
ગુરુવારે સવારે 9 વાગ્યે, જ્યારે લોકો ઇઝરાયલના નેગેવ રણમાં તેમના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત હતા, ત્યારે જમીન અચાનક ધ્રુજવા લાગી. જેના કારણે ચારે તરફ અફરાતફરી સર્જાઈ ગઈ અને એલાર્મ વાગવા લાગ્યા. આ ભૂકંપ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન સાથે ભારે તણાવ ચાલી રહ્યો છે. જો કે સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તો ભૂકંપની તિવ્રતા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી, અને આ ભૂકંપ 100 કિલોમીટર દૂર સુધી અનુભવાયો હતો. ભૂકંપનો સમયગાળો અને તીવ્રતા હળવાથી મધ્યમ પરમાણુ પરીક્ષણ સાથે સરખાવી શકાય તેવી હતી, જેના કારણે ઇઝરાયલે પરમાણુ પરીક્ષણ કર્યું છે કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ હતી.
ગુરુવારે આવેલો ભૂકંપ એટલો તીવ્ર હતો કે મધ્ય ઇઝરાયલ અને જેરુસલેમના ઉત્તર સુધીના વિસ્તારોમાં અનુભવાયા હતા. જ્યારે હળવાથી મધ્યમ ભૂકંપની ગતિવિધિ આ વિસ્તાર માટે નવી નથી, પરંતુ ઈરાનમાં વિરોધ પ્રદર્શનો અને રાજકીય ઉથલપાથલ વચ્ચે આવેલા આ ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.
અમેરિકાના રાષ્ટ્રપિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઈરાન પર વિદ્રોહીઓની હત્યા કરવાનો આરોપ લગાવતા તેના પર હુમલો કરવાની ધમકી આપી ચુક્યા છે. જોકે, તેમણે બુધવારે કહ્યું હતું કે તેમને જાણ કરવામાં આવી છે કે ઈરાનમાં વિરોધીઓની હત્યા બંધ થઈ ગઈ છે અને ફાંસીની સજા આપવામાં આવી રહી નથી. બાદમાં, ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પાસે ફાંસીની સજા કરવાની કોઈ યોજના નથી.
ઈરાનમાં ડિસેમ્બરના અંતમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો 8 જાન્યુઆરીએ અચાનક ઉગ્ર બન્યા અને 1979ની ઈરાની ક્રાંતિ પછીના સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંનો એક બની ગયા. વિરોધ પ્રદર્શનો દરમિયાન 2,600 થી વધુ લોકો માર્યા ગયા છે, જોકે કેટલાક અહેવાલો અનુસાર આ સંખ્યા 12,000 ની આસપાસ છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશમાં અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.
દક્ષિણ ઈઝરાયલમાં ડિમોના નજીક 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પરમાણુ સંશોધન કેન્દ્ર નજીક પ્રાદેશિક તણાવ સાથેના આંચકાઓએ સોશિયલ મીડિયા પર પરમાણુ પરીક્ષણની અફવાઓ ફેલાવી. જોકે, ઈઝરાયલી અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ ભૂકંપ કુદરતી હતો અને તે વિસ્તારની ભૂકંપની પરિસ્થિતિઓ સાથે સંબંધિત હતો.