
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં વધેલા તણાવ વચ્ચે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘર્ષનો અંત લાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા ઈરાન સાથેના સંઘર્ષનો અંત લાવ્યુ છે, કારણ કે બંને રાષ્ટ્રો એક કરાર પર સંમત થયા છે. તેમણે જાહેરાત કરી હતી કે, કરાર ઉપર ટૂંક સમયમાં હસ્તાક્ષર કરવામાં આવશે. જોકે, ઈરાનની સરકારે હજુ સુધી અમેરિકા સાથેના કરારને અંતિમ સ્વરૂપ અપાયાની પુષ્ટિ કરી નથી.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, વાટાઘાટકારોએ એક સમજૂતી પત્ર (MoU) તૈયાર કર્યો છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર માટે મુખ્ય આધાર તરીકે રહેશે. અંતિમ શાંતિ સંધિ ના હોવા છતાં, દસ્તાવેજમાં વર્તમાન તણાવ ઓછો કરવા, વૈશ્વિક ઉર્જા બજારોને સ્થિર કરવા અને વધુ સંવાદ માટે માર્ગ વધુ મોકળો કરવાના હેતુથી ઘણી પ્રતિબદ્ધતાઓની રૂપરેખા આપવામાં આવી છે. ટ્રમ્પના પ્રસ્તાવમાં પાંચ મુખ્ય જોગવાઈઓ છે.
તેહરાનનો પરમાણુ કાર્યક્રમ જે યુએસ-ઈરાન સંબંધોમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંનો એક છે, તે પ્રસ્તાવિત મેમોરેન્ડમમાં મુખ્ય રીતે સામેલ છે. આ કરાર હેઠળ, ઈરાન પરમાણુ શસ્ત્રો ન વિકસાવવાની વાત કરશે અને તેના સમૃદ્ધ યુરેનિયમ ભંડાર અંગે ભવિષ્યમાં વાટાઘાટો કરશે. આ શરતોનો વ્યાપ વ્યાપક છે અને તે વ્યાપક પરમાણુ કરારનો ઉલ્લેખ કરતી નથી.
હોર્મુઝ સ્ટ્રેટ આ પ્રસ્તાવિત શાંતિ કરારના કેન્દ્રમાં છે. સંભવિત કરાર હેઠળ, ઈરાન 30 દિવસની અંદર સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવા અને પ્રતિબંધો કે ટોલ વિના વાણિજ્યિક જહાજોની અવરજવરને મંજૂરી આપવા સંમત થશે. આ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ માટે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
યુએસ દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા કેટલાક આર્થિક પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરશે. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સીને ટાંકીને, બ્લૂમબર્ગે પ્રસારીત કરેલા અહેવાલ અનુસાર, કરાર હેઠળ ઈરાન સામેના તેલ પ્રતિબંધો હટાવવામાં આવશે. આ આર્થિક દબાણ અભિયાનના ભાગોને નાબૂદ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે જે વર્ષોથી ઈરાનના અર્થતંત્ર પર ભારે ભાર મૂકે છે.
આ દરખાસ્તનો બીજો મુખ્ય ઘટક હાલની યુદ્ધવિરામ વ્યવસ્થાને લંબાવવાનો છે. બંને પક્ષો યુદ્ધવિરામને વધુ 60 દિવસ લંબાવવા સંમત થશે, કામચલાઉ સ્થિરતા સુનિશ્ચિત કરશે અને વ્યાપક વાટાઘાટો ચાલુ રાખવાની મંજૂરી આપશે. આ યુદ્ધવિરામમાં અન્ય સંઘર્ષ ક્ષેત્રોનો પણ સમાવેશ થશે, જેમાં ઈરાન સમર્થિત જૂથો સાથે સંકળાયેલા તણાવથી પ્રભાવિત વિસ્તારોનો સમાવેશ થાય છે.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, ચર્ચા હેઠળની સૌથી મહત્વપૂર્ણ છૂટછાટોમાંની એક યુએસ સૈનિકોને પાછા બોલાવવા અને ઈરાનની આસપાસના વિસ્તારોના આર્મી બેઝ કેમ્પમાંથી સૈન્ય તાકાક હળવી કરવાનો કરાર છે. આ પગલું વોશિંગ્ટનના વલણમાં મોટો ફેરફાર રજૂ કરશે અને ઈરાનની સરહદો નજીક યુએસ લશ્કરી હાજરી ઘટાડવાની લાંબા સમયથી ચાલતી ઈરાની માંગને પૂર્ણ કરશે.