અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા પાકિસ્તાની PM ઈમરાન ખાને સમર્થકોને કરી અપીલ, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરો
પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) કહ્યું કે તેમને હટાવવા માટે પાકિસ્તાનની બહારથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) રવિવારે યોજાનાર અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા એક મોટું પગલું ભર્યું છે. ઈમરાને પોતાના સમર્થકોને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવા કહ્યું છે. વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને કારણે ઈમરાનની ખુરશી ખતરામાં છે. પાકિસ્તાનમાં કોઈ પણ વડાપ્રધાને તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો નથી. 2018માં સત્તા સંભાળનાર ઈમરાન અત્યાર સુધીના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે ઈમરાન સરકારે દેશને યોગ્ય રીતે ચલાવ્યો નથી. જેના કારણે દેશ હવે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે.
રવિવારે નેશનલ એસેમ્બલી (પાકિસ્તાનની સંસદ)માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની છે. આ પછી આ દિવસે મતદાન થવાનું છે. પરંતુ ઈમરાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીએ 342 સભ્યોના ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે. હકીકતમાં, પીટીઆઈના સહયોગીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે તેનું સમર્થન પાછું ખેંચી રહ્યું છે, કારણ કે તેના સાત સાંસદો વિપક્ષ સાથે મળીને મતદાન કરશે. બીજી તરફ ઈમરાનની પાર્ટીના સાંસદો પણ બળવાખોર થઈ ગયા છે. પીટીઆઈના એક ડઝનથી વધુ સાંસદોએ સંકેત આપ્યા છે કે તેઓ ઈમરાન વિરુદ્ધ મતદાન કરશે. જોકે, પાર્ટીના નેતાઓ તેમને વોટિંગ કરતા રોકવા માટે કોર્ટનો સંપર્ક કરી રહ્યા છે.
પાકિસ્તાની PMએ શું કહ્યું ?
ઇમરાને શનિવારે સમર્થકોને રસ્તા પર ઉતરી શાંતિપૂર્વક વિરોધ કરવા વિનંતી કરી હતી. તેમણે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે તેમને હટાવવા માટે પાકિસ્તાનની બહારથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. લોકો સાથે ફોન પર પ્રશ્નોના જવાબ આપતા ઈમરાને કહ્યું, ‘હું ઈચ્છું છું કે તમે બધા આઝાદ અને મુક્ત પાકિસ્તાન માટે વિરોધ કરો.’
આ સપ્તાહની શરૂઆતમાં તેમણે અમેરિકા પર પાકિસ્તાનના મામલામાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. એવું કહેવાય છે કે ઈમરાનને વોશિંગ્ટનમાં પાકિસ્તાનના રાજદૂત તરફથી એક બ્રિફિંગ લેટર મળ્યો હતો જેમાં એક વરિષ્ઠ અમેરિકી અધિકારીનું રેકોર્ડિંગ હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ઈમરાન પદ છોડે તો બંને દેશોના સંબંધો વધુ સારા થશે.
ઈમરાને વિપક્ષ પર લગાવ્યો હતો આ આરોપ
આ અંગે જ્યારે અમેરિકાને આ સંબંધમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે વોશિંગ્ટનમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે આ આરોપોમાં કોઈ સત્ય નથી. ઈમરાને વિપક્ષ પર વોશિંગ્ટન સાથે મળીને તેમને હટાવવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો, કારણ કે તે રશિયા અને ચીન વિરુદ્ધ વૈશ્વિક મુદ્દાઓ પર પશ્ચિમ દેશોનું સમર્થન નથી કરી રહ્યા.
આ પણ વાંચો : વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલીના ગોમેઝ જોવા મળી ન્યુ હેર સ્ટાઇલમાં, લોકો થઈ રહ્યા છે ફીદા