
અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. કેનેડાએ ટેરિફ સામે પ્રસારીત કરેલ એક જાહેરાતથી કેનેડા અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. કેનેડાની ટેરિફ વિરોધી જાહેરાતથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે, કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટોનો અંત લાવવાની જાહેરાત કરી. હવે, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ રોનાલ્ડ રીગન દર્શાવતી વિવાદાસ્પદ ટેરિફ જાહેરાતને દૂર કરવામાં નિષ્ફળતા મળતા, ગુસ્સે થઈને, ટ્રમ્પે કેનેડા ઉપર 10% વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કેનેડાની ટેરિફ વિરોધી જાહેરખબરથી ગુસ્સે ભરાયા છે. દરમિયાન, ટ્રમ્પે એવી ચિમકી ઉચ્ચારી છે કે, જો કેનેડા વિવાદાસ્પદ જાહેરાત તાત્કાલિક દૂર નહીં કરે તો 10% વધારાની આયાત ડ્યુટી લાદવામાં આવશે. કેનેડાની જાહેરાતમાં યુએસ ટેરિફની ટીકા કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે થયા હતા અને તેમને કેનેડા સાથે વેપાર વાટાઘાટોનો અંત લાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કેનાડાના ઘણા ઉત્પાદનો પર પહેલાથી જ અમેરિકાએ 35% ટેરિફ લગાવી છે, જ્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50 % ટેરિફ લાગુ છે, અને ઉર્જા ઉત્પાદનો પર ફક્ત 10 % ટેરિફ લાગુ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે વધારાના 10% ટેરિફ કયા ઉત્પાદનો અથવા ક્ષેત્રો પર લાગુ થશે.
જો કે, ઓટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ના ગમેલી જાહેરાત દૂર કરી દેશે. દરમિયાન આ જાહેરાત શુક્રવાર રાતે, વર્લ્ડ સીરીઝની પહેલી મેચ દરમિયાન પ્રસારીત કરવામાં આવી હતી. એર ફોર્સ વનમાં મલેશિયા જતા ડોનાલ્ડ ટ્રમ્પે, પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને કહ્યું કે, આ જાહેરાતને તાત્કાલિક દૂર કરવી જોઈતી હતી. પરંતુ આ એક પ્રકારની છેતરપિંડી હોવાનું જાણવા છતા તેમણે વર્લ્ડ સીરીઝ દરમિયાન ચાલવા દીધી.
ટ્રમ્પે તેમના ટ્રુથઆઉટ સોશિયલ પ્લેટફોર્મ પર વધુમાં લખ્યું, “તથ્યોની ખોટી રજૂઆત અને પ્રતિકૂળ વર્તનને કારણે, હું કેનેડા પર 10 % ટેરિફ વધારી રહ્યો છું, જે તેઓ હાલમાં ચૂકવે છે તેના કરતા વધુ છે.” ટ્રમ્પ અને કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની બંને મલેશિયામાં એસોસિએશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) સમિટમાં હાજરી આપશે. જોકે, ટ્રમ્પે તેમની સાથે મુસાફરી કરી રહેલા પત્રકારોને જણાવ્યું હતું કે, તેમનો ત્યાં કાર્નેને મળવાનો કોઈ ઇરાદો નથી.
આ પણ વાંચોઃ ટ્રમ્પનો વિરોધ છતાં સત્ય સામે: H-1B વિઝા ધારક ભારતીયો જ અમેરિકન અર્થતંત્રના ‘વાસ્તવિક હીરો’