
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે, જેમાં અમેરિકાની નાકાબંધી 24 કલાકની અંદર જ નિષ્ફળ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. મિથેનોલ વહન કરતું ચીની ટેન્કર ઈરાનની મંજૂરી સાથે આ મહત્વપૂર્ણ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર થયું, જેને અમેરિકા રોકવામાં નિષ્ફળ રહ્યું. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય રાજકીય અને સૈન્ય પરિસ્થિતિને વધુ તંગ બનાવી છે.
અહેવાલો મુજબ ચીની કાર્ગો જહાજ ‘રિચ સ્ટારી’ મિથેનોલ લઈને પર્સિયન ગલ્ફમાંથી હોર્મુઝ તરફ આવ્યું હતું. શરૂઆતમાં ઈરાને તેને કેશ્મ ટાપુ નજીક થોડા સમય માટે રોકી રાખ્યું, પરંતુ બાદમાં તેને સરળતાથી હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની મંજૂરી આપી હતી. સીએનએનના અહેવાલ મુજબ, આ ટેન્કર બાદમાં ઓમાનના અખાતમાં જોવા મળ્યું, જ્યાં અમેરિકા દ્વારા નાકાબંધી જાહેર કરવામાં આવી છે.
માહિતી અનુસાર, ટેન્કરે પહેલા પ્રયાસમાં હોર્મુઝ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. ત્યારબાદ બીજા પ્રયાસમાં તેને પસાર થવાની મંજૂરી આપવામાં આવી, જેના કારણે તે ચીન તરફ જવાના માર્ગે આગળ વધ્યું. આ જહાજ અગાઉ હોંગકોંગના ધ્વજ હેઠળ કાર્યરત હતું, પરંતુ હવે તે ચીની ધ્વજ હેઠળ સંચાલિત થાય છે.
અમેરિકાએ હોર્મુઝની બહાર અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં યુદ્ધ જહાજો તૈનાત કરીને નાકાબંધીની જાહેરાત કરી છે. યુએસ સેન્ટકોમના જણાવ્યા મુજબ, હોર્મુઝમાંથી પસાર થતા કોઈપણ જહાજ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમ છતાં, આ ચીની ટેન્કરને રોકવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે.
આ પહેલા ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોંગ જુને અમેરિકા ને ચેતવણી આપી હતી કે હોર્મુઝ મુદ્દામાં દખલ ન કરે. ચીને સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન સાથે તેના ઊર્જા અને વેપાર સંબંધો મહત્વપૂર્ણ છે અને કોઈ પણ પ્રકારની અવરોધી કાર્યવાહી સ્વીકાર્ય નહીં હોય.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સના જણાવ્યા મુજબ આ નાકાબંધી ઈરાન પર દબાણ લાવવાની વ્યૂહરચનાનો ભાગ છે, જેથી ઈરાન પરમાણુ હથિયારો અંગે ચર્ચા માટે આગળ આવે. અમેરિકા ઈરાનને આર્થિક રીતે નબળું બનાવવા માંગે છે, પરંતુ તાજી ઘટનાએ તેની આ રણનીતિને પડકાર આપી દીધો છે.
આ પણ વાંચો- Breaking News : ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા દારૂ અને રોકડાનું શું કરવામાં આવે છે? જાણો