને મિથેન ગેસમાં બદલવા માટે 5 ક્યુબિક મીટરનો બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. બાળટાલ પ્રદર્શન કેન્દ્રમાં મિથેનથી ચાલતો એક ખાસ લેમ્પ પણ મુકાયો છે, જેથી લોકો ખચ્ચરના છાણમાંથી બનતી ઉર્જાને પ્રત્યક્ષ જોઈ શકે. જો આ ‘ઝીરો-લેન્ડફિલ યાત્રા’ સફળ રહેશે તો તે દેશમાં પર્યાવરણ અનુકૂળ ધાર્મિક યાત્રા માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે.
જો કોઈ શ્રદ્ધાળુ ભૂલથી પણ પ્લાસ્ટિકની થેલી લઈને બેઝ કેમ્પ પહોંચશે, તો તેને આગળ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેને બેઝ કેમ્પ પર જ મફતમાં કાપડનો થેલો આપવામાં આવશે. આ ઉપરાંત, ભંડારાના આયોજકો અને દુકાનદારો માટે પણ સ્ટીલની પ્લેટો અને ગ્લાસનો ઉપયોગ કરવો ફરજિયાત છે. જો કોઈ પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરશે તો તેના પર ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરનું ગ્રામીણ સ્વચ્છતા વિભાગ આ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખી રહ્યું છે. યાત્રા માર્ગ પર સ્વચ્છતા જાળવવા 4,000 કર્મચારીઓ અને કચરાના વ્યવસ્થાપન માટે 623 નિષ્ણાતો તૈનાત છે. ઉલ્લેખનીય છે કે યાત્રાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાળુઓને પર્યાવરણનું રક્ષણ કરવા અને કચરો ન ફેલાવવા ખાસ અપીલ કરી હતી.