લગ્ન પહેલા જ એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની સામે ‘વિરોધ પ્રદર્શન’, જાણો શું છે સમગ્ર મામલો
આ દિવસોમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ તેમના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે. જો કે, આ ચર્ચાની વચ્ચે જેફ બેઝોસ લગ્નનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, આ વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે.

એમેઝોનના ફાઉન્ડર અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ આ દિવસોમાં તેમના લગ્નને કારણે ચર્ચામાં આવ્યા છે. જેફ અમેરિકન પત્રકાર લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ઇટલીના વેનિસ શહેરમાં યોજાનાર આ કાર્યક્રમમાં લગભગ 500 કરોડ રૂપિયા ખર્ચ થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જો કે, આ લગ્નનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કેમ થઈ રહ્યો છે ‘વિરોધ’?
ગ્રીનપીસ નામની એક આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંસ્થાએ જેફ બેઝોસ પર કરચોરીનો આરોપ લગાવ્યો છે અને તેમને ‘પોવર્ટી વેજીસ’ (ગરીબી વેતન) ચૂકવવાની માંગ કરી છે. આ સંસ્થાએ વેનિસમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે.
વિરોધ કરતી સંસ્થાએ એક બેનર બનાવ્યું છે જેના પર લખ્યું છે, જો તમે તમારા લગ્ન માટે વેનિસ ભાડે લઈ શકો છો તો તમે વધુ ટેક્સ ચૂકવી શકો છો. ગ્રીનપીસે ઇન્સ્ટાગ્રામ પર વિરોધનો એક વીડિયો પણ શેર કર્યો છે.
જેફ બેઝોસની મંગેતર લોરેન સાંચેઝ પણ વિરોધીઓના નિશાના પર છે. સાંચેઝે કહ્યું હતું કે, ક્લાયમેટ ચેન્જ સામે લડશે પરંતુ એપ્રિલમાં તે જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના રોકેટ પર અવકાશ યાત્રા માટે ગઈ હતી.
સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા
ગ્રીનપીસના પ્રદર્શનની સાથે વેનિસમાં વ્યાપક સ્થાનિક વિરોધ પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહે છે કે, આ હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટને કારણે વેનિસ બ્લોક કરવામાં આવ્યું છે.
અહેવાલ મુજબ, આગામી દિવસોમાં વેનિસ અને નજીકના એરપોર્ટ જેમ કે ટ્રેવિસો અને વેરોનામાં લગભગ 90 ખાનગી જેટ ઉતરવાની અપેક્ષા છે. બીજું કે, મહેમાનો માટે 30 વોટર ટેક્સીઓ પણ બુક કરવામાં આવી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, આ લગ્નમાં કુલ 40 થી 48 મિલિયન યુરો એટલે કે 472 કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે. ઇટાલિયન અખબાર કોરીએર ડેલા સેરા અને સમાચાર એજન્સી ‘ANSA’ના અહેવાલ મુજબ, જેફ 1 મિલિયન યુરો એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા CORILA નામની એક શૈક્ષણિક સંસ્થાને દાનમાં આપશે. જણાવી દઈએ કે, આ સંસ્થા વેનિસના તળાવોના ઇકોસિસ્ટમ પર રિસર્ચ કરે છે.