ઈરાને ઈઝરાયલ પર અંધાધૂંધ મિસાઈલો છોડી હતી. ઈરાનના આ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ એક્શન મોડમાં આવ્યા છે. નેતન્યાહુએ કહ્યું, ઈરાને મોટી ભૂલ કરી છે. ઈરાનના જોરદાર હુમલા બાદ ઈઝરાયેલ તરત જ એક્ટિવ મોડમાં આવી ગયું. જેરુસલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક યોજાઈ હતી.
આ મીટિંગમાં પીએમ નેતન્યાહૂએ કહ્યું કે, ઈરાનનો ઈઝરાયેલ પર હુમલો સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો. વાસ્તવમાં ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીના કારણે ઈરાનની મિસાઈલ હવામાં જ નાશ પામી હતી અને આ હુમલાથી ઈઝરાયેલને વધારે નુકસાન થયું નથી. આનો ઉલ્લેખ કરતાં નેતન્યાહૂએ કહ્યું કે, હું ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમનો આભાર માનવા માંગુ છું, જે વિશ્વમાં સૌથી આધુનિક છે. પીએમએ અમેરિકાના સમર્થન માટે આભાર પણ માન્યો.
નેતન્યાહુએ કહ્યું કે, ઈરાનનું શાસન આપણા દુશ્મનો સામે બદલો લેવાના મજબૂત સંકલ્પને સમજી શકતું નથી. નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, (હમાસના નેતા યાહ્યા) સિનવર અને (હમાસના લશ્કરી કમાન્ડર મોહમ્મદ) ડેઈફ આ વાત સમજી શક્યા નથી, હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ અને હિઝબુલ્લાના ચીફ ઓફ સ્ટાફ ફુઆદ શુકર આ વાત સમજી શક્યા નથી અને કદાચ તેહરાનમાં પણ એવા લોકો છે જે આ સમજતા નથી. ઈરાનને ધમકી આપતા નેતન્યાહુએ કહ્યું કે, ઈરાન સમજી જશે કે જે કોઈ અમારા પર હુમલો કરશે, અમે તેના પર હુમલો કરીશું.
નેતન્યાહુએ બાકીના વિશ્વને તેહરાન સામે એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અન્ય દેશોએ ઈઝરાયેલની સાથે ઉભા રહેવું જોઈએ. નેતન્યાહુએ ગાઝા, વેસ્ટ બેંક, લેબનોન, યમન, સીરિયા અને ઈરાનને દુષ્ટતાની ધરી ગણાવી હતી. આનો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં કહ્યું કે, ઈઝરાયેલ આગળ વધી રહ્યું છે અને એવિલની ધરી દૂર થઈ રહી છે. અમે આને ચાલુ રાખવા, યુદ્ધના તમામ ધ્યેયો હાંસલ કરવા, અમારા તમામ બંધકોને પરત મેળવવા અને અમારુ અસ્તિત્વ અને ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે શક્ય બધું કરીશું.
ઈરાને ઈઝરાયેલ પર 200 બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને ઈઝરાયેલના ત્રણ સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાન તરફથી ઈઝરાયેલ પર હુમલાની શરૂઆત પૂર્વે મંગળવારે જાફા સ્ટેશનથી થઈ હતી, જ્યાં પહેલા બે આતંકવાદીઓએ ઈઝરાયેલના નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા. આ આતંકવાદી હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ છોડવાનું શરૂ કર્યું, ત્યારબાદ ઈઝરાયેલ સક્રિય થઈ ગયું અને નાગરિકોને બંકરમાં જવાની સૂચના આપવામાં આવી. જો કે ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનના આ હુમલાથી તેને કોઈ નુકશાન થયું નથી.