
ટ્રમ્પે, 29 સપ્ટેમ્બર સોમવારના રોજ આયોવામાં 15 અબજ ડોલરના સ્ટીલ કોમ્પ્લેક્સની યોજનાની જાહેરાત કરી. આ પ્રોજેક્ટ ભારતની બહુરાષ્ટ્રીય કંપની એસ્સાર ગ્રુપની (Essar Group) કંપની મેસાબી મેટાલિક્સ (Mesabi Metallics) દ્વારા બનાવવામાં આવશે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મેસાબી મેટાલિક્સના અધિકારીઓ સાથે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તે આ રોકાણને અમેરિકન મેન્યુફેક્ચરિંગ માટે મોટું પ્રોત્સાહન ગણાવ્યું.
ટ્રમ્પે કહ્યું કે કંપની એવો સ્ટીલ પ્લાન્ટ બનાવવાની યોજના ધરાવે છે, જેને વ્હાઇટ હાઉસે અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ ગણાવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મેસાબી મેટાલિક્સની માલિક ભારતીય બહુરાષ્ટ્રીય કંપની એસ્સાર ગ્રુપ અમેરિકામાં કુલ 18 અબજ ડોલરનું રોકાણ કરી રહી છે.
મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રુઇયાએ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ વધારવાના પ્રયાસોને સમર્થન આપવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો. રુઇયાએ કહ્યું કે અમેરિકામાં વસ્તુઓનું ઉત્પાદન કરવાના મહત્વને ફરી સ્થાપિત કરવા બદલ તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માને છે. આયોવામાં નવા સ્ટીલ કોમ્પ્લેક્સ સાથે તેઓ સંપૂર્ણ રીતે એકીકૃત અમેરિકન સપ્લાય ચેઇન તૈયાર કરશે. ટ્રમ્પે આયોવા પ્રોજેક્ટને ખૂબ મોટું રોકાણ ગણાવ્યું અને કહ્યું કે અમેરિકાનો સ્ટીલ ઉદ્યોગ ફરી જોરશોરથી આગળ વધી રહ્યો છે.
રોઇટર્સના અહેવાલ અનુસાર, પ્રસ્તાવિત સ્ટીલ કોમ્પ્લેક્સને સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટેડ ઓપરેશન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. મેસાબી મેટાલિક્સની યોજના મિનેસોટામાં આવેલી પોતાની ખાણમાંથી કાઢવામાં આવતા આયર્ન ઓરનો ઉપયોગ કરવાની અને તેને આયોવા મોકલવાની છે. ત્યાં આ અયસ્કને પ્રોસેસ કરીને સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે. આયોવા પ્લાન્ટના પ્રથમ તબક્કામાં દર વર્ષે 75 લાખ ટન સ્ટીલનું ઉત્પાદન થવાની અપેક્ષા છે. આગળ જતાં ઉત્પાદન ક્ષમતા વધારીને દર વર્ષે 1 કરોડ ટન સુધી લઈ જવામાં આવી શકે છે.
સ્ટીલનું પ્રથમ ઉત્પાદન 2030માં શરૂ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ મિનેસોટાના નાશવોક (Nashwauk) ખાતે મેસાબી મેટાલિક્સની નવી આયર્ન ઓર ખાણ સાથે જોડાયેલો રહેશે. કંપનીએ આ ખાણ વિકસાવવા માટે અત્યાર સુધીમાં 2.5 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ટ્રમ્પે મિનેસોટાના આ ઓપરેશનના મહત્વ પર ભાર મૂકતાં કહ્યું કે પાંચ દાયકાથી વધુ સમય બાદ અમેરિકામાં આ પ્રથમ નવી આયર્ન ઓર ખાણ છે.
આ ખાણ મિનેસોટાની મેસાબી આયર્ન રેન્જમાં (Mesabi Iron Range) આવેલી છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે અનુસાર, આ રેન્જ લગભગ 80થી 100 માઇલ સુધી ફેલાયેલી છે અને 20મી સદી દરમિયાન અમેરિકાના કુલ આયર્ન ઓર ઉત્પાદનમાંથી આશરે 60 ટકા ઉત્પાદન અહીંથી થયું હતું. આ ખાણમાંથી દર વર્ષે આશરે 75 લાખ ટન આયર્નનું ઉત્પાદન થવાની અને મિનેસોટામાં લગભગ 350 નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે.
આયોવા પ્રોજેક્ટથી અમેરિકાના સ્ટીલ અને માઇનિંગ ક્ષેત્રમાં એસ્સાર ગ્રુપની હાજરી નોંધપાત્ર રીતે વધશે. એસ્સાર, મેસાબી મેટાલિક્સની માલિક છે અને કંપનીએ મિનેસોટામાં પોતાના માઇનિંગ ઓપરેશનમાં પહેલેથી જ અબજો ડોલરનું રોકાણ કર્યું છે. કંપનીની નવી યોજનાઓ હેઠળ આ ખાણને આયોવામાં મોટા પાયે સ્ટીલ ઉત્પાદન કરતી સુવિધા સાથે સીધી રીતે જોડવામાં આવશે.
