
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન અંગે મોટો દાવો કર્યો છે. ટ્રમ્પ કહે છે કે, ખામેની સરકારે, તેમના વિરોધીઓ સામે કાર્યવાહી કરવાનું બંધ કરી દીધું છે. દેખાવકારો ઉપર ગોળીબાર કરવાની અને ક્રાંતિકારીઓને ફાંસી આપવાની કાર્યવાહી બંધ થઈ ગઈ છે.
તાજેતરમાં, ટ્રમ્પે ઈરાન સરકાર વિરોધીઓને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં કહ્યું છે કે, કબજો કરો, મદદ આવી રહી છે. આનાથી ઈરાન પર હુમલાની અટકળો શરૂ થઈ ગઈ છે. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે તેઓ કયા પ્રકારની સહાયનો ઉલ્લેખ કરી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પના મતે, “અમને ખબર પડી છે કે,. ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યાઓ બંધ થઈ ગઈ છે. ફાંસીને માંચડે ચડાવવાનું પણ બંધ થઈ ગયું છે. હાલમાં ઈરાન સામે કાર્યવાહી કરવાની કોઈ યોજના નથી.”
ગઈકાલે ઈરાન વિશે બોલતા, ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનમાં થયેલી હત્યાઓ ચિંતાજનક છે. આ પછી, ટ્રમ્પે તેમની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે બેઠક યોજી હતી. ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને વ્હાઇટ હાઉસના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
યુએસ હ્યુમન રાઈટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, ઈરાની હિંસામાં 2,586 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે અને તેઓ કેસનો સામનો કરી રહ્યા છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયલ તેની આંતરિક બાબતોમાં દખલ કરશે તો તેના પરિણામો ભયંકર આવી શકે છે.
ઈરાની લશ્કરી અધિકારી મોહમ્મદ પાકપોરે દાવો કર્યો હતો કે ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો અમેરિકા અને ઈઝરાયલે ઉશ્કેર્યા હતા. જોકે, તેમણે કોઈ પુરાવા આપ્યા ન હતા. તેમણે જણાવ્યું હતું કે ઈરાનમાં થયેલી હત્યાઓ પાછળ અમેરિકા અને ઈઝરાયલ જ ખરા ગુનેગાર છે. આ હિંસામાં ઘણા સુરક્ષા દળો અને વિરોધીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ઈરાન- અમેરિકા કટોકટી સહીત વિશ્વના અન્ય તમામ સમચારો જાણવા માટે તમે અહીં ક્લિક કરો.
Published On - 10:21 am, Thu, 15 January 26