અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો જંગ રોમાંચક બની રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો મુકાબલો કપરો બની રહ્યો છે. આગામી 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા હાથ ધરાયેલ પોલમાં ક્યારેક ટ્રમ્પને આગળ બતાવવામાં આવ્યા છે તો ક્યારેક કમલા હેરિસને. સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરે ટ્રમ્પનું સમર્થન કર્યા પછી હાથ ધરાયેલા પોલમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે.
અમેરિકાના મતદારોનો બદલાતો મૂડ પોલમાં દેખાઈ રહ્યો છે, કારણ કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ બાઈડન ચૂંટણી મેદાનમાં હતા ત્યાં સુધી ટ્રમ્પ થોડી લીડ સાથે ચૂંટણીમાં આગળ હતા. વોલ સ્ટ્રીટ જર્નલનો નવા સર્વે દર્શાવે છે કે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને 48 ટકા મતદારોનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 47 ટકા મતદારોનું સમર્થન છે.
ક્વિનીપિયાક યુનિવર્સિટીના અન્ય સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે, કમલા હેરિસને 49 ટકા સમર્થન મળી રહ્યું છે અને ટ્રમ્પ 48 ટકા સાથે આગળ છે. સફોક/યુએસએ ટુડેના સર્વે અનુસાર, કમલા હેરિસને 48 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે, જ્યારે ટ્રમ્પને 43 ટકા લોકોનું સમર્થન છે. 9 ટકા મતદારો એવા છે જેઓ કોઈની સાથે નથી. એબીસી ન્યૂઝ પર 10 સપ્ટેમ્બરે યોજાનારી ચર્ચા ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ગેમ ચેન્જર બની રહેશે, કારણ કે ત્યારબાદનું અંતર વધીને કોઈપણ ઉમેદવાર તરફી ઝોક જઈ શકે છે.
સર્વે કરનારાઓના મતે ઓગસ્ટ મહિનાથી મોટા ભાગના આંકડા સ્થિર રહ્યા છે. હેરિસને મહિલાઓમાં ફાયદો હોવાનું જણાય છે. તે 13 પોઈન્ટ સાથે આગળ છે. એટલું જ નહીં, 56 ટકા મતદારોએ કમલા હેરિસના પ્રદર્શનને સારું ગણાવ્યું, જ્યારે 41 ટકા લોકોએ ટ્રમ્પ માટે પણ એવું જ માન્યું.
કમલા હેરિસે મુખ્ય બેઠકો ઉપર પોતાની લીડ જાળવી રાખી છે. એનબીસી ન્યૂઝ અનુસાર હેરિસ જો બાઈડન કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યી હોય તેવું લાગે છે. જોકે, ટ્રમ્પે મહત્વના મુદ્દાઓ પર પોતાની લીડ જાળવી રાખી છે. અર્થવ્યવસ્થા અને ફુગાવાના સંદર્ભમાં વિશ્વાસના સંદર્ભમાં, ટ્રમ્પે દરેક કેટેગરીમાં હેરિસને 8 પોઈન્ટથી પાછળ રાખી દીધી છે. યુએસ-મેક્સિકો બોર્ડર સંભાળવામાં તેમની પાસે 9 પોઈન્ટની લીડ છે.
27 જૂનની ચર્ચા પહેલાં, બાઈડન ટ્રમ્પથી પાછળ હતા. આનાથી ડેમોક્રેટ્સના સત્તામાં પાછા આવવાની આશા ઓછી થઈ, પરંતુ બાઈડન પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ તેમના સ્થાને હેરિસ આવતાં, આખી ચૂંટણીની રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કમલા હેરિસને હવે વધુ વિશ્વસનીય નેતા તરીકે જોવામાં આવે છે અને તે દેશભરમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે.
બંને નેતાઓનો ચૂંટણી પ્રચાર જે રીતે આગળ વધી રહ્યો છે તે જોતાં આગામી સપ્તાહ વધુ મહત્ત્વનું બની રહેશે. હેરિસ તેની લીડ જાળવી રાખે છે કે ટ્રમ્પ પુનરાગમન કરશે તે જોવું રહ્યું.