Vladimir Putin Biography: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને(Russia President Vladimir Putin) ગુરૂવારે યુક્રેન સાથેના યુધ્ધની જાહેરાત કરી હતી. જેને પગલે હાલ યુક્રેનની(Ukraine-russia war) સ્થિતિ વિકટ છે, દરેક વ્યક્તિ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિશે જાણવા આતુર છે, ત્યારે આજે અમે તમને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે જણાવીશુ.
વ્લાદિમીર પુતિનના જીવનની વાત કરીએ તો પુતિનનો જન્મ 7 ઓકટોબર, 1952ના રોજ લેનિનગ્રાડ, રશિયા ખાતે થયો હતો. રશિયાના રાષ્ટ્રપતિ બન્યા પૂર્વે તેમણે 15 વર્ષ રશિયાની જાસુસી સંસ્થા KGBમાં સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે,વ્લાદિમીર પુતિન હાલ રશિયાના રાષ્ટ્રપતિ છે અને એલેક્ઝાંડર લુકાશેન્કો બાદ યુરોપમાં બીજા સૌથી લાંબા સમય માટે શાસન કરનારા નેતા પણ છે. તેઓ 1999થી 2000 અને ફરીથી 2008થી 2012 સુધી રશિયાના વડાપ્રધાન પણ હતા.
તેમના પરિવારની વાત કરીએ તો, પિતા વ્લાદિમીર સ્પિરિડોનોવિચ પુટિન અને માતા મારિયા ઇવાનોવના પુટિનાનું તે એકમાત્ર સંતાન છે. તેમની ભૂતપૂર્વ પત્નીનું નામ લ્યુડમિલા શ્ક્રેબનેવા છે અને તેમને 2 દીકરીઓ મારિયા અને કેટેરીના પણ છે.વ્લાદિમીર પુતિનના દાદા સ્પિરિડોન પુતિન વ્લાદિમીર લેનિનએ જોસેફ સ્ટાલિનના રસોઈયા હતા.જ્યારે તેની માતા ફેક્ટરી વર્કર હતી અને તેના પિતા સોવિયેત નેવીમાં કાર્યરત હતા. તેમના પિતાએ 1930ના દાયકાની શરૂઆતમાં રશિયાના સબમરીન કાફલામાં સેવા આપી હતી અને તેમણે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં એનકેવીડીની બટાલિયનમાં પણ મહત્વની ભુમિકા ભજવી હતી.
વ્લાદિમીર પુતિને આ વાતને વાગોળતા એક વખત કહયુ હતુ કે, “હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવુ છુ. અને મેં એ સાદગી હંમેશા જાળવી રાખી છે.”બીજા વિશ્વયુદ્ધ પછી વ્લાદિમીર પુતિનનો પરિવાર બાસ્કોવ લેન ખાતે શિફ્ટ થયો હતો. તેમણે વર્ષ 1960-68માં લેનિનગ્રાડની પ્રાથમિક શાળા નંબર 193માં અભ્યાસ કર્યો હતો.
8મા ધોરણ બાદ તેમણે હાઈસ્કૂલ નંબર 281માં અભ્યાસ કર્યો હતો. 1975માં ગ્રેજયુએશન કર્યા બાદ તેમણે એક થીસીસ લખ્યો હતો જેનું નામ હતું ‘ધ મોસ્ટ ફેવર્ડ નેશન ટ્રેડિંગ પ્રિન્સિપલ ઇન ઇન્ટરનેશનલ લો’. ત્યારબાદ તેઓ ત્યાં સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા હતા.સમય જતાં તેઓ રશિયન બંધારણના સહ-લેખક બન્યા.
આ પણ વાંચો : રશિયન પ્રમુખ પુતિન કેવી રીતે વિતાવે છે દિવસ: આમલેટ અને 2 કલાક સ્વિમિંગથી દિવસની કરે છે શરૂઆત