
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યાના અહેવાલો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો સૌથી અસરકારક માર્ગ છે. શાંતિ માટેની વાટાઘાટોને નબળી પાડતી કોઈપણ કાર્યવાહીને હાલ ટાળવી જોઈએ. પીએમ મોદીએ તમામ પક્ષકારોને સંયમ રાખવાની અપીલ કરી હતી.
આજે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા, વડા પ્રધાન મોદીએ લખી જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે સંવાદ અને વાટાઘાટો સૌથી વ્યવહારુ અને ટકાઉ માર્ગ છે. તેમણે તમામ પક્ષકારોને સંયમ રાખવા અને શાંતિ પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.
Deeply concerned by reports of the targeting of the residence of the President of the Russian Federation. Ongoing diplomatic efforts offer the most viable path toward ending hostilities and achieving peace. We urge all concerned to remain focused on these efforts and to avoid any…
— Narendra Modi (@narendramodi) December 30, 2025
વડા પ્રધાને તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાનને નિશાન બનાવવામાં આવ્યાના અહેવાલોથી તેઓ ખૂબ જ ચિંતિત છે. દુશ્મનાવટનો અંત લાવવા અને શાંતિ સ્થાપિત કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ રાજદ્વારી પ્રયાસો છે. તેમણે તમામ સંબંધિત પક્ષકારોને આ શાંતિ માટેના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેમને નબળા પાડી શકે કે અવરોધ સર્જી શકે તેવા કોઈપણ પગલાં ટાળવા જોઈએ.
વડાપ્રધાન મોદીનું નિવેદન એવા સમયે આવ્યું છે, રે રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે યુક્રેન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના મતે, યુક્રેને 28-29 ડિસેમ્બરની રાત્રે રશિયાના નોવગોરોડ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ પુતિનના સત્તાવાર નિવાસસ્થાન પર ડ્રોન હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લવરોવે જણાવ્યું હતું કે,આ કથિત હુમલામાં લાંબા અંતરના 91 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા સમયસર નષ્ટ કરવામાં આવ્યા હતા. રશિયાના મતે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવાની કેનુકસાન થયાની પુષ્ટિના અહેવાલ નથી. જોકે, રશિયાએ એ પણ સંકેત આપ્યો છે કે તે આ ડ્રોન હુમલાનો વળતો જવાબ આપશે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રાજદ્વારી પ્રયાસો તીવ્ર બની રહ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની સારી અને ખૂબ જ સકારાત્મક વાતચીત ફોન ઉપર થઈ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો નિવાસસ્થાને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન શાંતિ યોજના વિશે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ હતી.
દેશ વિદેશના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:03 pm, Tue, 30 December 25