પાકિસ્તાને, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે, શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ પાકિસ્તાનની મુલાકાત લેશે ? પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે. આગામી 15-16 ઓક્ટોબરના રોજ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન બેઠક યોજાઈ રહી છે.
આ બેઠકનું આયોજન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના તમામ સભ્ય દેશો વારાફરતી કરતા રહે છે. આ વખતે પાકિસ્તાનને શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક યોજવાની જવાબદારી મળી છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વઝીર-એ-આઝમ શાહબાઝ શરીફે પોતાના પાડોશી દેશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે.
જો કે પીએમ મોદી આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તે જોવું રહ્યું. જો કે પીએમ મોદીના ઈસ્લામાબાદ જવાની શક્યતા ઘણી ઓછી છે. આ બેઠકમાં ભારત તરફથી કોઈ ભાગ ના લે તેવી પણ એક શક્યતા છે. વાસ્તવમાં, પીએમ મોદી હંમેશા શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના વિવિધ દેશના વડાઓની બેઠકમાં હાજરી આપે છે, પરંતુ કઝાકિસ્તાનમાં આયોજિત બેઠકમાં હાજરી આપી નહોતી.
Pakistan has officially extended an invitation to Indian Prime Minister Narendra Modi for the upcoming SCO Heads of Governments meeting in Islamabad, set to take place on October 15th and 16th. The invite was personally issued by Pakistan’s Prime Minister, Shehbaz Sharif.… pic.twitter.com/MqYHQiShQl
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) August 25, 2024
કઝાકિસ્તાનમાં આયોજિત બેઠકમાં વડાપ્રધાન મોદીના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકરે હાજરી આપી હતી. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન એકમાત્ર બહુપક્ષીય સંગઠન છે, જેમાં ભારત અને પાકિસ્તાન સાથે મળીને કામ કરે છે. બંને દેશો તેના પૂર્ણ સભ્ય છે.
કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદીએ દ્રાસથી પાકિસ્તાન પર જે રીતે શાબ્દિક હુમલો કર્યો હતો તેનાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, પાકિસ્તાન તેના ઈતિહાસમાંથી કંઈ શીખ્યું નથી. અમે કારગિલ યુદ્ધમાં સત્ય, સંયમ અને હિંમત બતાવી. તે સમયે ભારત શાંતિ માટે પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ પાકિસ્તાને બદલામાં પોતાનો અવિશ્વાસભર્યો ચહેરો બતાવ્યો હતો. હું આતંકવાદના સમર્થકોને કહેવા માંગુ છું કે, તેમના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. આપણા જવાનો આતંકવાદને સંપૂર્ણ રીતે કચડી નાખશે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપશે.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની સ્થાપના 15 જૂન 2001ના રોજ થઈ હતી. શરૂઆતમાં તેમાં માત્ર ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાનનો સમાવેશ થતો હતો. 2001 માં, ઉઝબેકિસ્તાનને શાંઘાઈ ફાઈવમાંથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં બદલવામાં આવ્યા બાદ આ સંગઠનમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન 2017માં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સભ્ય બન્યા અને ઈરાને ગયા વર્ષે 2023માં તેનું સભ્યપદ લીધું. 2024 સમિટમાં બેલારુસની ભાગીદારી બાદ તેના સભ્ય દેશોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે.
Published On - 5:00 pm, Sun, 25 August 24