Pakistan : ભૂતપૂર્વ સેનેટર અને બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP)ના નેતા અનવર ઉલ હકે સોમવારે પાકિસ્તાનના (Pakistan) નવા કાર્યકારી વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી છે. કેરટેકર પીએમ તરીકે તેમની નિમણૂક બાદ અનવર ઉલ હકે સંસદના ઉપલા ગૃહ સેનેટના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું, જેને આજે જ સ્વીકારવામાં આવ્યું હતું.
અનવર ઉલ હક પાકિસ્તાનના આઠમા કાર્યકારી વડાપ્રધાન બન્યા છે અને હવે ચૂંટણી ન થાય ત્યાં સુધી દેશની કમાન સંભાળશે. રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ઈવાન-એ-સદર ખાતે આયોજિત સમારોહમાં અનવર હક શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ કર્યા પછી, અનવર હકે મારગલ્લા પર્વતોની તળેટીમાં વડાપ્રધાનના ભવ્ય સત્તાવાર નિવાસસ્થાને ગયા, જ્યાં તેમનો પરિચય નવા કર્મચારીઓ સાથે કરાવામાં આવ્યો.
શપથ ગ્રહણ દરમિયાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર, જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેન જનરલ સાહિર શમશાદ મિર્ઝા, સેનેટ ચેરમેન સાદિક સંજરાણી અને દેશના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. શપથ બાદ કાર્યકારી પીએમ અનવર હકે પીએમ ઓફિસમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
અનવર હકને હવે દેશ ચલાવવામાં મદદ કરવા માટે પોતાનું કેબિનેટ બનાવવું પડશે. સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂર્વ રાજદ્વારી જલીલ અબ્બાસ જિલાનીને વિદેશ મંત્રી બનાવવામાં આવી શકે છે. તેઓ કાર્યકારી વડાપ્રધાન પદની રેસમાં પણ સામેલ હતા. જો કે, અનવર હક સમક્ષ દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાનો અને મુશ્કેલીમાં મુકાયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો મુશ્કેલ પડકાર હશે.
આ દરમિયાન, ભૂતપૂર્વ વડા પ્રધાન શાહબાઝ શરીફ તેમના સત્તાવાર વડાપ્રધાન નિવાસસ્થાનથી નીકળ્યા અને તેમને દેશના ત્રણેય સશસ્ત્ર દળોના સૈનિકોએ વિદાય ગાર્ડ ઓફ ઓનર આપ્યું. ગયા અઠવાડિયે શનિવારે વડાપ્રધાન શરીફ અને વિસર્જન કરાયેલી નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદે પરસ્પર ચર્ચા કર્યા પછી અનવર હકને કાર્યકારી વડાપ્રધાન તરીકે જાહેર કર્યા હતા.
બીજી તરફ શપથગ્રહણ પહેલા અનવર ઉલ હકે સંસદના ઉપલા ગૃહ સેનેટના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સેનેટ પ્રમુખ સાદિક સંજરાણીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. એક દિવસ પહેલા, અનવર હકે સેનેટ સભ્યપદ અને બલૂચિસ્તાન અવામી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, જેની સ્થાપના તેમણે 2018માં કરી હતી.
અનવર હકે તેમના પદ પરથી રાજીનામું આપ્યું કારણ કે તેઓ નિષ્પક્ષ વચગાળાના વડાપ્રધાન બનવા માગે છે. 52 વર્ષીય અનવર હક બલૂચિસ્તાનના પશ્તુન સમુદાયના છે અને બલૂચિસ્તાન અવામી પાર્ટીના સભ્ય હતા. આ પાર્ટીને સૈન્ય સ્થાપનાની ખૂબ નજીક માનવામાં આવે છે. અનવર હક વર્ષ 2018માં પ્રથમ વખત સેનેટ માટે ચૂંટાયા હતા અને તે ખૂબ જ સક્રિય રાજકારણી રહ્યા છે. સેનેટમાં ચૂંટાયા પહેલા તેઓ બલૂચિસ્તાન પ્રાંતીય સરકારના પ્રવક્તા તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો