
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મતે, પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેરનું સ્વરૂપ ધારણ કરી શકે છે. ટ્રમ્પે આ સ્થિતિ માટે ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિને જવાબદાર ગણાવી છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે જો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ઇમિગ્રેશન અંગે તેની સલાહ માની હોત, તો હિંસા અને અશાંતિની આવી પરિસ્થિતિ ટાળી શકાઈ હોત.
વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પેરિસ ખૂબ જ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનવા જઈ રહ્યું છે અને આવું થવાનું નક્કી થયું નહોતું. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સના આગમનને કારણે ફ્રાન્સની રાજધાની પેરિસની વસ્તીના માળખામાં મોટો ફેરફાર થયો છે. ટ્રમ્પે કહ્યું કે ઘણા વર્ષો પહેલાં જ મેક્રોનને મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સને દેશમાં પ્રવેશ આપવાના નિર્ણય સામે ચેતવણી આપી હતી.
ટ્રમ્પે કહ્યું, “તેઓ મારા મિત્ર છે. મેં તેમને ઘણા સમય પહેલાં કહ્યું હતું કે તમે ફ્રાન્સમાં મોટી ભૂલ કરી રહ્યા છો. તમે દુનિયાભરમાંથી દરેકને તમારા દેશમાં આવવાની મંજૂરી આપી રહ્યા છો. આખી દુનિયાના લોકો ત્યાં આવી રહ્યા હતા અને જેમ તમે જાણો છો, પેરિસ ખૂબ જ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બનવા જઈ રહ્યું છે. જ્યારે આવો કોઈ કરાર થયો નહોતો. આવું નક્કી કરવામાં આવ્યું નહોતું.”
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ફ્રાન્સમાં તોફાનો, લૂંટફાટ અને પ્રદર્શનકારીઓ તથા પોલીસ વચ્ચેની અથડામણો બાદ પેરિસ, લિલ, નીસ સહિતનાં શહેરોમાં સ્થાનિક સ્તરે કર્ફ્યૂ અને જાહેર મેળાવડા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હોવાનો અહેવાલ છે. આ અશાંતિને કારણે આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા, વેપાર-ધંધાને થયેલા નુકસાન અને લોકોમાં વધતા અસંતોષ જેવા મુદ્દાઓને લઈને વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુની સરકાર પર દબાણ વધ્યું છે.
ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુએ વધતી મોંઘવારી સામેના પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને શહેરોમાં તોફાનો અને લૂંટફાટ રોકવા માટે અમુક પસંદગીના વિસ્તારોમાં મર્યાદિત કર્ફ્યૂ લાદવાના નિર્દેશ આપ્યા હોવાનો અહેવાલ છે. આ પહેલાં ગૃહમંત્રી લોરાં નુનેઝે રવિવારે (18 ઓક્ટોબર) પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. જોકે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમને કટોકટીની સ્થિતિમાં પોલીસની જરૂરિયાતો પૂરી કરવા માટે પદ પર ચાલુ રહેવા જણાવ્યું હતું.
મેક્રોને સોમવારે (19 ઓક્ટોબર) જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓનું નેતૃત્વ સતત ચાલુ રહેવું જરૂરી છે. આ કારણોસર તેમણે લોરાં નુનેઝનું રાજીનામું સ્વીકાર્યું નહોતું. નિવેદન અનુસાર, મેક્રોને નુનેઝને હિંસાનું આયોજન અને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં થયેલી ચૂક અંગે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ હિંસા અટકાવવા માટે પોલીસની નવી રણનીતિઓ વહેલી તકે અમલમાં મૂકવા પણ જણાવ્યું હતું.
ફ્રાન્સમાં તોફાન અને હિંસા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર, પોલીસે અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોની ધરપકડ કરી છે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કડક વલણ અપનાવતાં કહ્યું કે જેમણે તોડફોડ કરી છે અને નુકસાન પહોંચાડ્યું છે, તેમણે જ તેની કિંમત ચૂકવવી પડશે.