આર્થિક રીતે પડી ભાંગેલું પાકિસ્તાન એક તરફ કટોરો લઈને ભીખ માંગી રહ્યું છે, તો બીજી તરફ આધુનિક ફાઈટર એરક્રાફ્ટ સહિત લેટેસ્ટ હથિયારોની ખરીદી માટે મોટા ઓર્ડર આપી રહ્યું છે. ત્યારે સ્વીડિશ કંપની SAABએ પાકિસ્તાનને ઓર્ડર કરેલ સાબ 2000 એરીજ એરબોર્ન અર્લી વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમનું આખરી એરક્રાફ્ટ સોંપ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે આ AWACS શું છે અને ભારત પાસે આ પ્રકારના કેટલા એરક્રાફ્ટ છે.
પાકિસ્તાને ઓર્ડર કરેલ સાબ 2000 એરીજ એરક્રાફ્ટમાંથી છેલ્લું એરક્રાફ્ટ 2 જુલાઈ, 2024ના રોજ મિન્હાસ એર બેઝ પર પાકિસ્તાનને પહોંચાડવામાં આવ્યું હતું. આ ડિલિવરી સાથે પાકિસ્તાન એરફોર્સ પાસે હવે આ પ્રકારના 9 એરક્રાફ્ટ છે, જે ભારત સાથેની સરહદ પર પેટ્રોલિંગમાં સક્રિયપણે સામેલ છે. અંતિમ વિતરિત એરક્રાફ્ટને 3જી એરબોર્ન અર્લી વોર્નિંગ સ્ક્વોડ્રનમાં તૈનાત કરવામાં આવશે, જે યુનિટને એરબેઝ પર તૈનાત લડાયક વિમાન સાથે સંકલન કરવામાં પણ મદદ કરશે.
મિન્હાસ એરબેઝ જમ્મુ કાશ્મીરથી એકદમ નજીક છે, ત્યારે ભારત બોર્ડર પર વધી રહેલી પાકિસ્તાનની ગતિવિધિઓ ભારત સાથેના યુદ્ધની તૈયારીઓ દર્શાવી રહી છે. આ ઉપરાંત પાકિસ્તાની પાયલટોએ ચીનની પાંચમી પેઢીના જે-31 ફાઈટર પ્લેન પર ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. નવા એરક્રાફ્ટ સંભવિતપણે પાકિસ્તાનની વાયુસેનાની ક્ષમતામાં વધારો કરશે.
પાકિસ્તાને AWACS એરક્રાફ્ટ ત્રણ ઓર્ડરમાં ખરીદ્યા છે. પાકિસ્તાને 2006માં 6 AWACS માટે 1.15 બિલિયન US ડોલરના મૂલ્યના તેના પ્રથમ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ બાદમાં પાકિસ્તાને આર્થિક મુશ્કેલીઓને કારણે એરક્રાફ્ટની સંખ્યા 6થી ઘટાડીને 4 કરી દીધી હતી. 2012માં મિન્હાસ એરબેઝ પર આતંકવાદી હુમલામાં 4માંથી 3 પાકિસ્તાની સૈન્ય વિમાનો નષ્ટ થયા હતા અને બાકીના બેને મોટું નુકસાન થયું હતું. પાકિસ્તાને બાદમાં ક્ષતિગ્રસ્ત વિમાનને આંતરિક રીતે પુનઃસ્થાપિત કર્યા. તેનો ઉપયોગ 27 ફેબ્રુઆરી, 2019ના રોજ પાકિસ્તાન દ્વારા ભારત સામે પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. 2017 અને 2020માં પાકિસ્તાને ત્રણ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. આ સાથે હાલ તેમની પાસે કુલ 9 AWACS એરક્રાફ્ટ છે. પાકિસ્તાને સ્વીડન પાસેથી આ તમામ AWACS એરક્રાફ્ટ ખરીદ્યા છે.
ભારતીય વાયુસેના (IAF) પાસે કુલ પાંચ AWACS એરક્રાફ્ટ છે. તેમાંથી ત્રણ રશિયન IL-76 ફાલ્કન AWACS અને બે એમ્બ્રેર NETRA એરક્રાફ્ટ છે. આ મામલે પાકિસ્તાની વાયુસેનાનો કાફલો ભારતીય વાયુસેના કરતા મોટો થઈ ગયો છે. પાક વાયુસેના પાસે ચાઈનીઝ ZDK03 કારાકોરમ ઈગલ AWACS પણ છે. તો ભારતે પણ DRDO પાસે બીજા 6 NETRAની માંગણી કરી છે. ભારત આ સિસ્ટમ મામલે પાછળ હોવાનું કારણ આત્મનિર્ભરતા છે. ભારત પોતે AWACS એરક્રાફ્ટ બનાવે છે, જે DRDO દ્વારા બનાવવામાં આવે છે.
AWACS એરક્રાફ્ટ હવામાં લડાયક વિમાન માટે કમાન્ડ અને કંટ્રોલ તરીકે કામ કરે છે. આ એરક્રાફ્ટ હવામાં થઈ રહેલી ગતિવિધિઓ એકત્રિત કરે છે અને જમીન સ્તરે કમાન્ડ સેન્ટરને માહિતી પ્રદાન કરે છે. તેની બીજી વિશેષતા મૂવિંગ સર્વેલન્સ પ્લેટફોર્મ છે, જેના કારણે દુશ્મનની એન્ટિ-રેડિયેશન મિસાઈલ તેને પકડી શકતી નથી. AWACS એરક્રાફ્ટની લાંબી રેન્જ અને ડિટેક્શન ક્ષમતા તેને 360 ડિગ્રી વ્યૂ આપે છે. આ રીતે તે એક સાથે અનેક એરક્રાફ્ટને ટ્રેક કરી શકે છે અને તેમની લાઈવ એક્ટિવિટી એરફોર્સને મોકલી શકે છે.
AWACS સિસ્ટમ લાંબા અંતરની રડારથી સજ્જ છે, જે દુશ્મનના પ્રદેશની અંદરની માહિતી એકઠી કરે છે. તે દુશ્મનની દરેક હવાઈ ગતિવિધિ વિશે અગાઉથી માહિતી આપીને યુદ્ધ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. AWACS પૃથ્વી પરની રડારમાં ના દેખાતી તમામ ગતિવિધિઓ શોધી કાઢે છે. તે દુશ્મનની એરસ્પેસ પર પણ નજર રાખી શકે છે.
AWACS એરક્રાફ્ટ આકાશમાં ઊંચાઈએ ઉડતાં હોવાથી તે જમીન પર સ્થાપિત રડારની સરખામણીએ વિશાળ વિસ્તારને કવર કરી શકે છે. તે હવા અને જમીન પરના લક્ષ્યોનું નિરીક્ષણ કરી શકે છે અને હવાઈ ખતરાઓને જલદી ઓળખી શકે છે. AWACS સિસ્ટમ એરક્રાફ્ટ અને મિસાઇલ યુદ્ધ દરમિયાન હવાઈ યુદ્ધવિમાનો, ડ્રોન અને જમીન આધારિત સિસ્ટમ વચ્ચે સમન્વય પૂરું પાડે છે. તે વિમાનોને માર્ગદર્શિત કરી શકે છે અને મિશન ટાર્ગેટ માટે યોગ્ય માહિતી આપી શકે છે.
આ સિસ્ટમ શત્રુના હવાઈ હુમલા પહેલા ચેતવણી આપે છે, જેનો અર્થ છે કે દુશ્મનના વિમાનો, મિસાઇલો અથવા ડ્રોન હુમલા પહેલાં જ ઓળખી શકાય છે. તેથી સુરક્ષાની દષ્ટિએ તૈયાર થવામાં પુરતો સમય મળે છે. AWACS યુદ્ધની સ્થિતિની સંપૂર્ણ સમજ આપે છે, જેના કારણે મેનેજમેન્ટ ટીમો વિવિધ યુદ્ધ ધોરણો અને વિમાનોના પાયલોટોને યોગ્ય માહિતી આપી શકે છે. તે જંગના મેદાનમાં વધુ સારી રીતે નિર્ણય લેવાની શક્તિ આપે છે. AWACS સિસ્ટમ વાયુસેનાને હવાઈ સંરક્ષણ માટે ઉત્તમ કાર્યક્ષમતા આપે છે અને કોઈપણ દેશની સુરક્ષાને મજબૂત બનાવે છે.
1947માં ભારતના વિભાજન બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે. ત્યારથી બંને દેશો વચ્ચે લગભગ 4 યુદ્ધ થયા છે, પાકિસ્તાનની ભારત બોર્ડર પરની વધતી ગતિવિધિઓ વધુ એક યુદ્ધની તૈયારીઓ દર્શાવી રહી છે. ત્યારે જાણી લઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે ક્યારે આમને સામને આવ્યા છે.
ભારત અને પાકિસ્તાન વર્ષ 1947માં સ્વતંત્ર થયા. પરંતુ આઝાદીના થોડા જ દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું. આ યુદ્ધનું કારણ કાશ્મીર હતું. તેથી તેને પ્રથમ કાશ્મીર યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓક્ટોબર 1948માં શરૂ થયું હતું. કાશ્મીનર ઉપર પોતાનો કબ્જો જમાવવાના ઈરાદાથી પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું હતું. જો કે પાકિસ્તાનનો આ નાપાક ઈરાદો સફળ ના થયો. ત્યાર બાદ 22 એપ્રિલ, 1948ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેના પછી બંને દેશોની વર્તમાન સ્થિતિ કાયમી કરવામાં આવી. તેને લાઇન ઓફ કંટ્રોલ LoC કહેવામાં આવે છે.
ઓગસ્ટ 1965માં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર હુમલો કર્યો હતો. આ વખતે પણ ઉદ્દેશ્ય કાશ્મીર પર કબજો મેળવવાનો હતો. તેના જવાબમાં ભારતે પશ્ચિમ પાકિસ્તાન પર મોટા પાયે લશ્કરી હુમલા કર્યા. આ યુદ્ધ 17 દિવસ સુધી ચાલ્યું. તત્કાલિન સોવિયેત સંઘ અને યુનાઇટેડ સ્ટેટ્સના હસ્તક્ષેપ પછી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યું.
આ યુદ્ધમાં ભારતીય સેનાએ હાજી પીર અને થિથવાલ સહિત પાકિસ્તાનના ઘણા વિસ્તારો કબજે કર્યા હતા. પરંતુ 1966માં તત્કાલિન ભારતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જનરલ અયુબ ખાન વચ્ચે રશિયાના તાશ્કંદમાં એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. કરાર હેઠળ ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારો પરત કર્યા. આ માટે ભારતમાં લાલ બહાદુર શાસ્ત્રીની ઘણી ટીકા થઈ હતી. તાશ્કંદમાં જ 11 જાન્યુઆરી 1966ના રોજ લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું.
1965ના યુદ્ધ પછી પાકિસ્તાન થોડા વર્ષો સુધી શાંત રહ્યું. પરંતુ 1970ના દાયકામાં પૂર્વ પાકિસ્તાનમાં પરિસ્થિતિ ઝડપથી બદલાવા લાગી. ત્યાંના લોકો પોતાને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરવા લાગ્યા. પૂર્વ પાકિસ્તાનમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પાકિસ્તાને પોતાની સેના ત્યાં ઉતારી. પાકિસ્તાની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં લોકો પર નિર્દયતાથી અત્યાચાર કર્યો. આ સમગ્ર પરિસ્થિતિ પર ભારત અત્યાર સુધી મૌન હતું. પરંતુ 3 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સેનાએ ભારત પર હવાઈ હુમલો કર્યો.
ભારતે આ હુમલાનો એવી રીતે જવાબ આપ્યો કે યુદ્ધ 13 દિવસમાં સમાપ્ત થઈ ગયું. એટલું જ નહીં પાકિસ્તાનના બે ટુકડા પણ થઈ ગયા અને આનાથી એક નવો દેશ બાંગ્લાદેશ બન્યો. પાકિસ્તાની સેનાની કમાન્ડિંગ જનરલ નિયાઝી ઘૂંટણિયે પડ્યા. જનરલ નિયાઝીએ 93 હજારથી વધુ સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું.
1971ના યુદ્ધમાં હાર્યા બાદ પાકિસ્તાને 1999માં ફરી જમ્મુ-કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેના અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય વિસ્તારો પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતને મે 1999 સુધી પાકિસ્તાની સેનાની આ કાર્યવાહીની જાણ થઈ ન હતી. પછી એક દિવસ જ્યારે કેટલાક ભરવાડો ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે કેટલાક સશસ્ત્ર લોકોએ ભારતીય ચોકીઓ પર કબજો કરી લીધો છે.
આ યુદ્ધ 8 મે 1999 ના રોજ શરૂ થયું અને ભારતે ઓપરેશન વિજય શરૂ કર્યું. ભારતીય સેના અને વાયુસેનાએ પાકિસ્તાનના કબજા હેઠળની જગ્યાઓ પર હુમલો કર્યો. ભારતીય સેનાએ 26 જુલાઈ 1999ના રોજ કારગીલમાં પાકિસ્તાની સૈનિકોને ભગાડીને ત્રિરંગો ફરકાવ્યો હતો.
આ પણ વાંચો પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની શૌર્યગાથા