
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ટ્રમ્પને ધમકી આપતા કહ્યું છે કે, જો અમેરિકી સેના ઈરાન પર કોઈપણ રીતે હુમલો કરશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રીથી સમગ્ર વિશ્વનું ધ્યાન મિડલ ઈસ્ટ તરફ ખેંચાયું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે, “ઈરાન દરેક શહીદનો બદલો લેશે.”
ટ્રમ્પની ધમકીઓનો ઉલ્લેખ કરતા ખામેનીએ કહ્યું કે, જે લોકો ઈરાનના ઇતિહાસને જાણે છે તેઓને ખબર છે કે ઈરાનીઓ ધમકીઓની ભાષાનો સારો જવાબ આપતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, ઈરાન પર જો શાંતિ કે યુદ્ધ થોપવામાં આવશે તો તે સ્વીકારશે નહીં.
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર ખામેનીએ કહ્યું કે, “અમેરિકાને ખબર હોવી જોઈએ કે, ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં. જો અમેરિકન સેના કોઈપણ પ્રકારનો હુમલો કરશે , તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.”
ખામેનીએ કહ્યું કે, ઇઝરાયલે મોટી ભૂલ કરી છે અને તેને ભૂલની સજા મળશે. તેમણે વધુમાં કહ્યું કે, “અમે શહીદોના લોહીને અને અમારા પ્રદેશ પર થયેલા હુમલાને ક્યારેય ભૂલીશું નહીં. અમેરિકાને ખબર હોવી જોઈએ કે, ઇરાન સરેન્ડર કરશે નહીં.” ઇરાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકા દ્વારા કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કરવામાં આવશે તો સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણ યુદ્ધ શરૂ થઈ શકે છે.
કેનેડામાં G7 સમિટમાંથી વોશિંગ્ટન પરત ફર્યા બાદ મંગળવારે (17 જૂન 2025) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઈરાન પરમાણુ હથિયાર રાખી શકે નહીં. ટ્રમ્પે કહ્યું, “ઈરાન પાસે સારા સ્કાય ટ્રેકર્સ અને બીજા રક્ષણાત્મક સાધનો હતા પરંતુ તેની તુલના અમેરિકામાં બનેલી ટેકનોલોજી સાથે કરી શકાય નહીં. અમેરિકાથી વધુ સારું કોઈ કરી શકે નહીં.”
મીડિયા રિપોર્ટસ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વગર શરતે સરેન્ડર કરવાનું કહ્યું હતું. ટ્રમ્પે કહ્યું, “અમેરિકા જાણે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયા છે. હાલ તો અમે હુમલો નહીં કરીએ પરંતુ અમારું ધૈર્ય ધીરે ધીરે સમાપ્ત થઈ રહ્યું છે.”