ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે, જેના લીધે યુદ્ધની શક્યતાઓ વધી છે. તાજેતરમાં ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. ઈરાનના આ હુમલા બાદ ઈઝરાયેલે આક્રમક વલણ અપનાવ્યું છે અને ધમકી આપી છે કે, ઈરાને મિસાઈલ છોડીને મોટી ભૂલ કરી છે. ઈરાનને આની કિંમત ચૂકવવી પડશે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે કોણ વધુ શક્તિશાળી છે ? કયા દેશની સેના વધુ મજબૂત છે અને કયા દેશ પાસે કેટલા હથિયાર છે ?
ઇઝરાયલ અને ઈરાન બંને મિડલ ઈસ્ટના મહત્વના દેશો છે અને તેમની સૈન્ય શક્તિઓની સરખામણી કરીએ તો તે દર્શાવે છે કે બંને દેશો પાસે આધુનિક શસ્ત્રો છે. તો સૌથી પહેલા વાત કરીએ બંને દેશોના સંરક્ષણ બજેટની તો, મીડિયા રિપોર્ટ અનુસાર, ઈરાન સંરક્ષણ બજેટના મામલામાં ઈઝરાયલથી પાછળ છે, પરંતુ એક્ટિવ સૈનિકોની સંખ્યાના મામલે ઈરાન ઈઝરાયેલ કરતા ઘણું આગળ છે.
ઈરાન પાસે મિસાઈલોનો વિશાળ કાફલો છે. ઇરાન પાસે બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો મોટો ભંડાર છે. ઇરાનના મિસાઇલ કાફલામાં શોર્ટ-રેન્જ, મિડ-રેન્જ અને ઇન્ટરમીડિયેટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલોનો સમાવેશ થાય છે. બેલિસ્ટિક મિસાઇલ 2,000 કિલોમીટરની રેન્જમાં માર કરવામાં સક્ષમ છે. ક્રુઝ મિસાઈલ અને એન્ટીશિપ મિસાઈલનો પણ સમાવેશ થાય છે.
ઇરાન પાસે ભલે બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો મોટો ભંડાર છે, પરંતુ હવાઈ હુમલામાં ઈઝરાયેલની સ્થિતિ મજબૂત છે. આ બાબતમાં ઈઝરાયેલ ઈરાન કરતા આગળ છે. ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ ડેટા દર્શાવે છે કે ઈઝરાયેલ પાસે કુલ 612 ફાઈટર એરક્રાફ્ટ છે. તો ઈરાન પાસે 551 ફાઈટર એરક્રાફ્ટ છે. ઇઝરાયેલની વાયુસેનામાં એફ-15, એફ-16 અને એફ-355 જેવા આધુનિક ફાઇટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ઈરાનના ફાઈટર પ્લેન એટલા આધુનિક નથી.
જો આપણે જમીન પર યુદ્ધ માટે તાકાતની વાત કરીએ તો આ મામલે પણ ઈરાન આગળ છે. ઈઝરાયેલ પાસે ટેન્કની સંખ્યા 2200 છે, જ્યારે ઈરાન પાસે 4071 ટેન્ક છે. જો કે, આ પૈકી ઇઝરાયેલ પાસે મેરકાવા જેવી આધુનિક ટેન્કો છે. જો આપણે નેવીની વાત કરીએ તો, આ બંને દેશો આ મામલે બહુ મજબૂત સ્થિતિમાં નથી. ઈઝરાયેલ કે ઈરાન નૌકાદળની દૃષ્ટિએ બહુ મજબૂત નથી. જો કે, ઈરાન પાસે નાની બોટ છે અને તેના દ્વારા પણ મોટા હુમલા થઈ શકે છે. ગ્લોબલ ફાયરપાવર મુજબ ઈરાનના કાફલામાં આવી બોટની સંખ્યા 67 છે અને સબમરીનની સંખ્યા 19 છે. ઇઝરાયેલ પાસે આવી 101 બોટ અને 5 સબમરીન છે.
જો આપણે યુદ્ધની વાત કરી રહ્યા છીએ તો પરમાણુ ક્ષમતામાં કોણ આગળ છે, તેનો પણ ઉલ્લેખ થવો જોઈએ. પરમાણુ શક્તિ મામલે ઈઝરાયેલ આગળ છે. ઈઝરાયેલ પાસે લગભગ 80 પરમાણુ હથિયારો છે. તેમાંથી એકલા ગ્રેવિટી બોમ્બની સંખ્યા 30 છે. તો ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવાનો દાવો કરવામાં આવે છે. જો કે, ઈરાને ક્યારેય તેનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નથી કે તેની પુષ્ટિ પણ થઈ નથી.
ઈરાનનું લશ્કરી માળખું તેની એક મોટી શક્તિ છે. આ સૈન્ય માળખાને કારણે ઈરાનના હરીફ દેશો અમેરિકા અને ઈઝરાયેલ તેના પર સીધો હુમલો કરવાની હિંમત નથી કરતા. ઈરાન પશ્ચિમ એશિયામાં પ્રોક્સી મિલિશિયાના મોટા નેટવર્કને શસ્ત્રો પૂરા પાડે છે. તેમને તાલીમ અને ભંડોળ પૂરું પાડે છે. આ પ્રોક્સી મિલિશિયાઓમાં લેબનોનના હિઝબોલ્લાહ, યમનના હુતી, સીરિયા અને ઇરાકના મિલિશિયા જૂથો તેમજ ગાઝામાં હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદનો સમાવેશ થાય છે.
