
અમેરિકામાં કામ કરવાનું સપનું જોતા ભારતીય પ્રોફેશનલ્સે હવે એક મોટા પડકારનો સામનો કરવો પડ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના નવા આદેશ મુજબ હવે H1B અને H4 વિઝા માટે દરેક અરજદારે તેમની ઓનલાઈન પ્રોફાઇલ વિગતોની સમીક્ષા કરવી પડશે.
15 ડિસેમ્બરથી અમલમાં આવેલા આ નિયમમાં અરજદારોએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ વિશે માહિતી આપવી જરૂરી છે, જેની યુએસ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ પગલું “રાષ્ટ્રીય સુરક્ષા” ને મજબૂત બનાવવા અને વિઝા કાર્યક્રમના “દુરુપયોગ” ને રોકવા માટે લેવામાં આવ્યું છે.
અધિકારીઓ માને છે કે, ઓનલાઈન હાજરીની તપાસ દ્વારા તે લોકોની ઓળખ કરવી સરળ થશે, ખાસ કરીને જે લોકો અમેરિકાના હિત માટે જોખમ હોઈ શકે છે. આ નિયમ ફક્ત ભારતીયો જ નહીં પરંતુ વિશ્વભરના તમામ દેશોના અરજદારોને સમાન રીતે લાગુ પડશે.
આ નવી સ્ક્રીનીંગ પ્રક્રિયાએ વિઝા પ્રોસેસની ગતિ પર સીધી અસર કરી છે. ભારતમાં ડિસેમ્બરના અંતમાં યોજાનાર હજારો H-1B ઇન્ટરવ્યુ કેટલાક મહિનાઓ માટે અચાનક મુલતવી રાખવામાં આવ્યા છે. કેટલાક અરજદારોને વર્ષ 2026 ના અંતમાં નવી તારીખો મળી છે.
નિષ્ણાતો અરજદારોને સલાહ આપે છે કે, અરજદાર પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલને ‘Public’ રાખે અને એવી કોઈપણ વાંધાજનક પોસ્ટ અથવા માહિતીથી દૂર રહે, જે વિઝા અરજીમાં આપેલી માહિતી સાથે મેળ ખાતી ન હોય.
ભારતીય IT પ્રોફેશનલ દ્વારા H1B વિઝાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. ગૂગલ અને એપલ જેવી મોટી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને હાલ માટે આંતરરાષ્ટ્રીય મુસાફરી ટાળવાની સલાહ આપી છે, કારણ કે વિઝા સ્ટેમ્પિંગનો સમય હવે 12 મહિના સુધી લંબાવી શકાય છે.