ટેક્સ ચોર, ડ્રગ એડિક્ટ…છતાં જો બાઈડેને તેમના દીકરાને કેમ કર્યો માફ ?
હન્ટર બાઈડેન પર ટેક્સ ચોરીનો આરોપ હતો. બીજો મોટો આરોપ બંદૂક ખરીદવાનો હતો. 2018માં બંદૂક ખરીદવા માટે ફોર્મ ભરતી વખતે હન્ટરે દાવો કર્યો હતો કે તે કોઈપણ પ્રકારના ગેરકાયદે ડ્રગ્સનો વ્યસની નથી. જો કે, તે ડ્રગ્સનો વ્યસની હતો.
જો બાઈડેન સત્તામાં રહીને સતત વિવાદોમાં રહ્યા. હવે રાષ્ટ્રપતિ તરીકે તેમની પાસે માત્ર એક મહિનાનો સમય બાકી છે, પરંતુ તેઓ હજુ પણ વિવાદોથી મુક્ત નથી. તાજેતરનો મુદ્દો એ છે કે જો બાઈડેને વિશેષાધિકારનો ઉપયોગ કરીને, તેમના પુત્ર હન્ટર બાઈડેનને ઘણા ગંભીર ગુનાઓ માટે માફ કરી દીધો છે. આ પહેલા ઘણા અન્ય રાષ્ટ્રપતિઓએ પણ તેમના પરિવારને બચાવવા માટે રાષ્ટ્રપતિ માફીનો ઉપયોગ કર્યો હતો.
હન્ટર બાઈડેન સામે કયા આરોપો હતા ?
લગભગ ચાર વર્ષ પહેલા હંટરે જાહેરમાં સ્વીકાર્યું હતું કે તે ફેડરલ તપાસ હેઠળ છે. આ તપાસ તેના બિઝનેસ ટ્રાન્ઝેક્શન, ટેક્સ સ્કેમ અને ચીનમાં મની લોન્ડરિંગ કાયદા સાથે સંબંધિત હતી. મીડિયા રિપાર્ટસ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન તપાસ શરૂ થઈ હતી. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેઓએ પોતાના ફાયદા માટે ચીન સાથે એવા વેપારી સોદા કર્યા હતા, જેનાથી દેશને નુકસાન થઈ રહ્યું હતું.
હન્ટર બાઈડેન પર ટેક્સ ચોરીનો પણ આરોપ હતો. બીજો મોટો આરોપ બંદૂક ખરીદવાનો હતો. 2018માં બંદૂક ખરીદવા માટે ફોર્મ ભરતી વખતે હન્ટરે દાવો કર્યો હતો કે તે કોઈપણ પ્રકારના ગેરકાયદે ડ્રગ્સનો વ્યસની નથી. જો કે, તે ડ્રગ્સનો વ્યસની હતો. અમેરિકામાં એવો નિયમ છે કે, જે ડ્રગ્સનો વ્યસની હોય તેને બંદૂકનું લાયસન્સ મળતું નથી.
સજાનો નિર્ણય આ મહિને આવવાનો હતો
હન્ટરને તેના આરોપો માટે લાંબી જેલની સજા થઈ શકે તેમ હતી, જેમ કે કરચોરી માટે 17 વર્ષ અને બંદૂક ખરીદવા માટે 25 વર્ષ. આ બંને કેસમાં સજાનો નિર્ણય આ મહિને થવાનો હતો પરંતુ હવે તે શક્ય બનશે નહીં. આ માફી અંગે લોકોમાં ગુસ્સો એટલે છે, કારણ કે આટલા વર્ષોથી ચાલી રહેલી કોર્ટ પ્રક્રિયા અને સંસાધનો વેડફાટ થયો અને અંતે માફી આપવામાં આવી.
રાષ્ટ્રપતિએ બોલેલું વચન પાળ્યું નહીં
સત્તા સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ બાઈડેને ઘણી વખત કહ્યું હતું કે તેઓ તેમના પુત્રને કોઈ છૂટ નહીં આપે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ જ્યારે સજાના મુદ્દા પર ચર્ચા થઈ હતી ત્યારે તેમણે આ વાતનું પુનરાવર્તન કર્યું હતું. બાઈડેને દલીલ કરી હતી કે આ કોર્ટનું કામ છે અને તે પોતાના ફાયદા માટે રાષ્ટ્રપતિની સત્તાનો ઉપયોગ કરશે નહીં. પરંતુ રવિવારે જ્યારે આખું અમેરિકા થેંક્સગિવીંગમાં વ્યસ્ત હતું ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. વિદાય વખતે બાઈડેને તેમના પુત્ર માટે રાષ્ટ્રપતિની માફીનો ઉપયોગ કર્યો હતો. હવે આને લઈને તે માત્ર રિપબ્લિકન જ નહીં પરંતુ ડેમોક્રેટ્સમાં પણ વિવાદમાં આવી ગયા છે.