
અમેરિકાના રાજકારણમાં જ્યારે પણ કોઈ મોટો ફેરફાર થાય છે, ત્યારે તેની અસર સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થા અને સામાન્ય લોકોના ખિસ્સા પર જોવા મળે છે. તાજેતરમાં જાહેર થયેલા અમેરિકાની મિડટર્મ ચૂંટણીનાં પરિણામોએ વૈશ્વિક બજારનું ચિત્ર બદલી નાખ્યું છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટું રાજકીય નુકસાન થયું છે. બીજી તરફ, ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાની સંસદનાં બંને ગૃહોમાં પોતાની સરસાઈ મજબૂત બનાવી છે. વોશિંગ્ટનમાં બદલાયેલા આ રાજકીય સમીકરણોની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. ચૂંટણીનાં પરિણામો બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વિશ્વભરના નાણાકીય બજારોમાં પણ આ રાજકીય બદલાવની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.
ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ ક્રૂડ ઓઇલના બજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી હતી. બજારના આંકડાઓ અનુસાર, તેલના ભાવમાં લગભગ 10 ટકાનો સીધો ઘટાડો નોંધાયો છે. અમેરિકન ક્રૂડ ઓઇલ એટલે કે WTI ના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થતાં તે પ્રતિ બેરલ 87.68 ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારના માપદંડ ગણાતા બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. બજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 9.20 ટકા ઘટીને 94.08 ડોલર પ્રતિ બેરલથી 93.40 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો હતો.
તેલના ભાવમાં અચાનક આવેલા આ ઘટાડા પાછળ માત્ર અમેરિકાની આંતરિક રાજનીતિ જ જવાબદાર નથી. પરંતુ તેની વિદેશ નીતિ સાથે જોડાયેલી આશાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. બજારના નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકાની સંસદમાં ડેમોક્રેટિક પાર્ટી મજબૂત બનવાથી દેશની વિદેશ નીતિમાં ફેરફાર આવી શકે છે. રોકાણકારોને આશા છે કે બદલાયેલી રાજકીય પરિસ્થિતિમાં અમેરિકા હવે ઈરાન સાથે વાતચીતનો માર્ગ ખોલી શકે છે. જો આવું થાય તો પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલના પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. તેલનો પુરવઠો વધવાની આ આશાએ જ ભાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાને વિશ્વભરના શેરબજારો માટે સારા સમાચાર તરીકે જોવામાં આવી રહ્યો છે. મોંઘા તેલના કારણે અનેક દેશોની અર્થવ્યવસ્થા પર મોંઘવારીનું મોટું દબાણ હતું. હવે તેલના ભાવ ઘટતાં વૈશ્વિક બજારના રોકાણકારોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, બજાર સામેના તમામ પડકારો હજુ પૂરા થયા નથી. પશ્ચિમ એશિયાના દેશોમાં ચાલી રહેલો ભૂરાજકીય તણાવ હજુ સંપૂર્ણપણે શાંત થયો નથી. આગામી દિવસોમાં અમેરિકન સરકારનાં પગલાં નક્કી કરશે કે ક્રૂડ ઓઇલના ભાવમાં જોવા મળેલો આ ઘટાડો આગળ પણ ચાલુ રહેશે કે પછી બજારમાં ફરી તેજી આવશે.