War Breaking News: ઈઝરાયેલ-લેબનોન વચ્ચે સીઝફાયર 45 દિવસ માટે વધારાયું, બંને દેશો ફરી શાંતિ ચર્ચા તરફ આગળ વધ્યા

અમેરિકાની મધ્યસ્થતામાં ઈઝરાયેલ અને લેબનોને 45 દિવસ માટે સીઝફાયર વધારવાનો નિર્ણય લીધો છે. સરહદ પર તણાવ અને હુમલાઓ વચ્ચે બંને દેશો હવે નવી શાંતિ ચર્ચાઓ તરફ આગળ વધી રહ્યા છે.

War Breaking News: ઈઝરાયેલ-લેબનોન વચ્ચે સીઝફાયર 45 દિવસ માટે વધારાયું, બંને દેશો ફરી શાંતિ ચર્ચા તરફ આગળ વધ્યા
Breaking news Israel and Lebanon Extend Ceasefire for 45 Days Amid Fresh Peace Talks
Image Credit source: AI Generated, Social Media
| Updated on: May 16, 2026 | 8:21 AM

અમેરિકાની મધ્યસ્થતામાં થયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ ઈઝરાયેલ અને લેબનોને આગામી 45 દિવસ માટે યુદ્ધવિરામ ચાલુ રાખવા પર સહમતિ વ્યક્ત કરી છે. વોશિંગ્ટનમાં બે દિવસ સુધી ચાલેલી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટૉમી પિગોટે જણાવ્યું કે આવનારા દિવસોમાં બંને દેશો વચ્ચે વધુ ચર્ચાઓ યોજાશે અને તેનો મુખ્ય હેતુ લાંબા ગાળાની શાંતિ સ્થાપિત કરવાનો છે.

ટૉમી પિગોટે કહ્યું કે અમેરિકા આશા રાખે છે કે આ ચર્ચાઓ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે પરસ્પર વિશ્વાસ વધારશે, બંને દેશોની સંપ્રભુતા અને સીમા સુરક્ષાને મજબૂત બનાવશે તેમજ સ્થિર શાંતિ તરફ માર્ગ તૈયાર કરશે. આગામી રાજકીય બેઠક 2 અને 3 જૂને યોજાવાની શક્યતા છે.

યુદ્ધવિરામને 45 દિવસ માટે લંબાવવા સંમતિ આપી

ઈઝરાયેલ લ અને લેબનોનના હિઝબુલ્લાહ સંગઠન વચ્ચે પહેલાથી જ અમલમાં રહેલું યુદ્ધવિરામ રવિવારે સમાપ્ત થવાનું હતું, પરંતુ વધતા તણાવને ધ્યાનમાં રાખીને તેને વધુ 45 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ શાંતિ ચર્ચાને સકારાત્મક ગણાવી હતી.

બંને દેશો વચ્ચે કાયમી શાંતિ

આ દરમિયાન, 29 મેના રોજ પેન્ટાગનમાં સુરક્ષા સંબંધિત વિશેષ બેઠક યોજાશે, જેમાં ઈઝરાયેલ અને લેબનોન બંને દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ બેઠકમાં સરહદી સુરક્ષા અને સૈન્ય તણાવ ઘટાડવા અંગે ચર્ચા થવાની છે.

હુમલામાં સાત લોકોના મોત

સીઝફાયર લંબાવવાના નિર્ણય પહેલા દક્ષિણ લેબનોનમાં થયેલા નવા હુમલાઓમાં સાત લોકોના મોત થયા હતા. લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર, 2 માર્ચ પછી ઈઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 2,951 લોકોના મૃત્યુ થયા છે. સતત હુમલાઓના કારણે સામાન્ય લોકોમાં ભય અને અસ્થિરતા વધી રહી છે.

ટારગેટેડ હુમલો

બીજી તરફ, ઇરાનના સરકારી મીડિયા પ્રેસ ટીવીના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહે દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલી સૈન્ય ઠેકાણાઓ અને વાહનોને નિશાન બનાવી અનેક હુમલાઓ કર્યા હતા. આ હુમલાઓમાં ડ્રોન, મિસાઇલ, રૉકેટ અને તોપખાનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંગઠને દાવો કર્યો હતો કે તેમના લડાકૂઓએ ઈઝરાયેલી સૈનિકો પર ઘાતકી હુમલો પણ કર્યો હતો.

હિઝબુલ્લાહે ટેન્ક વિરોધી મિસાઇલો છોડી

ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)એ જણાવ્યું કે દક્ષિણ લેબનોનમાં સૈન્ય કામગીરી દરમિયાન એક શંકાસ્પદ હવાઈ લક્ષ્ય સામે અવરોધક મિસાઇલ છોડવામાં આવી હતી. IDF અનુસાર, હિઝબુલ્લાહ દ્વારા ટૅન્ક વિરોધી મિસાઇલ અને મોર્ટાર શેલ પણ ફાયર કરવામાં આવ્યા હતા, જે ઈઝરાયેલી સૈનિકોની નજીક પડ્યા હતા.

મધ્યપૂર્વમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે સીઝફાયરનો આ નિર્ણય તાત્કાલિક રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે દુનિયાની નજર આગામી શાંતિ ચર્ચાઓ પર ટકી છે, કારણ કે બંને દેશો વચ્ચે સ્થાયી સમાધાન શોધવાની કોશિશો તેજ બની રહી છે.

16 મેના મહત્વના સમાચાર : પ્રધાનમંત્રી મોદી નેધરલેન્ડ પહોચ્યા, સેમિકન્ડક્ટર અને ડિજિટલ ટેકનોલોજી સહયોગ પર ચર્ચા થશે

Follow Us