
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શનિવારે સવારે ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના ભીષણ હુમલા બાદ પોતાના પ્રથમ વીડિયો સંદેશમાં નેતન્યાહુએ તેહરાનમાં સત્તા પરિવર્તનનું આહ્વાન કર્યું છે.
નેતન્યાહુએ કહ્યું કે, “ઈરાની જનતાના તમામ વર્ગો આ અત્યાચારી શાસનને ઉખેડી ફેંકવા અને એક સ્વતંત્ર તથા શાંતિપૂર્ણ ઈરાનની સ્થાપના કરવામાં મદદ કરે. અમારી આ સંયુક્ત કાર્યવાહીથી ઈરાનના સાહસી લોકોને પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં લેવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાશે.”
નોંધનીય છે કે જૂન મહિનામાં ઈરાન સાથે ચાલેલા 12 દિવસના યુદ્ધ દરમિયાન પણ નેતન્યાહુએ ઈરાની લોકોને શાસન વિરુદ્ધ વિદ્રોહ કરવા અપીલ કરી હતી.
પોતાના સંબોધનમાં નેતન્યાહુએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ અને સાથ માટે તેમનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ હત્યારા આતંકવાદી શાસનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો આવું થશે, તો તે સમગ્ર માનવતા માટે મોટો ખતરો બની જશે.”
ઈરાને ઇઝરાયલી પોર્ટ સિટી પર હુમલો કર્યો છે. ઈરાને શહેર પર 70 મિસાઈલો છોડી. ઇઝરાયલી મીડિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. સમગ્ર ઇઝરાયલમાં સલામતી સાયરન વાગી રહ્યા છે. ઈરાને અમેરિકા પર પણ હુમલો શરુ કરી દીધો છે. મળતી માહિતી મુજબ ઈરાનના પલટવારથી અમેરિકાના કતરમાં આવેલ એરબેઝીસ ખાલી કરાવવામાં આવ્યા છે.
લોકોને નવીનતમ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ (https://oref.org.il/eng) પર નજીકથી નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે લોકોને સ્થાનિક સમાચાર અને મોબાઇલ ચેતવણીઓનું નિરીક્ષણ કરવા વિનંતી કરી છે. કટોકટી સહાય માટે 24 કલાકની હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.
ફોન નંબર: +972-54-7520711
ઈ-મેઈલ: cons1.telaviv@mea.gov.in
Published On - 2:52 pm, Sat, 28 February 26