
ભારતે રશિયા અને ચીન સાથે આર્થિક સહિતના સંબંધો વધાવતા અમેરિકાને આર્થિક જોખમ જોખમાયુ હોવાનું લાગી રહ્યું છે. યેન કેન પ્રકારે ભારતને નમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવ છતા, ભારતે અમેરિકા સામે સહેજે પણ નમતુ જોખ્યું નથી. આથી હવે ભારતનું નાક દબાવવા ડોનાલ્ડ ટ્ર્મ્પ નવી યુક્તિ અમલમાં લાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ એવા ગુજરાતમાં દેશના અન્ય પ્રદેશ કરતા સૌથી વધુ દવાનું ઉત્પાદન થાય છે. આથી ટ્રમ્પ દવા ઉપર 200 ટકા કે તેથી વઘુ ટેરિફ લાદીને ભારતને આર્થિક રીતે મુશ્કેલ સ્થિતિમાં મુકવા ઈચ્છે છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આયાતી દવાઓ પર 200 % કે તેથી વધુ ટેરિફ લાદવાની યોજના ધરાવે છે. તેમનો ઉદ્દેશ્ય અમેરિકાનથી વિદેશમાં જતા રહેલા દવા ઉત્પાદન ક્ષેત્રને પાછુ યુએસએમાં લાવવાનો છે. જો કે, તેમણે કંપનીઓને તૈયારી માટે સમય આપવા માટે આ ટેરિફના અમલીકરણમાં લગભગ એક થી દોઢ વર્ષનો વિલંબ કરવાની પણ વાત કરી છે.
આર્થિક સમાચારપત્રના અહેવાલ અનુસાર, ભારત જેનરિક દવાઓની નિકાસ કરવામાં સૌથી મોખરાના દેશમાં સ્થાન ધરાવે છે. ખાસ કરીને કેટલીક સંવેદનશીલ દવાઓમાં પ્રથમ નંબરે છે. જો હવે અમેરિકાના રાષ્ટર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની યોજના અનુસાર, 200 ટકા કે તેથી વઘુ ટેરિફ લાદવામાં આવે છે, તો ભારતીય દવા ઉત્પાદકોને ભારે નુકસાન થઈ શકે છે. ટ્રમ્પના આ પગલાની ભારતમાંથી થતી નિકાસને મોટી અસર થઈ શકે છે. જો કે, કેટલાક અહેવાલો સૂચવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ચીનથી આયાતી દવાઓ અને તેમના કાચા માલ (API) પર મોટાભાગનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
ટ્રમ્પનું મુખ્ય લક્ષ્ય ફાર્મા કંપનીઓ પર તેમના ઉત્પાદનને અમેરિકામાં ખસેડવા માટે દબાણ કરવાનું છે. તેમનો દાવો છે કે અમેરિકામાં બનેલી દવાઓ પર કોઈ ટેરિફ નહીં લગાવવામાં આવે. પહેલેથી જ, જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન અને રોશે જેવી કેટલીક મોટી કંપનીઓએ અમેરિકામાં રોકાણ વધારવાની જાહેરાત કરી છે.
નિષ્ણાતો અને ઉદ્યોગ જૂથો માને છે કે, આટલા ઊંચા ટેરિફથી વિપરીત અસર થઈ શકે છે. આનાથી દવાના ભાવમાં વધારો થવાની અને દવાઓની અછત સર્જાવાની ધમકી છે. ખાસ કરીને સામાન્ય દવાઓ, જે પહેલાથી જ ઓછા નફામાં વેચાય છે, તે સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. કેટલાક વિશ્લેષકોનો અંદાજ છે કે 25 % ટેરિફ પણ યુએસ દવાની કિંમતમાં લગભગ ડોલર 51 બિલિયનનો વધારો કરી શકે છે.
ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને ઉદ્યોગ જૂથોએ આ પગલાની ટીકા કરી છે. તેઓ કહે છે કે સંશોધન અને વિકાસ અને નવીનતા પર ટેરિફની ખરાબ અસર પડશે. રસપ્રદ વાત એ છે કે, કેટલાક રોકાણકારો અને વિશ્લેષકો શંકા વ્યક્ત કરે છે કે, ટ્રમ્પ ખરેખર 200 % જેટલો ઊંચો દર લાગુ કરશે. તેઓ માને છે કે તે ફક્ત વાટાઘાટોની યુક્તિ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ ભારત, ચીન અને રશિયાને એકસાથે જોઈને અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું-ભારત ટેરિફ ઓછી કરવા માંગે છે, પરંતુ હવે બહુ મોડું થયું