
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને Central Board of Secondary Education (CBSE) દ્વારા મધ્ય પૂર્વના સાત દેશોમાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 માર્ચથી શરૂ થનારી આ પરીક્ષાઓ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાહેર કરવામાં આવશે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ઈરાન, બહેરીન, કુવૈત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને કતાર જેવા દેશોમાં પરીક્ષા કેન્દ્રો પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત બની શકે છે. આ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને દર વર્ષે CBSE બોર્ડની પરીક્ષાઓ આપે છે.
CBSEએ સ્પષ્ટ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા તેમના માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ પરીક્ષાનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
બોર્ડે વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અથવા અસત્તાવાર માહિતી પર વિશ્વાસ ન કરે. પરીક્ષાઓ સંબંધિત સચોટ અને તાજી માહિતી માટે માત્ર CBSEની સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
આ નિર્ણય હાલ માટે કામચલાઉ છે અને પરિસ્થિતિમાં સુધારો થતા જ પરીક્ષાઓ અંગે વધુ જાહેરાત કરવામાં આવશે.
ઈરાન પર ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દૂતાવાસે ભારતીયોને કર્યા એલર્ટ, 24×7 હેલ્પલાઈન કરી જાહેર