
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તાજેતરના નિવેદને ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પે તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઈરાનમાં સત્તા પરિવર્તનના સંકેતો આપ્યા છે.
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, “આજે રાત્રે એક આખી સભ્યતા ખતમ થઈ શકે છે, જે ફરી ક્યારેય પાછી નહીં આવે.” તેમણે એમ પણ ઉમેર્યું કે, તેઓ આવું ઈચ્છતા નથી પરંતુ સંજોગો આવા બની રહ્યા હોય તેવું દેખાય છે.
પોતાના નિવેદનમાં ટ્રમ્પે ‘કમ્પ્લીટ અને ટોટલ રેજીમ ચેન્જ’ એટલે કે પૂર્ણ શાસન પરિવર્તનની વાત પણ કરી છે. તેમણે સંકેત આપ્યો કે, જો ઈરાનમાં નવું નેતૃત્વ આવે, જે વધુ સમજદાર અને ઓછું કટ્ટરપંથી હોય, તો ભવિષ્યમાં સકારાત્મક ફેરફારો શક્ય બની શકે છે.
ટ્રમ્પે આ ઘટનાને વિશ્વના ઈતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક ગણાવી અને કહ્યું કે, “આજે રાત્રે આપણને ખબર પડશે કે, આગળ શું થાય છે.” તેમણે દાવો કર્યો કે, 47 વર્ષથી ચાલી રહેલા “ભ્રષ્ટાચાર, ઉત્પીડન અને મૃત્યુ” ના યુગનો અંત આવી શકે છે.
આ પ્રકારના નિવેદનો પશ્ચિમ એશિયામાં પહેલેથી જ ચાલી રહેલા તણાવને વધુ વધારી શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આ ક્ષેત્રમાં જીઓ-પોલિટિકલ સ્થિતિ અત્યંત સંવેદનશીલ બનેલી છે અને કોઈ પણ મોટી ઘટનાની વૈશ્વિક અસર પડી શકે છે.
Published On - 7:01 pm, Tue, 7 April 26