Pakistan: વડાપ્રધાન શાહબાઝ શરીફ આજે રાત્રે કેબિનેટ અંગે નિર્ણય લેશે, સોમવારે શપથ લઈ શકે છે ઘણા મંત્રીઓ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif ) હજુ સુધી સરકાર ચલાવવા માટે કેબિનેટની રચના કરી શક્યા નથી. હવે સમાચાર આવ્યા છે કે તેઓ આજે રાત સુધીમાં મંત્રી પદને લઈને પોર્ટફોલિયો નક્કી કરી શકે છે.
પાકિસ્તાનમાં (Pakistan) ફેડરલ કેબિનેટની રચના એક દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે પીએમએલ-એનના નેતા અને નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) આજે રાત સુધીમાં મંત્રીઓના પોર્ટફોલિયો અંગે નિર્ણય લેશે. PML-N સાથે જોડાયેલા સૂત્રોએ આ જાણકારી આપી છે. વડાપ્રધાને પીએમએલ-એનના મંત્રીઓનો પોર્ટફોલિયો પૂર્વ વડાપ્રધાન અને પાર્ટીના વડા નવાઝ શરીફને સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવાઝ શરીફે ફેડરલ કેબિનેટના પ્રથમ તબક્કાને મંજૂરી આપી દીધી છે. પીપીપી સહિત ગઠબંધનના અન્ય લોકોના મંત્રી પદ માટેના પોર્ટફોલિયો પર નિર્ણય લેવા માટે હજુ પણ ચર્ચા ચાલી રહી છે.
આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ફેડરલ કેબિનેટમાં સમાવિષ્ટ મંત્રીઓ સોમવારે શપથ લઈ શકે છે. અગાઉ એવા અહેવાલ હતા કે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ શનિવારે સંકેત આપ્યો છે કે તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી નવા ચૂંટાયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફની કેબિનેટમાં સામેલ નહીં થાય. જેઓ સત્તા સંભાળ્યાના પાંચ દિવસ બાદ પણ પોતાની કોર ટીમને ફાઈનલ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. શાહબાઝે 11 એપ્રિલે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
સરકાર ચલાવવા માટે કોઈ મંત્રી નથી
શાહબાઝ શરીફ મંત્રીમંડળની રચના અંગે તમામ ગઠબંધન ભાગીદારોને મનાવી શક્યા નથી. પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)ના સહ-અધ્યક્ષ ઝરદારીએ સંકેત આપ્યો કે તેમની પાર્ટી અન્ય ગઠબંધન ભાગીદારોને સામેલ કરવા ઈચ્છે છે. તેમણે નેશનલ એસેમ્બલીની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, મને નથી લાગતું કે અમે કોઈ મંત્રાલય લઈ રહ્યા છીએ. અમે અમારા મિત્રો (ગથબંધન ભાગીદારો) ને તક આપવા માંગીએ છીએ.
ઝરદારી રાષ્ટ્રપતિ બનવા માટે દબાણ કરી રહ્યા છે
એવા અહેવાલો પણ છે કે જો વર્તમાન રાષ્ટ્રપતિ આરિફ અલ્વી રાજીનામું આપે અથવા પદ પરથી હટાવવામાં આવે તો ઝરદારી પોતાને દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે દબાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં વિપક્ષે નેશનલ એસેમ્બલીમાં તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 10 એપ્રિલે મતદાન થયું અને ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સરકારને સત્તા પરથી હટાવવામાં આવી.
તેમણે પોતાની સરકારને પાડવા પાછળ વિદેશી ષડયંત્રનો હાથ હોવાનું જણાવ્યું છે. તેમણે મતદાન મુલતવી રાખવાનો પણ પ્રયાસ કર્યો અને નવેસરથી ચૂંટણીની માગ કરી. પરંતુ આખરે તેઓ અવિશ્વાસની દરખાસ્ત હારી ગયા. પીએમ પદ પરથી હટાવ્યા બાદ શાહબાઝ શરીફને વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે.