ઈમરાનખાને જેલમાં બેઠા બેઠા શાહબાઝ શરીફની સરકારને હચમચાવી નાખી

પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 39 વિજેતા સાંસદોને તેમની પાર્ટીના વિજેતા ઉમેદવારો તરીકે સ્વીકાર્યા છે.

ઈમરાનખાને જેલમાં બેઠા બેઠા શાહબાઝ શરીફની સરકારને હચમચાવી નાખી
Shahbaz Sharif, Imran Khan
| Edited By: | Updated on: Jul 26, 2024 | 2:10 PM

પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની શાહબાઝ સરકારને મોટો ઝટકો આપ્યો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના 39 વિજેતા સાંસદોને પીટીઆઈના ટુંકા નામે ઓળખાતા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના વિજેતા ઉમેદવારો તરીકે સ્વીકાર્યા છે. 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, પીટીઆઈ એક કાયદેસર રાજકીય પક્ષ છે અને સ્વતંત્ર રીતે લડીને જીતેલા સાંસદો તેમાં જોડાઈ શકે છે. 39 સાંસદોને પાર્ટીના સાંસદ ગણવામાં આવ્યા બાદ પાક ગૃહમાં પીટીઆઈની તાકાત વધશે. ચૂંટણી પહેલા ચૂંટણી પંચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને વિખેરી નાખી હતી અને તેનું ચૂંટણી ચિન્હ ક્રિકેટ બેટ પણ છીનવી લીધું હતું. જેના કારણે પીટીઆઈ પક્ષના ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી પડી હતી. હવે બાકીના 41 અપક્ષ સાંસદોએ 15 દિવસમાં કમિશનને નોટરી કરવી પડશે કે તેઓ પીટીઆઈ માટે ચૂંટણી લડ્યા હતા કે અપક્ષ માટે ચૂંટણી લડ્યા છે.

પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ જીતનો ઝંડો ફરકાવ્યો

8 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં, ઇમરાન ખાન દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી હતી. PTI સમર્થિત ઉમેદવારોએ ગૃહમાં મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો મેળવવા માટે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) માં જોડાવાનું નક્કી કર્યું, પરંતુ ચૂંટણી પંચે SICને અનામત બેઠકો આપવાનો ઇનકાર કર્યો, કારણ કે તેની પાસે પોતાની કોઈ બેઠકો ન હતી.

પાકિસ્તાનના સંસદ ગૃહમાં સરકાર બનાવવા માટે 169 બેઠકો જરૂરી છે. ગૃહમાં કુલ 266 બેઠકો છે અને 70 મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકો છે. આ અનામત બેઠકો મેળવવા માટે એક કાયદેસર રાજકીય પક્ષ હોવો જરૂરી છે.

કોની પાસે કેટલી સીટો ?

પાકિસ્તાનની ચૂંટણીઓમાં, પીટીઆઈ તરફી અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ 93 બેઠકો જીતી હતી, ત્યારબાદ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન જેણે 75 બેઠકો જીતી હતી અને ભુટ્ટોની પીપીપીએ 54 બેઠકો જીતી હતી. જે બાદ પીએમએલ-એન, પીપીપી અને કેટલીક નાની પાર્ટીઓએ સાથે ભેગા મળીને સરકાર બનાવી હતી.

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ચૂંટણી પંચ દ્વારા 39 સાંસદોને માન્યતા આપવાના કારણે ગૃહના સભ્યોનું ગણિત ખોરવાઈ જવા પામ્યું છે. હાલમાં જ પીટીઆઈ પાર્ટીના પ્રમુખ અયુબ ખાને કહ્યું હતું કે, ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને દેશમાં નવી ચૂંટણી માટેની તૈયારી કરવા કહ્યું છે.