Breaking News : ઈરાનને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી ઓફર! દુનિયામાં ક્રૂડ ઓઈલ સસ્તુ થવાની શક્યતા

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ઓફર વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં હલચલ મચાવી શકે છે. અમેરિકા ઈરાનના તેલ નિકાસ પરના પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવા તૈયાર છે, જેથી ક્રૂડ ઓઈલના ભાવ ઘટી શકે.

Breaking News : ઈરાનને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પની સૌથી મોટી ઓફર! દુનિયામાં ક્રૂડ ઓઈલ સસ્તુ થવાની શક્યતા
| Updated on: May 18, 2026 | 7:16 PM

આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી નવી ઓફર વૈશ્વિક ક્રૂડ ઓઈલ માર્કેટ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો બંને દેશો વચ્ચે ચાલી રહેલી પરમાણુ અને રાજદ્વારી વાટાઘાટો સફળ રહે, તો વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.

ઈરાનની અર્ધ-સત્તાવાર તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાનો નવો ડ્રાફ્ટ સામે આવ્યો છે. આ ડ્રાફ્ટ હેઠળ અમેરિકા ઈરાનના ક્રૂડ ઓઈલ નિકાસ પર લાગેલા કેટલાક કડક પ્રતિબંધોમાં અસ્થાયી રાહત આપવા તૈયાર થયું હોવાનું કહેવાય છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ઘટાડવા અને લાંબા સમયથી અટકેલી વાટાઘાટોને ફરી જીવંત કરવા માટે આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

પ્રતિબંધોમાં છૂટછાટની વાત

રિપોર્ટ મુજબ, આ નવો પ્રસ્તાવ અગાઉના ડ્રાફ્ટથી અલગ છે. અત્યાર સુધી અમેરિકા સંપૂર્ણ કરાર પછી જ પ્રતિબંધોમાં છૂટછાટની વાત કરતું હતું, પરંતુ હવે ચર્ચા દરમિયાન જ મર્યાદિત રાહત આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો આ અમલમાં આવે, તો ઈરાન ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ સપ્લાય કરી શકશે.

બીજી તરફ, ઈરાનની સૌથી મોટી માંગ એ છે કે અમેરિકા તમામ પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવવાની ખાતરી આપે. વાટાઘાટોથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, તેહરાન લાંબા ગાળાના કોઈપણ કરાર પહેલા પ્રતિબંધોમાં સ્પષ્ટ અને ગેરંટીવાળી રાહત ઈચ્છે છે. જોકે, અમેરિકા હાલમાં માત્ર તાત્કાલિક અને મર્યાદિત માફીની જ ઓફર કરી રહ્યું છે, જે અંતિમ કરાર સુધી અમલમાં રહેશે.

પાકિસ્તાને બંને દેશો વચ્ચે ચર્ચાનું આયોજન પણ કર્યું

આ દરમિયાન મધ્ય પૂર્વમાં તણાવ યથાવત છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઈરાને યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપવા માટે અમેરિકાને સુધારેલ પ્રસ્તાવ મોકલ્યો છે, જે પાકિસ્તાન મારફતે પહોંચાડવામાં આવ્યો હતો. તાજેતરમાં પાકિસ્તાને બંને દેશો વચ્ચે ચર્ચાનું આયોજન પણ કર્યું હતું, પરંતુ તે કોઈ નિષ્કર્ષ વિના પૂર્ણ થઈ હતી.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “ઈરાન માટે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. તેમણે ઝડપથી નિર્ણય લેવો પડશે, નહીં તો તેમના માટે કંઈ બાકી નહીં રહે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “સમય અત્યંત કિંમતી છે.”

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધી શકે

જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો આ પ્રસ્તાવ આગળ વધે અને ઈરાનના તેલ પરના પ્રતિબંધોમાં રાહત મળે, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધી શકે છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ મારફતે સપ્લાય સરળ બનતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની ઉપલબ્ધતા વધશે. તેના સીધા અસરરૂપે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

હાલમાં ગલ્ફ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 109.53 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે અમેરિકન WTI ક્રૂડ ઓઈલ લગભગ 105.06 ડોલર પ્રતિ બેરલના સ્તરે નોંધાયું છે. બજાર નિષ્ણાતો માને છે કે જો ઈરાન ફરી સંપૂર્ણ ક્ષમતા સાથે બજારમાં પ્રવેશ કરશે, તો આગામી સમયમાં તેલના ભાવ વધુ નરમ પડી શકે છે.

ભારતના સેના પ્રમુખના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ

Published On - 7:15 pm, Mon, 18 May 26

Follow Us