જો કે, તેઓ સામાન્ય રીતે ઈરાનના સશસ્ત્ર દળોનો ભાગ માનવામાં આવતા નથી. પરંતુ તેઓ ઈરાન વતી યુદ્ધ માટે હંમેશા તૈયાર રહે છે. તે ઈરાન પ્રત્યે પણ ખૂબ વફાદાર છે. જો જરૂરી હોય તો તે બધા એકસાથે ઈરાનની મદદ કરી શકે છે. આ ધમકીને જોઈને ઈઝરાયેલે પહેલા ગાઝા પટ્ટી પર હુમલો કર્યો અને 11 મહિના સુધી કોઈની તરફ ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે હિઝબુલ્લાહને ખતમ કરવાની યોજના બનાવી હતી. તેના વડાને પણ ખતમ કર્યા પછી, જ્યારે ઈરાને જવાબી કાર્યવાહી કરી ત્યારે તેણે યમનના હુતી બળવાખોરો પર તેની પકડ મજબૂત કરવાનું શરૂ કર્યું હતું.
ઇઝરાયલના સૈન્ય દળોની વાત કરીએ તો તેમાં સેના, નેવી અને અર્ધલશ્કરી દળોમાં કુલ 1.70 લાખ સૈનિકો છે. જો કે, ઈઝરાયેલ પોતાના નાગરિકોને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રાખે છે. ત્યાં દરેક નાગરિકે ફરજીયાતપણે સેનામાં ફરજ બજાવવી પડે છે. તેથી ઇઝરાયલના રિઝર્વ સૈનિકોની સંખ્યા 4,65,000 છે અને 8,000 સૈનિકો અર્ધલશ્કરી દળોમાં અનામતમાં છે. ઇઝરાયેલમાં દરેક સામાન્ય માણસ જરૂર પડ્યે હથિયાર ઉઠાવી શકે છે.
ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ તો, તેની પાસે એક ખાસ પ્રકારની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ છે. આ સિસ્ટમ ટૂંકા અંતરની મિસાઇલો અને રોકેટને ટ્રેક કરવા અને અટકાવવા માટે બનાવવામાં આવી છે. આયર્ન ડોમ સિસ્ટમ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા હુમલાઓને રોકવામાં સક્ષમ છે. તે લગભગ 90 ટકા મિસાઈલોને રોકવામાં સફળ છે. આ ઉપરાંત 2017 માં એક્ટિવ કરવામાં આવેલી ડેવિડ્સ સ્લિંગ સિસ્ટમ મધ્યમ અંતરની મિસાઈલોને નષ્ટ કરવામાં સક્ષમ છે. ખાસ કરીને આ સિસ્ટમ આયર્ન ડોમની રેન્જની બહારની મિસાઈલોને રોકવામાં સક્ષમ છે. આ સિસ્ટમની ઉપયોગિતા ઇઝરાયેલની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે.
ઇઝરાયેલની એરો સિસ્ટમ, જે એરો 2 અને એરો 3 તરીકે બે મુખ્ય એડિશનમાં છે, તે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઈલોનો નાશ કરવા માટે બનાવામાં આવેલ છે. એરો 3 ખાસ કરીને ઉપગ્રહો અને બેલિસ્ટિક મિસાઇલો માટે વિકસાવવામાં આવી છે અને તેનો હેતુ અવકાશમાં પણ મિસાઇલોને અટકાવવાનો છે. આ સિસ્ટમ ઈઝરાયેલને ખૂબ જ સુરક્ષિત બનાવે છે.
ઈરાનની ડિફેન્સ સિસ્ટમ બાવર-373, S-300, ખોરદાદ-15નો સમાવેશ થાય છે. બાવર-373 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે. તેને S-300ની સમાંતર વિકસાવવામાં આવી છે. સિસ્ટમ 200 કિમી સુધીની રેન્જમાં ટાર્ગેટને હિટ કરી શકે છે અને 27 કિમી સુધીની ઉંચાઈ સુધી ટાર્ગેટ કરી શકે છે. S-300 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ઈરાને રશિયા પાસેથી ખરીદી છે. આ સિસ્ટમ ઉંચાઈ પર ઉડતા એરક્રાફ્ટ અને મિસાઈલને નષ્ટ કરવામાં સક્ષમ છે.
આ ઉપરાંત ઈરાન પાસે ખોરદાદ-15 નામની બીજી ખૂબ જ ઉપયોગી ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ છે. તે 150 કિમી સુધીના અંતરે ટાર્ગેટને ઓળખી શકે છે અને 120 કિમી સુધીના અંતરે નિશાન બનાવી શકે છે. ઈરાનની નૌકાદળ પણ વિવિધ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. જેમાં કોસ્ટલ ડિફેન્સ મિસાઈલ અને દરિયાઈ રડારનો સમાવેશ થાય છે.
ઈઝરાયેલ સાયબર યુદ્ધ અને સંરક્ષણ ક્ષેત્રે પણ અગ્રેસર છે. તેની પાસે અદ્યતન સાયબર સુરક્ષા ક્ષમતા છે અને તે સાયબર હુમલાઓનો અસરકારક રીતે સામનો કરી શકે છે. ઇઝરાયલ સાયબર યુદ્ધ અને સાયબર ડિફેન્સ બંને ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. તેની તાલીમ, ટેક સ્ટાર્ટઅપ્સ, અદ્યતન ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય સંયોજનોની મદદથી, ઇઝરાયલએ પોતાની આત્મરક્ષા, આંતરરાષ્ટ્રીય ગૂપ્તચર સેવા અને આક્રમણ માટે મજબૂત સક્ષમતા વિકસાવી છે. ઈરાન પણ સાયબર યુદ્ધમાં એક્ટિવ છે, પરંતુ ઈઝરાયેલની સરખામણીમાં તેની ક્ષમતાઓ મર્યાદિત છે.