Iran-US Ceasefire Breaking News : ઈરાને વિજયનો દાવો કર્યો, કહ્યું- અમેરિકાએ અમારી 10 શરતો સ્વીકારવી પડી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે તાત્કાલિક વિરામ લાગ્યો છે. 2 અઠવાડિયાના સીઝફાયર સાથે બંને દેશોએ શાંતિ માટે ચર્ચા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે, છતાં તણાવ હજુ યથાવત છે.

Iran-US Ceasefire Breaking News : ઈરાને વિજયનો દાવો કર્યો, કહ્યું- અમેરિકાએ અમારી 10 શરતો સ્વીકારવી પડી
Breaking News US Iran Ceasefire 2026 Trump Accepts 10 Point Plan Tehran Claims Victory Expalined In Detail
Image Credit source: AI Generated
| Updated on: Apr 08, 2026 | 8:11 AM

ઈરાને દાવો કર્યો છે કે અમેરિકા તેની 10 મુદ્દાની સીઝફાયર યોજના સ્વીકારવા માટે મજબૂર થયું છે. તેહરાન આ વાતને પોતાની મોટી રાજકીય અને વ્યૂહાત્મક જીત તરીકે રજૂ કરી રહ્યું છે. આ પ્રસ્તાવમાં માત્ર ઈરાન જ નહીં, પરંતુ લેબનાનમાં પણ યુદ્ધવિરામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટ્રમ્પે પાકિસ્તાનની મધ્યસ્થી બાદ સીઝફાયરની સંમતિ આપી!

ઈરાન પર ચાલી રહેલા ભારે હુમલાઓને હાલ માટે બે અઠવાડિયા સુધી રોકી દેવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે પાકિસ્તાનની વિનંતિ બાદ તેમણે આ 2 અઠવાડિયાના સીઝફાયર માટે સંમતિ આપી છે. તેમણે સાથે જ કહ્યું કે ઈરાન તરફથી 10 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરવામાં આવી છે, જેને હવે ચર્ચા માટે સ્વીકારવામાં આવી છે.

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે નિવેદનમાં જણાવ્યું કે દેશે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે અને અમેરિકા જેવી શક્તિશાળી રાષ્ટ્રને પોતાની શરતો પર વાતચીત કરવા મજબૂર કર્યું છે. ઈરાનના રાષ્ટ્રીય ટેલિવિઝન પર પણ આ વાતને “જીત” તરીકે રજૂ કરવામાં આવી હતી.

ટ્રમ્પ દ્વારા અગાઉ આપવામાં આવેલી ચેતવણીઓ બાદ ઈરાનમાં લોકો વીજળી કેન્દ્રો અને પરમાણુ સુવિધાઓની બહાર અમેરિકાના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. હવે સીઝફાયર લાગુ થતાં, તેને દેશની જીત તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે.

માહિતી મુજબ, આ બે અઠવાડિયાના વિરામ દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંપૂર્ણ સીઝફાયર માટે ચર્ચાઓ શરૂ થવાની શક્યતા છે.

સીઝફાયર છતાં હુમલા યથાવત

ભલે સીઝફાયર અંગેની વાતો ચાલી રહી હોય, તેમ છતાં ઇઝરાયલે દાવો કર્યો છે કે ઈરાને હજુ પણ તેના પર મિસાઇલ હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે ખતરા સામે એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય રાખવામાં આવી છે.

એક અમેરિકન અધિકારીએ પણ માહિતી આપી કે અમેરિકા દ્વારા ઈરાનની અંદર હુમલાઓ હાલ માટે બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઈરાને યુએઈ સહિતના કેટલાક ગલ્ફ દેશોમાં અમેરિકન હિતોને નિશાન બનાવ્યા હોવાનું પણ કહેવાય છે.

ઈરાન પોતાની જીત કેમ માને છે?

ઈરાને અમેરિકાની સામે 10 મુખ્ય શરતો મૂકી હતી. જો આ શરતો સંપૂર્ણપણે સ્વીકારવામાં આવે, તો તે ઈરાન માટે મોટી વ્યૂહાત્મક સફળતા માનવામાં આવશે.

ઈરાનની 10 મુખ્ય શરતો:

  1. અમેરિકા તરફથી કોઈ હુમલો નહીં (Non-aggression)
  2. હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનનો નિયંત્રણ યથાવત
  3. યુરેનિયમ એનરિચમેન્ટ માટે મંજૂરી
  4. તમામ પ્રાથમિક પ્રતિબંધો દૂર કરવાં
  5. સેકન્ડરી સેનક્શન પણ રદ કરવાં
  6. યુએન સિક્યુરિટી કાઉન્સિલના પ્રસ્તાવો ખતમ કરવાં
  7. IAEA બોર્ડના તમામ પ્રસ્તાવો પાછા ખેંચવા
  8. ઈરાનને વળતર આપવું
  9. વિસ્તારમાંથી અમેરિકી સૈન્ય હટાવવું
  10. તમામ મોરચાઓ પર યુદ્ધ બંધ કરવું, જેમાં લેબનાનમાં હિઝબુલ્લાહ સામેની કાર્યવાહી પણ શામેલ

હાલ સીઝફાયર લાગુ પડ્યો છે, પરંતુ પરિસ્થિતિ હજી સંપૂર્ણ શાંત નથી. બંને દેશો પોતાના-પોતાના દાવા કરી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં થનાર ચર્ચાઓ જ નક્કી કરશે કે આ વિરામ કાયમી શાંતિમાં બદલાય છે કે ફરી તણાવ વધે છે.

Breaking news: ઈરાન યુદ્ધ બંધ, અમેરિકા 2 અઠવાડિયાના યુદ્ધવિરામ માટે તૈયાર, ટ્રમ્પે સમયમર્યાદાના 2 કલાક પહેલા જાહેરાત કરી

Published On - 8:10 am, Wed, 8 April 26

Follow Us