શ્રીલંકામાં આર્થિક સંકટ ઘેરું બન્યુ, આગામી સપ્તાહે શેરબજાર બંધ રાખવાની જાહેરાત
દેશે આગામી 5 વર્ષમાં 25 અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે. જેમાંથી 7 બિલિયન ડોલરનું દેવું આ વર્ષે જ ચૂકવવાનું છે. હાલમાં, સરકાર લોનના હપ્તા ચૂકવવા કરતાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો વધારવા પર વધુ ધ્યાન આપી રહી છે.
શ્રીલંકામાં (Sri Lanka) આર્થિક સંકટ (Economic Crisis) ઘેરું બની રહ્યું છે. કોલંબો સ્ટોક એક્સચેન્જે (stock market) પરિસ્થિતિ કાબૂ બહાર જતી જણાતા આવતા સપ્તાહે ટ્રેડિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શનિવારે કોલંબો સ્ટોક એક્સચેન્જે કહ્યું કે જ્યાં સુધી રોકાણકારોને પરિસ્થિતિની સારી તસવીર ન મળે ત્યાં સુધી ટ્રેડિંગ બંધ રાખવામાં આવ્યું છે, જેથી તેઓ રોકાણનો સારો નિર્ણય લઈ શકે. જોકે, એવું માનવામાં આવે છે કે કથળતી સ્થિતિ વચ્ચે શેરબજારમાં ગભરાહટમાં થનારા વેચાણને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેથી રોકાણકારોનું રોકાણ મૂલ્ય જમીન પર ન આવે.
રશિયા યુક્રેન સંકટની શરૂઆતમાં રશિયાએ પણ કેટલાક દિવસો સુધી શેરબજારમાં વેપાર બંધ કરી દીધો હતો. દિગ્ગજ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
કોલંબો સ્ટોક એક્સચેન્જ આવતા અઠવાડિયે 5 દિવસ માટે બંધ રહેશે
શ્રીલંકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ એક રિલીઝમાં કહ્યું કે 18 એપ્રિલથી, શ્રીલંકાના શેર બજારો આગામી 5 દિવસ માટે બંધ રહેશે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે જ કોલંબો સ્ટોક એક્સચેન્જના બોર્ડે થોડા સમય માટે કારોબાર બંધ રાખવાનો અનુરોધ કર્યો હતો, ત્યારબાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
SEC એ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓ અને શેરબજાર પર તેની અસરને ધ્યાનમાં રાખીને તેમજ યોગ્ય રીતે કારોબાર કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, હાલ માટે ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલીઝમાં જણાવાયું છે કે SEC માને છે કે આ ક્ષણે શ્રેષ્ઠ પગલાં એ રોકાણકારો અને બજારના સહભાગીઓને પરિસ્થિતિને સમજવા માટે સમય આપવાનો છે. જેથી કરીને તેઓ રોકાણના સૌથી યોગ્ય નિર્ણયો લઈ શકે.
શ્રીલંકા અત્યાર સુધીના સૌથી મુશ્કેલ તબક્કામાં
શ્રીલંકા એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટની અસર દેશના રાજકારણ પર પણ પડી છે. હાલ દેશભરમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત છે. લાંબા ગાળાના પાવર કટ ચાલુ છે, ખોરાક અને દવાઓની અછત છે. અત્યારે દેશ નાદારીની આરે છે. દેશે આગામી 5 વર્ષમાં 25 અબજ ડોલરનું દેવું ચૂકવવાનું છે.
જેમાંથી 7 બિલિયન ડોલરનું દેવું આ વર્ષે જ ચૂકવવાનું છે. સરકારે આ સપ્તાહે તમામ પ્રકારના વિદેશી દેવાની ચૂકવણી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. સરકાર આ પૈસાનો ઉપયોગ ખોરાક અને આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે કરશે. જો કે તેનાથી અર્થવ્યવસ્થા પર દબાણ વધશે અને સરકારને ઘણા કડક પગલાં ભરવા પડી શકે છે. આ પગલાંની સીધી અસર શેરબજાર પર જોવા મળશે અને બજારને તૂટતું અટકાવવા માટે બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Asansol By-Poll Results: શત્રુઘ્ન સિંહા આસનસોલમાં રેકોર્ડ વોટથી જીત્યા, મમતા બેનર્જી સાથે મળીને ભાજપને કર્યું ‘ખામોશ’