
અમેરિકામાં દિવાળીના ઉત્સવ વચ્ચે હિન્દુ સમુદાય વિરુદ્ધ વંશીય નફરતનો મામલો સામે આવ્યો છે. સીએટલમાં રાઇટવિંગ કાર્યકર જેક લેંગે દિવાળીના કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તેણે સોશિયલ મીડિયા પર હિન્દુ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. જેક લેંગે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની હારને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને ટ્રમ્પની હારનો ગુસ્સો હિન્દુઓ પર ઉતાર્યો હોવાનો આરોપ છે.
સૂત્રો અનુસાર, શનિવારે 7 નવેમ્બરના દિવસે અમેરિકાના દક્ષિણપંથી કાર્યકર જેક લેંગે વોશિંગ્ટનના સીએટલમાં યોજાયેલા દિવાળી મહોત્સવમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર્યક્રમમાં હાજર કેટલાક લોકોએ તેને આગળ વધતો અટકાવ્યો હતો. આ દરમિયાન જેક લેંગ અને તેની સાથે આવેલા પ્રદર્શનકારીઓએ ‘ડિપોર્ટ ઓલ ડોટ હેડ્સ’ એટલે કે તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢો તેવા લખાણવાળા બેનરો હાથમાં રાખ્યા હતા.
જેક લેંગે દિવાળી મહોત્સવમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ સાથે તેણે હિન્દુ સમુદાય માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે ટેક્સાસ રાજ્યને ડેમોક્રેટિક પાર્ટીના સમર્થનમાં ફેરવવા માટે હિન્દુઓ જવાબદાર છે.
પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જેક લેંગે લખ્યું હતું કે, ‘સીએટલના દિવાળી મહોત્સવમાં ડઝનબંધ એન્ટિફા (ANTIFA) અને હિન્દુઓએ અમારા પર હુમલો કર્યો. લાગે છે કે તેમને અમારું તમામ ભારતીયોને દેશમાંથી બહાર કાઢો એવું લખેલું બેનર પસંદ આવ્યું નથી. હિન્દુઓએ ટેક્સાસને ડેમોક્રેટિક રંગમાં રંગી દીધું છે.’
જેક લેંગે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામોમાં ગેરરીતિ થઈ છે. તેના મતે, ટેક્સાસ અને કેન્સાસ જેવા રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીના પ્રભાવમાં ઘટાડો થયો છે. 6 જાન્યુઆરીના હુમલાની વર્ષગાંઠની આસપાસ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરતાં લેંગે કહ્યું હતું કે, 3 જાન્યુઆરી, 2027ના રોજ ‘ક્રિશ્ચિયન ક્રૂસેડર્સ’ વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન કેપિટલ પહોંચશે અને ચૂંટણીનાં પરિણામોને પ્રમાણિત કરવાની પ્રક્રિયાનો વિરોધ કરશે.
ટેક્સાસમાં જેમ્સ તાલારિકો સેનેટર તરીકે અને જીના હિનોજોસા ગવર્નર તરીકે ચૂંટાયા બાદ આખું રાજ્ય ડેમોક્રેટિક રંગમાં રંગાઈ ગયું હોવાનો પણ તેણે દાવો કર્યો હતો.
વ્હાઇટ રિપ્લેસમેન્ટ નામનું સંગઠન ચલાવતો જેક લેંગ 6 જાન્યુઆરી, 2021ના રોજ અમેરિકન કેપિટલ એટલે કે સંસદ ભવન પર થયેલા હુમલામાં સામેલ હતો. આ મામલે તેણે ચાર વર્ષ જેલની સજા ભોગવી હતી. વર્ષ 2025માં પોતાના બીજા કાર્યકાળના પ્રથમ જ દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેક લેંગને માફી આપી હતી.
આ ઘટના સામે આવ્યાના થોડા દિવસ પહેલાં જ શિકાગો નજીક આવેલા એક હિન્દુ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું સામે આવ્યું હતું. હિન્દુ મંદિરમાં મોટા પાયે ગોળીબાર કરવાની ધમકી મળ્યા બાદ તપાસ દરમિયાન 19 વર્ષીય શંકાસ્પદ એલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસની ધરપકડ કરવામાં આવી હતી.
નાઝી વિચારધારા ધરાવતા પાપોરાકિસે કથિત રીતે હિન્દુ મંદિરમાં સામૂહિક ગોળીબાર કરવાની યોજના બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ બંને ઘટનાઓએ અમેરિકામાં હિન્દુ સમુદાયની સુરક્ષા અને તેમની વિરુદ્ધ વધી રહેલી નફરત અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.