વૈશ્વિક મંચ પર ભારતની ધાક: Google-Microsoft સાથે ‘ટ્રસ્ટેડ ટેક એલાયન્સ’માં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની Jio!

મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં વિશ્વની 15 દિગ્ગજ ટેક કંપનીઓએ સુરક્ષિત ટેકનોલોજી માટે ‘ટ્રસ્ટેડ ટેક એલાયન્સ’ (TTA) ની જાહેરાત કરી છે. આ એલાયન્સમાં ભારતમાંથી એકમાત્ર રિલાયન્સ જીઓનો સમાવેશ થયો છે, જે હવે ગૂગલ અને એમેઝોન જેવી કંપનીઓ સાથે મળીને વૈશ્વિક AI અને 5G ના ધોરણો નક્કી કરશે.

વૈશ્વિક મંચ પર ભારતની ધાક: Google-Microsoft સાથે ટ્રસ્ટેડ ટેક એલાયન્સમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય કંપની બની Jio!
Image Credit source: AI
| Updated on: Feb 15, 2026 | 7:54 PM

રિલાયન્સ જીઓએ વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં વિશ્વની 15 દિગ્ગજ ટેક કંપનીઓ, જેમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોનનો સમાવેશ થાય છે, તેમણે સાથે મળીને ‘ટ્રસ્ટેડ ટેક એલાયન્સ’ (TTA) બનાવ્યું છે. ભારતમાંથી જીઓ આ એલાયન્સનું એકમાત્ર સભ્ય છે. તેનો લક્ષ્ય AI, 5G અને ક્લાઉડ ટેકનોલોજી માટે એવા સુરક્ષિત અને ભરોસાપાત્ર નિયમો બનાવવાનો છે, જેથી ડેટા ચોરીનો ખતરો ખતમ થાય અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીને પારદર્શક બનાવી શકાય.

આફ્રિકા, એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાની 15 મોટી કંપનીઓએ ‘ટ્રસ્ટેડ ટેક એલાયન્સ’ (TTA) ના ગઠનની જાહેરાત કરી છે. આ સમાન વિચારધારા ધરાવતી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓનું એક જૂથ છે, જે કનેક્ટિવિટી, ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેમિકન્ડક્ટર, સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એવી ટેકનિક બનાવવા માટે સાથે આવ્યા છે જેના પર વિશ્વ વિશ્વાસ કરી શકે અને જેને પારખી શકાય. આ એલાયન્સમાં ભારત તરફથી Jio Platforms સામેલ છે. જર્મનીમાં આયોજિત મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સ દરમિયાન આ એલાયન્સની જાહેરાત કરવામાં આવી હતી.

આ દિગ્ગજ કંપનીઓ છે એલાયન્સનો હિસ્સો

એલાયન્સના સ્થાપક સભ્યોમાં એમેઝોન વેબ સર્વિસીસ, માઈક્રોસોફ્ટ, ગૂગલ ક્લાઉડ, એરિક્સન, નોકિયા, SAP અને NTT જેવી કુલ 15 ગ્લોબલ ટેક કંપનીઓ સામેલ છે. એલાયન્સનું કહેવું છે કે આગળ જતાં વધુ કંપનીઓને આની સાથે જોડવામાં આવશે. આ સાથે જ, દેશ અને દુનિયાના સ્તરે પોતાની ટેકનિકને વધુ બહેતર બનાવવા, અન્ય કંપનીઓ સાથેની સ્પર્ધામાં ટકી રહેવા અને એક મજબૂત ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવા પર કામ ચાલુ રહેશે.

જીઓનો મોટો સંકલ્પ

લોન્ચિંગ પ્રસંગે જીઓ પ્લેટફોર્મ્સના સીઈઓ કિરણ થોમસે જણાવ્યું હતું કે, વિશ્વ સ્તરે ડિજિટલ વિકાસને ગતિ આપવા માટે ભરોસાપાત્ર, સુરક્ષિત અને પારદર્શક ટેકનોલોજી જરૂરી છે. જીઓ પ્લેટફોર્મ્સને ગર્વ છે કે તે ‘ટ્રસ્ટેડ ટેક એલાયન્સ’નો હિસ્સો બન્યું છે, જેથી ટેકનોલોજીની દુનિયામાં સાથે મળીને એવા નિયમો અને રીતો બનાવી શકાય જે સુરક્ષિત હોય અને જેના પર સૌ ભરોસો કરી શકે.

તેમણે આગળ જણાવ્યું કે, અમે આ પ્રયાસ દ્વારા વિશ્વભરના ભાગીદારો સાથે મળીને આગામી સમયની ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ક્લાઉડ અને AI સિસ્ટમને એટલી બહેતર બનાવવા માંગીએ છીએ કે લોકો લાંબા સમય સુધી તેમના પર વિશ્વાસ કરી શકે.

માઈક્રોસોફ્ટના વાઈસ ચેરમેન અને પ્રેસિડેન્ટ બ્રેડ સ્મિથે આ પ્રસંગે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક વાતાવરણમાં સમાન વિચારધારા ધરાવતી કંપનીઓનું સાથે આવવું જરૂરી છે, જેથી સીમાઓ પાર ટેકનિકમાં વિશ્વાસ અને ઉચ્ચ ધોરણો સ્થાપિત કરી શકાય.

તેમજ એરિક્સનના સીઈઓ બોર્યે એકોમે જણાવ્યું હતું કે કોઈ એક કંપની કે દેશ એકલા સુરક્ષિત અને ભરોસાપાત્ર ડિજિટલ માળખું બનાવી શકતો નથી, તેના માટે વૈશ્વિક સહયોગ અનિવાર્ય છે.

ગ્લોબલ મંચ પર ભારતનો દબદબો વધશે

આ એલાયન્સ હેઠળ સભ્ય કંપનીઓએ પાંચ મુખ્ય સિદ્ધાંતો પર સહમતિ દર્શાવી છે. જેમાં કંપનીઓ ચલાવવાની પ્રમાણિક રીતો, સુરક્ષાની સમયાંતરે તપાસ, વસ્તુઓ અને સેવાઓની સપ્લાયનું મજબૂત નેટવર્ક, એક એવી સિસ્ટમ જ્યાં સૌ સાથે મળીને કામ કરી શકે અને કાયદા મુજબ લોકોના ડેટાને સુરક્ષિત રાખવાનો સમાવેશ થાય છે. આ નિયમો દ્વારા કંપનીઓ એ સુનિશ્ચિત કરશે કે ટેકનોલોજી સુરક્ષિત, વિશ્વસનીય અને જવાબદારી સાથે સંચાલિત થાય, પછી ભલે તેનો વિકાસ કે ઉપયોગ ગમે ત્યાં થતો હોય.

નિષ્ણાતોનું માનવું છે કે જીઓની ભાગીદારીથી ભારતને વૈશ્વિક ડિજિટલ ધોરણોના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક મળશે. આનાથી દેશમાં ક્લાઉડ, 5G અને AI આધારિત સેવાઓને વૈશ્વિક સ્તરની વિશ્વસનીયતા મળી શકે છે અને ડેટા સુરક્ષાને લઈને ગ્રાહકોનો ભરોસો વધુ મજબૂત થશે.

પાકિસ્તાની આર્મી ચીફ મુલ્લા મુનીરને જર્મનીની સિક્યુરિટીએ બતાવી ઔકાત, વાંચવા માટે અહીં ક્લિક કરો