આ મહિનાની શરૂઆતમાં એક ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું કે તે આ પ્રોજેક્ટ માટે 10 અબજ ડોલર સુધીનું ફંડિંગ આપી શકે છે. Export-Import Bankના ચેરમેન જ્હોન જોવાનૉવિચે પણ મિનેસોટાની ખાણની મુલાકાત લીધી હતી. આયોવા પ્લાન્ટ શરૂ થયા બાદ ઓછામાં ઓછી 1,750 કાયમી નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારી અનુસાર, પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના બાંધકામ દરમિયાન વધુ 5,000થી 6,000 નોકરીઓ ઊભી થઈ શકે છે. વ્હાઇટ હાઉસના અંદાજ મુજબ, બાંધકામ અને કામગીરીના શરૂઆતના 10 વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટ કુલ મળીને લગભગ 95 અબજ ડોલરનો આર્થિક પ્રભાવ પેદા કરી શકે છે. આથી આ પ્રોજેક્ટ માત્ર એક નવી સ્ટીલ મિલ સ્થાપવા પૂરતો મર્યાદિત નહીં રહે. મિનેસોટામાં આયર્ન ઓર કાઢવાથી લઈને આયોવામાં સ્ટીલના ઉત્પાદન સુધીની સંપૂર્ણ સપ્લાય ચેઇન વિકસાવવાનો તેનો હેતુ છે.
આ પ્રોજેક્ટ અંગે એક મહત્વનો પ્રશ્ન એ છે કે મિનેસોટામાંથી કાઢવામાં આવતા આયર્ન ઓરનો ઉપયોગ કરીને આયોવામાં જ સ્ટીલનું ઉત્પાદન કેમ કરવામાં આવશે? બંને રાજ્યો વચ્ચે સૈંકડો માઇલનું અંતર છે. મિનેસોટાની ખાણ આયોવાની ઉત્તરી સરહદથી આશરે 250 માઇલ દૂર છે. વીજળીનો ખર્ચ તેનું એક કારણ હોઈ શકે છે. સ્ટીલ ઉત્પાદન માટે વીજળીનો ખર્ચ ઘણો મહત્વનો હોય છે અને આયોવામાં કોમર્શિયલ વીજળીના ભાવ મિનેસોટાની સરખામણીમાં થોડા ઓછા છે. આ ઉપરાંત, આયોવામાં આવેલો પ્રસ્તાવિત પ્લાન્ટ મધ્ય અમેરિકાના મોટા બજારો અને ઔદ્યોગિક ગ્રાહકોની પણ નજીક રહેશે. જોકે, કંપનીએ પ્લાન્ટ માટે આયોવાની પસંદગી પાછળના તમામ કારણો આપવામાં આવ્યા નથી.
આ જાહેરાત ટ્રમ્પના મોટા આર્થિક એજન્ડાનો જ એક ભાગ છે. અમેરિકન મેન્યુફેક્ચરિંગને ફરી મજબૂત બનાવવું તેમની વેપાર નીતિનો મુખ્ય હિસ્સો રહ્યું છે અને તેમાં સ્ટીલ ક્ષેત્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન મોટાભાગના આયાતી સ્ટીલ પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો. તેમના ઉત્તરાધિકારી ડેમોક્રેટ જો બાઇડને પણ મોટાભાગે આ ડ્યુટી જાળવી રાખી હતી.
સોમવારે ટ્રમ્પે દલીલ કરી હતી કે ઊંચી આયાત ડ્યુટી કંપનીઓને વિદેશી ઉત્પાદનો પર ટેરિફ ચૂકવવાને બદલે અમેરિકામાં જ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ટ્રમ્પે કહ્યું કે સત્તા સંભાળ્યા બાદ તેણે તમામ વિદેશી સ્ટીલ પર 50 ટકાનો ભારે ટેરિફ લગાવ્યો અને હવે અમેરિકાનો સ્ટીલ ઉદ્યોગ ઝડપથી ફરી મજબૂત બની રહ્યો છે. તેના જણાવ્યા અનુસાર, કંપનીઓ ટેરિફ ચૂકવવા માંગતી ન હોવાથી અમેરિકામાં જ પોતાના પ્લાન્ટ સ્થાપી રહી છે.
આ નીતિને અમેરિકાના સ્ટીલ ઉદ્યોગના કેટલાક વર્ગોનું સમર્થન પણ મળ્યું છે. આ ઉદ્યોગ જૂથોએ કંપનીઓ દ્વારા નવા સ્થાનિક ઉત્પાદન માટે કરવામાં આવી રહેલા રોકાણને ધ્યાનમાં રાખીને સરકારને ટેરિફ જાળવી રાખવા અપીલ કરી છે. ગત અઠવાડિયે ટ્રમ્પને લખેલા એક પત્રમાં સ્ટીલ ઉદ્યોગના વિવિધ જૂથોએ વહીવટીતંત્રને ટેરિફ નબળા પાડવાના પ્રયાસો સામે મજબૂત વલણ અપનાવવા અપીલ કરી